Xavier Niel Gets 16.2% Vodafone Stake: ભારતીય સ્પર્ધા આયોગ (CCI)એ ફ્રાન્સના અબજોપતિ ઉદ્યોગપતિ ઝેવિયર નિયલને વોડાફોન ગ્રુપમાં 16.2 ટકા હિસ્સો ખરીદવાની દરખાસ્તને મંજૂરી (Xavier Niel Vodafone Stake) આપી છે. આ હિસ્સાની ખરીદી તેમની કંપની વેગા SAS (Vega SAS) મારફતે કરવામાં આવશે. વેગા SASની ભારતમાં સીધી વ્યાવસાયિક હાજરી નથી. વોડાફોનમાં હિસ્સેદારી મેળવવાથી ઝેવિયર નિયલનો ભારતીય ટેલિકોમ ક્ષેત્ર સાથેનો વ્યાપારી સંબંધ વધશે.
ઝેવિયર નિયલ ટેક્નોલોજી અને ટેલિકોમ ક્ષેત્રના જાણીતા ઉદ્યોગપતિ છે. તેમણે ફ્રાન્સમાં ટેલિકોમ સેવાઓના બજારમાં નોંધપાત્ર સ્થાન મેળવ્યું છે. તેમનો વ્યવસાય ફ્રાન્સ ઉપરાંત ઇટાલી, પોલેન્ડ અને આયર્લેન્ડ સહિતના દેશોમાં પણ ફેલાયેલો છે.
Xavier Niel Vodafone Stake: 25 વર્ષની ઉંમરે શરૂ કરી પહેલી કંપની
ઝેવિયર નિયલે વર્ષ 1993માં, આશરે 25 વર્ષની ઉંમરે, ફ્રાન્સની પ્રારંભિક ઇન્ટરનેટ સેવા પ્રદાતા કંપનીઓમાંની એક વર્લ્ડનેટ (WorldNet)ની સ્થાપના કરી હતી. લગભગ સાત વર્ષ બાદ, વર્ષ 2000માં, તેમણે આ કંપની આશરે 50 મિલિયન ડોલરમાં વેચી દીધી હતી.
ત્યારબાદ તેમણે ટેલિકોમ ગ્રુપ ઇલિયાડ (Iliad) સાથે પોતાનો વ્યવસાય આગળ વધાર્યો અને તેના હેઠળ ‘ફ્રી’ (Free) બ્રાન્ડ શરૂ કરી. વર્ષ 2002માં રજૂ થયેલી ‘ફ્રીબોક્સ’ (Freebox) સેવાએ બ્રોડબેન્ડ અને અન્ય ટેલિકોમ સેવાઓને એક જ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
ફ્રી મોબાઇલથી ફ્રાન્સના ટેલિકોમ ક્ષેત્રમાં પ્રવેશ
વર્ષ 2012માં ઝેવિયર નિયલે ફ્રાન્સમાં ‘ફ્રી મોબાઇલ’ (Free Mobile) સેવા શરૂ કરી હતી. કંપનીએ સ્પર્ધાત્મક દરે કોલિંગ અને ડેટા સેવાઓ ઉપલબ્ધ કરાવીને બજારમાં પોતાની હાજરી મજબૂત બનાવી હતી.
ત્યારબાદ ઇલિયાડ ગ્રુપે ઇટાલી સહિત અન્ય યુરોપિયન બજારોમાં પણ વિસ્તરણ કર્યું હતું. વર્ષ 2014માં ઝેવિયર નિયલ સાથે સંકળાયેલા રોકાણકારોએ આશરે 2.9 અબજ ડોલરમાં ‘ઓરેન્જ સ્વિટ્ઝર્લેન્ડ’નું અધિગ્રહણ કર્યું હતું, જેને પાછળથી ‘સોલ્ટ’ (Salt) નામ આપવામાં આવ્યું. આ ઉપરાંત તેઓ મોનાકો ટેલિકોમ (Monaco Telecom) સાથે પણ સંકળાયેલા છે.
સ્ટાર્ટઅપ્સ અને ટેક્નિકલ શિક્ષણને પ્રોત્સાહન
ટેલિકોમ ક્ષેત્ર ઉપરાંત ઝેવિયર નિયલ સ્ટાર્ટઅપ્સ અને ટેક્નિકલ શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે પણ જાણીતા છે. તેમણે પેરિસમાં ‘સ્ટેશન F’ (Station F)ની સ્થાપના કરી હતી. આ કેમ્પસ સ્ટાર્ટઅપ્સ અને નવા ઉદ્યોગસાહસિકો માટેનું મોટું કેન્દ્ર છે.
તેમણે ‘École 42’ નામની નિઃશુલ્ક કોડિંગ અને સોફ્ટવેર એન્જિનિયરિંગ શિક્ષણ સંસ્થાને પણ પ્રોત્સાહન આપ્યું છે. અહીં પરંપરાગત શિક્ષણ પદ્ધતિને બદલે વિદ્યાર્થીઓ એકબીજા સાથે મળીને પ્રોજેક્ટ્સ દ્વારા શીખે છે. આ મોડલનો હેતુ ટેક્નિકલ શિક્ષણને વધુ લોકો સુધી પહોંચાડવાનો છે.
વોડાફોનમાં હિસ્સેદારીથી શું બદલાશે?
CCIની મંજૂરીથી વોડાફોન ગ્રુપમાં 16.2 ટકા હિસ્સો ખરીદવાની દરખાસ્ત આગળ વધી શકે છે. જોકે, હિસ્સેદારીની ખરીદીથી ભારતમાં ઝેવિયર નિયલના વ્યવસાય પર શું અસર પડશે અથવા ભારતીય ટેલિકોમ બજારમાં કોઈ ફેરફાર થશે કે નહીં, તે અંગે હાલ કોઈ નિશ્ચિત તારણ કાઢી શકાય તેમ નથી.
આ પણ વાંચો: 1.19 કરોડના સીમ સ્વેપ ફ્રોડના કેસમાં ICICI Bank અને વોડાફોન આઈડિયા લિમીટેડ કંપનીને દંડ ફટકારાયો
આ પણ વાંચો: બિરલા ગ્રૂપના ચેરમેને રજૂ કર્યો માસ્ટરપ્લાન, આ રીતે કામ કરશે વોડાફોન-આઇડિયા, રોકાણકારોને થશે ફાયદો
