Ahmedabad News: ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (GTU)ના પ્રોફેસર ડૉ. મનીષ ઠક્કર સામે PhD સંશોધન કાર્યમાં કથિત ગેરરીતિના આક્ષેપ (PhD Thesis Controversy) સાથે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)માં ફરિયાદ કરવામાં આવી છે. ફરિયાદમાં બંધ થઈ ગયેલા જર્નલમાં પ્રકાશિત રિસર્ચ પેપરને PhD થિસિસમાં મંજૂરી આપવા અને પેપરની પ્રકાશન તારીખમાં ગેરરીતિ થઈ હોવાની આશંકા વ્યક્ત કરીને તપાસની માગ કરવામાં આવી છે. બીજી તરફ, ડૉ. મનીષ ઠક્કરે તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવતાં બંને રિસર્ચ પેપર વર્ષ 2022નાં જ હોવાનો અને તે અંગેના દસ્તાવેજી પુરાવા પોતાની (Research Paper Controversy) પાસે હોવાનો દાવો કર્યો છે.
PhD Thesis Controversy: 2022માં પ્રકાશિત થયાનો દાવો, વેબસાઇટ પર 2024માં દેખાયું
ફરિયાદી દ્વારા કરવામાં આવેલી રજૂઆત મુજબ, એક વિદ્યાર્થીનીના ‘Biomedical Systems’ વિષય પરના રિસર્ચ પેપરને ‘Medicinal Chemistry’ નામના જર્નલમાં પ્રકાશિત થયેલું દર્શાવવામાં આવ્યું છે. ફરિયાદમાં આક્ષેપ કરાયો છે કે આ જર્નલ UGCની યાદીમાંથી અગાઉ જ રદ થઈ ગયું હોવા છતાં આ પેપરને PhD થિસિસમાં સામેલ કરવામાં આવ્યું હતું.
ફરિયાદીએ વધુમાં જણાવ્યું છે કે પેપર વર્ષ 2022માં પ્રકાશિત થયું હોવાનું દર્શાવાયું છે, જ્યારે પ્રકાશકની સત્તાવાર વેબસાઇટ પર તે વર્ષ 2024માં ઉપલબ્ધ થયું હોવાની વિગતો સામે આવી છે. આ સમયગાળાના તફાવતને પગલે પેપરની પ્રકાશન તારીખમાં ફેરફાર થયો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. આ મુદ્દે UGCના નિયમો અને પ્રકાશનની માન્યતા અંગે તપાસ કરવાની માગ કરવામાં આવી છે.
ઈ-મેઇલ અને અન્ય રિસર્ચ પેપરની તપાસની માગ
ફરિયાદમાં પેપર જર્નલમાં ક્યારે મોકલવામાં આવ્યું હતું, ક્યારે મંજૂર થયું હતું અને તેના પ્રકાશન અંગે ક્યારે જાણ કરવામાં આવી હતી તે દર્શાવતા મૂળ ઈ-મેઇલ સહિતના દસ્તાવેજો રજૂ કરાવવાની માગ કરવામાં આવી છે. આ ઉપરાંત વિદ્યાર્થીનીના ‘Stochastic Modeling’ નામના અન્ય રિસર્ચ પેપરની પણ તપાસ કરવાની રજૂઆત કરાઈ છે.
ડૉ. મનીષ ઠક્કરના માર્ગદર્શન હેઠળ અગાઉ PhD પૂર્ણ કરનારા તમામ વિદ્યાર્થીઓની થિસિસ અને રિસર્ચ પેપર્સની પણ ઉચ્ચ સ્તરે તપાસ કરવામાં આવે તેવી માગ ફરિયાદમાં કરવામાં આવી છે.
શિક્ષણ વિભાગ અને GTUના કુલપતિ સુધી ફરિયાદ
ફરિયાદીએ UGCના નિયમોની કલમ 12.2નો ઉલ્લેખ કરીને તપાસ સમિતિની રચના કરવા અને જો શૈક્ષણિક ગેરરીતિ સાબિત થાય તો શિસ્તભંગનાં પગલાં ભરવાની માગ કરી છે. આ ઉપરાંત ભવિષ્યમાં GTU અથવા અન્ય સંસ્થામાં PhD માર્ગદર્શક તરીકેની જવાબદારીમાંથી ડૉ. મનીષ ઠક્કરને દૂર કરવાની પણ રજૂઆત કરવામાં આવી છે.
આ ફરિયાદ UGC ઉપરાંત GTUના કુલપતિ, શિક્ષણ વિભાગના અગ્ર સચિવ અને રાજ્યના શિક્ષણ મંત્રીને પણ મોકલવામાં આવી હોવાનું જણાવાયું છે.
‘બંને પેપર 2022નાં જ છે, અમારી પાસે પુરાવા છે’
બીજી તરફ, ડૉ. મનીષ ઠક્કરે ફરિયાદમાં કરાયેલા તમામ આક્ષેપોને ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા છે. તેમના જણાવ્યા મુજબ, તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાના હેતુથી ફરિયાદ કરવામાં આવી છે. GTU દ્વારા યોગ્ય નિયમો અને પ્રક્રિયાના આધારે જ PhDની ડિગ્રી મંજૂર કરવામાં આવી હોવાનું જણાવી તેમણે કહ્યું કે, આ અંગેના તમામ પુરાવા તેમની પાસે ઉપલબ્ધ છે.
ડૉ. ઠક્કરે વધુમાં જણાવ્યું હતું કે, તેમની અને રીમા પારેખ સાથે સંકળાયેલા જે બે રિસર્ચ પેપર અંગે સવાલો ઉઠાવવામાં આવ્યા છે, તે બંને વર્ષ 2022નાં જ છે. જર્નલના પ્રકાશક સાથે વર્ષ 2022માં જ ઈ-મેઇલ દ્વારા વાતચીત થઈ હતી અને જનરલ એડિટર પાસેથી પણ એ જ વર્ષે કન્ફર્મેશન મળ્યું હતું. બંને પેપર GTU દ્વારા મંજૂર કરવામાં આવ્યાં હતાં.
તેમણે વધુમાં જણાવ્યું કે PhD ડિફેન્સનો ઓપન સેમિનાર GTUના નિયમો મુજબ યોજાયો હતો અને તે સમયે પણ તમામ સંબંધિત રિસર્ચ પેપર્સ રજૂ કરવામાં આવ્યાં હતાં. ખોટા આક્ષેપો કરીને પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનો દાવો કરતાં તેમણે ખોટી ફરિયાદ કરનાર સામે કડક શિક્ષાત્મક પગલાં લેવાની રજૂઆત કરવાની વાત કરી છે.
આ પણ વાંચો: GTUમાં જ્ઞાનનો ઉત્સવ! “READ2INNOVATE” પહેલ દ્વારા ‘વાંચે ગુજરાત 2.0’ અભિયાનને વેગ
આ પણ વાંચો: GTU ફરી વિવાદમાં, સંલગ્ન યુનિવર્સિટીમાં વિદ્યાર્થીની સાથે છેડતીનો આક્ષેપ
આ પણ વાંચો: GTUની મોટી બેદરકારી આવી સામે, ગયા વર્ષનું પેપર ઉપાડી માત્ર તારીખ અને વર્ષ બદલી છપાવા મોકલ્યુ
