Gandhinagar News: દિવાળી સહિતના આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્રએ ફટાકડાના ઉપયોગ અને વેચાણ અંગે કડક નિયંત્રણો (Gandhinagar Diwali Rules) જાહેર કર્યા છે. જિલ્લા મેજિસ્ટ્રેટ રવિન્દ્ર ખતાલે દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા મુજબ, દિવાળીના દિવસે રાત્રે 8થી 10 વાગ્યા સુધી જ (Firecracker Timing) ફટાકડા ફોડી શકાશે. આ ઉપરાંત ફટાકડાની લડી અને આકાશમાં ઉડાડવામાં આવતા સ્કાય લેન્ટર્ન (Chinese Lantern Ban) એટલે કે તુક્કલના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
Gandhinagar Diwali Rules: માત્ર ગ્રીન ફટાકડા જ વાપરી શકાશે
જાહેરનામા અનુસાર, ગાંધીનગર જિલ્લાના મહેસૂલી વિસ્તારમાં PESOની માન્યતા ધરાવતા ઓછું ઉત્સર્જન કરતા ગ્રીન ફટાકડાના વેચાણ અને ઉપયોગને જ મંજૂરી આપવામાં આવી છે. વધુ અવાજ અને વાયુ પ્રદૂષણ ફેલાવતા ફટાકડાની લડીના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. ફટાકડાના ઉત્પાદનમાં ઝેરી બેરિયમ રસાયણના ઉપયોગ પર પણ રોક લગાવવામાં આવી છે.
ઓનલાઇન વેચાણ અને વિદેશી ફટાકડા પર પ્રતિબંધ
તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે માત્ર માન્ય લાઇસન્સ ધરાવતા વેપારીઓ જ નિર્ધારિત દુકાનો પરથી ફટાકડા વેચી શકશે. ઈ-કોમર્સ પ્લેટફોર્મ કે વેબસાઇટ મારફતે ફટાકડાનું ઓનલાઇન વેચાણ અને હોમ ડિલિવરી કરી શકાશે નહીં. આ ઉપરાંત બિનઅધિકૃત વિદેશી ફટાકડાની આયાત, સંગ્રહ અને વેચાણ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ફટાકડાના બોક્સ પર જરૂરી માર્કિંગ અને નિર્ધારિત ડેસિબલ મર્યાદાની વિગતો હોવી જરૂરી રહેશે.
દિવાળી, ક્રિસમસ અને નૂતન વર્ષ માટે સમય નક્કી
જાહેરનામામાં ફટાકડા ફોડવા માટે અલગ-અલગ તહેવારોના સમય નક્કી કરવામાં આવ્યા છે. દિવાળી અને અન્ય તહેવારો દરમિયાન રાત્રે 8થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે. જ્યારે ક્રિસમસ અને નૂતન વર્ષના પ્રસંગે રાત્રે 11.55થી મધરાતે 12.30 વાગ્યા સુધી એટલે કે માત્ર 35 મિનિટ માટે ફટાકડા ફોડવાની છૂટ રહેશે.
આકાશમાં ઉડાડવામાં આવતા સ્કાય લેન્ટર્ન અથવા તુક્કલના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ પર આગની સંભવિત દુર્ઘટનાઓને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
હોસ્પિટલ અને ધાર્મિક સ્થળોની આસપાસ પણ પ્રતિબંધ
જાહેર સલામતીને ધ્યાનમાં રાખીને બજારો, શેરીઓ, જાહેર રસ્તાઓ, પેટ્રોલ પંપ, LPG બોટલિંગ પ્લાન્ટ, ગોડાઉન અને એરપોર્ટની આસપાસ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ રહેશે. હોસ્પિટલો, નર્સિંગ હોમ, શૈક્ષણિક સંસ્થાઓ, અદાલતો અને ધાર્મિક સ્થળોની 100 મીટરની ત્રિજ્યામાં આવેલા વિસ્તારને સાયલેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. આ વિસ્તારમાં કોઈપણ સમયે ફટાકડા ફોડી શકાશે નહીં.
બે તબક્કામાં અમલમાં રહેશે જાહેરનામું
ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્રનું (Gandhinagar Collector) આ જાહેરનામું બે તબક્કામાં અમલી રહેશે. પ્રથમ તબક્કો 8 નવેમ્બર, 2026ના રોજ મધરાતે 12.01 વાગ્યાથી શરૂ થઈ 24 નવેમ્બર, 2026ની મધરાત સુધી અમલમાં રહેશે. જ્યારે બીજો તબક્કો 25 ડિસેમ્બર, 2026ના રોજ મધરાતે 12.01 વાગ્યાથી શરૂ થઈ 1 જાન્યુઆરી, 2027ની મધરાત સુધી અમલી રહેશે.
જાહેરનામામાં જણાવ્યા મુજબ, નિયમોનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો: દિવાળીએ 2 દિવસ લીલા ફટાકડાની મંજૂરી, સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય
આ પણ વાંચો: આ દિવાળીએ બનાવો માવા વિના દાણેદાર બેસનની બરફી…સૌને ખૂબ ભાવશે…!
આ પણ વાંચો: દિવાળીએ CM યોગીની મહિલાઓને મોટી ભેટ, 1.89 કરોડ પરિવારોને LPG સબસિડીનો લાભ
