Ahmedabad News : અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં જમીનના વ્યવહારો અને કન્સ્ટ્રક્શન સ્કીમમાં મોટો નફો કમાવવાની લાલચ આપીને એક વેપારી સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી(Ahmedabad Land Fraud)થયાનો મામલો સામે આવ્યો છે. જમીન ક્લિયરન્સનું કામ કરતા ત્રણ શખસો સામે કુલ 58.92 કરોડ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. આરોપીઓએ જમીનના વિવાદો (Land Disputes)ઉકેલી આપવાની ખાતરી આપી હતી. ત્યારબાદ જમીનના વેચાણના દસ્તાવેજો પોતાના નામે કરાવી લીધા અને નક્કી કરેલી રકમ ચૂકવ્યા વગર વેપારીને નવી કન્સ્ટ્રક્શન સ્કીમમાં મોટા નફાની લાલચ આપી હતી.
Ahmedabad Land Fraud: જમીનના વિવાદ ઉકેલવાના બહાને વેપારી સાથે સંપર્ક કર્યો
બોડકદેવમાં રહેતા અને જમીન તથા શેરબજારમાં રોકાણનું કામ કરતા 42 વર્ષીય ચિંતનભાઈ રાજેન્દ્રભાઈ રામીએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, ફેબ્રુઆરી 2022માં તેમનો સંપર્ક કન્સ્ટ્રક્શન અને જમીન ક્લિયરન્સનું (Land Clearance)કામ કરતા દીપક હીરપરા, હર્ષલ હીરપરા અને જિગ્નેશ હીરપરા સાથે થયો હતો.
ત્રણેય શખસોએ ફરિયાદીની જમીનો સાથે જોડાયેલા વિવાદો (Land Disputes)દૂર કરી આપવાની ખાતરી આપી હતી. આ પ્રક્રિયામાં થતા ખર્ચના નામે ફરિયાદીની જમીન રૂ.40 કરોડના ઉચક ભાવે વેચાણ રાખવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જોકે, જમીનના દસ્તાવેજો થયા બાદ આરોપીઓએ આશરે રૂ.25 કરોડ જ ચૂકવ્યા હતા. બાકીના રૂ.15 કરોડ જમીન ક્લિયરન્સના ખર્ચ અને રોકડ વ્યવહારોના બહાને પોતાની પાસે રાખી લીધા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. આ દરમિયાન ફરિયાદીની સહીઓવાળા વાઉચર પણ મેળવી લેવામાં આવ્યા હતા.
56 હજાર ચોરસ વાર જમીનના સોદામાં પણ કરોડો બાકી રાખ્યા
ફરિયાદમાં વધુમાં જણાવ્યા પ્રમાણે, ઓક્ટોબર 2022 અને વર્ષ 2023 દરમિયાન આરોપીઓએ અન્ય 56 હજાર ચોરસ વાર જમીન ક્લિયર કરાવવાની વાત કરી હતી. આ જમીનનો અડધો હિસ્સો વેચાણ રાખવાનો કરાર થયો હતો અને સમગ્ર જમીનની કિંમત રૂ.120 કરોડ નક્કી કરવામાં આવી હતી.
આ સોદામાં ફરિયાદીના ભાગે આવતી રૂ.60 કરોડની રકમમાંથી આરોપીઓએ માત્ર રૂ.33 કરોડ ચૂકવ્યા હતા. જ્યારે બાકીના રૂ.27 કરોડ ચૂકવવાના બાકી રાખ્યા હતા. આ ઉપરાંત અન્ય સર્વે નંબરોની જમીનના વેચાણ વ્યવહારોમાં પણ રૂ.36.84 કરોડમાંથી રૂ.16.92 કરોડની રકમ ચૂકવવામાં આવી ન હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.
નવી કન્સ્ટ્રક્શન સ્કીમમાં મોટા નફાની લાલચ આપી
ફરિયાદીએ વારંવાર બાકી નાણાંની માંગણી કરતાં આરોપીઓએ નવી કન્સ્ટ્રક્શન સ્કીમમાં રોકાણ કરવાની ઓફર કરી હતી. બાકી નીકળતી રકમને સ્કીમમાં રોકાણ તરીકે ગણવામાં આવશે અને તેમાંથી મોટો નફો મળશે તેવી ખાતરી આપવામાં આવી હતી.
આ ખાતરી પર વિશ્વાસ રાખીને ફરિયાદીએ જમીનના દસ્તાવેજો આરોપીઓના નામે કરાવી આપ્યા હતા. જોકે, તમામ દસ્તાવેજોની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આરોપીઓએ સ્કીમમાં રોકાણ અંગે કોઈ લેખિત કરાર કે દસ્તાવેજ આપ્યો ન હતો. પરિણામે ફરિયાદીને પોતાની બાકી રકમ અને રોકાણ અંગે કોઈ સ્પષ્ટતા મળી નહોતી.
રૂ.90 કરોડના ખોટા ખર્ચનો હિસાબ બતાવ્યો હોવાનો આક્ષેપ
ફરિયાદી દ્વારા વારંવાર નાણાંનો હિસાબ અને બાકી રકમની માંગણી કરવામાં આવતાં આરોપીઓએ હિસાબ આપવાનો ઇનકાર કર્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. એટલું જ નહીં, જમીન ક્લિયરન્સની પ્રક્રિયામાં રૂ.90 કરોડનો ખર્ચ થયો હોવાનું દર્શાવી ખોટો હિસાબ રજૂ કરવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ કરાયો છે.
આ સમગ્ર વ્યવહારમાં જમીનના વિવાદો (Land Disputes)ઉકેલવા અને નવી સ્કીમમાં મોટો નફો અપાવવાની લાલચ આપીને કુલ રૂ.58,92,16,487ની રકમનો ગેરલાભ ઉઠાવવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. પોલીસે દીપક હીરપરા, હર્ષલ હીરપરા અને જિગ્નેશ હીરપરા સામે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
