Ahmedabad News/ દર્દીઓનાં સાધનો ખાનગી સ્ટોરમાં વેચી દેવાયાના આક્ષેપ, SVPના ડૉક્ટરનું પરિણામ અટકાવવાની તૈયારી

અમદાવાદની SVP હોસ્પિટલમાં ₹39.78 લાખનાં સર્જિકલ સાધનોની ગેરરીતિના (SVP Hospital Scam) આક્ષેપ. ડૉ. નિખિલ ભુવાનું પરિણામ રોકવા ગુજરાત યુનિવર્સિટીને પત્ર, 8 રેસિડેન્ટ તપાસમાં.

Ahmedabad Top Stories Gujarat Breaking News
SVP Hospital Scam: રૂ. 39.78 લાખનાં સર્જિકલ સાધનોની ગેરરીતિનો આક્ષેપ

Ahmedabad News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત SVP હોસ્પિટલમાં દર્દીઓ માટે મંગાવવામાં આવતા સર્જિકલ સાધનો બારોબાર ખાનગી મેડિકલ સ્ટોરમાં વેચી દેવાના (SVP Hospital Scam) આક્ષેપ મામલે તપાસ કમિટીએ રિપોર્ટ સોંપ્યો છે. આ પ્રકરણમાં MD ઓર્થોપેડિકના રેસિડેન્ટ ડોક્ટર નિખિલ ભુવાનું નામ સામે આવ્યું છે. NHL મેડિકલ કોલેજના ડીને તેમના પરીક્ષાનું પરિણામ રોકવા માટે ગુજરાત યુનિવર્સિટીને પત્ર લખ્યો છે. તપાસ રિપોર્ટનો અભ્યાસ કર્યા બાદ અન્ય જવાબદારો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.

SVP Hospital Scam: જુનિયર ડોક્ટરોના લોગિન IDનો ઉપયોગ કરી સાધનો મંગાવ્યાનો આક્ષેપ

આરોપ છે કે MD ઓર્થોપેડિકના રેસિડેન્ટ ડોક્ટર નિખિલ ભુવાએ ફર્સ્ટ અને સેકન્ડ યરના જુનિયર તબીબોના લોગિન IDનો ઉપયોગ કરીને સર્જિકલ સાધનો મંગાવ્યા હતા. હોસ્પિટલની HIS સિસ્ટમમાં સાધનો દર્દીઓને ઇશ્યૂ કર્યા બાદ પરત જમા થયેલા હોવાનું દર્શાવવામાં આવતું હતું. જોકે, વાસ્તવિક સાધનો ખાનગી મેડિકલ સ્ટોરમાં વેચી દેવામાં આવતા (Surgical Equipment Scam) હોવાની વિગતો તપાસમાં સામે આવી હોવાનું જાણવા મળ્યું છે.

ડીન દ્વારા ગુજરાત યુનિવર્સિટીને પત્ર

NHL મેડિકલ કોલેજનાં ડીન ડો. ચેરી શાહે જણાવ્યું હતું કે, તપાસ કમિટી દ્વારા રિપોર્ટ સોંપવામાં આવ્યો છે, જેનો હજુ ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાનો બાકી છે. તેમના જણાવ્યા અનુસાર, ડો. નિખિલ ભુવા દ્વારા જુનિયર ડોક્ટરોના લોગિન IDનો ઉપયોગ કરીને સાધનો મંગાવવામાં આવ્યા હતા. આ મામલે તેમનું પરીક્ષાનું પરિણામ રોકવા માટે ગુજરાત યુનિવર્સિટીને પત્ર લખવામાં આવ્યો છે.

ફેબ્રુઆરીમાં બની હતી ઘટના, એપ્રિલમાં રચાઈ હતી કમિટી

આરોગ્ય વિભાગનો હવાલો સંભાળતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દિનેશ ગુરુવે જણાવ્યું હતું કે, આ ઘટના ફેબ્રુઆરી મહિનામાં બની હતી અને એપ્રિલમાં તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી. હવે કમિટીનો રિપોર્ટ ડીનને મળી ગયો છે. રિપોર્ટનો અભ્યાસ કર્યા બાદ જે પણ વ્યક્તિ જવાબદાર જણાશે તેની સામે ડીન દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.

રૂ. 39.78 લાખની ગેરરીતિનો આક્ષેપ, 8 તબીબો તપાસના દાયરામાં

આ સમગ્ર પ્રકરણમાં SVP હોસ્પિટલમાંથી રૂ. 39.78 લાખનાં સર્જિકલ સાધનોની ગેરરીતિ થઈ હોવાનો આક્ષેપ છે. આઠ જેટલા રેસિડેન્ટ તબીબો તપાસના દાયરામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. રિપોર્ટમાં એક તબીબે આશરે 90 સર્જિકલ ડ્રેપ ઇશ્યૂ કર્યાની કબૂલાત કરી હોવાનો પણ ઉલ્લેખ છે.

હવે તપાસ કમિટીના રિપોર્ટના આધારે NHL મેડિકલ કોલેજના (NHL Medical College) ડીન દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત મ્યુનિસિપલ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરીને સમગ્ર પ્રકરણમાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવશે.


આ પણ વાંચો: ICUમાં દર્દી સુરક્ષિત છે ખરા? અમદાવાદ SVP હોસ્પિટલ પર બેદરકારીનો આરોપ!

આ પણ વાંચો: SVP હોસ્પિટલના લોન્ડ્રી વિભાગમાં આગ, ઇલેક્ટ્રિકલ ડક્ટમાં આગ કાબુમાં લાગી આગ…

આ પણ વાંચો: ક્લિનિકલ રિસર્ચ કૌભાંડ મામલે મેડિકલ સુપ્રિટેન્ડેન્ટનો દાવો, ‘SVP હોસ્પિટલમાં દર્દીઓનાં મોત થયા હતા’