Ahmedabad News/ અમદાવાદ-ગાંધીનગરમાં કેફેની આડમાં હુક્કાબારનો પર્દાફાશ: SMCના દરોડામાં 94 હુક્કા જપ્ત

અમદાવાદ અને ગાંધીનગરના ચાર કેફેમાં SMCના દરોડા દરમિયાન 94 હુક્કા સહિતનો મુદ્દામાલ જપ્ત (Hookah Bar Raid) કરાયો. ચાંદખેડા, સિંધુભવન, ગુજરાત કોલેજ રોડ અને ઈન્ફોસિટીમાં કાર્યવાહી.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Hookah Bar Raid: અમદાવાદ-ગાંધીનગરમાં SMCની એકસાથે રેડ

Ahmedabad News: રાજ્યમાં હુક્કાબાર પર પ્રતિબંધ હોવા છતાં અમદાવાદ (Ahmedabad) અને ગાંધીનગરનાં (Gandhinagar) કેટલાંક કેફેમાં હુક્કા પીરસવામાં આવતા હોવાની માહિતીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)એ દરોડા (Hookah Bar Raid) પાડ્યા છે. રાજ્ય પોલીસવડા જી.એસ. મલિકની સૂચનાથી સ્થાનિક પોલીસને જાણ કર્યા વિના ચાંદખેડા, ગુજરાત કોલેજ રોડ, સિંધુભવન રોડ અને ગાંધીનગરના ઇન્ફોસિટી વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી હતી. દરોડા દરમિયાન હુક્કા, ચિલમ, અલગ-અલગ ફ્લેવરનાં પેકેટ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ, કુલ 94 હુક્કા સહિતનો સામાન (94 Hookahs Seized) કબજે કરાયો છે.

Hookah Bar Raid: સ્થાનિક પોલીસની જાણ બહાર SMCની કાર્યવાહી

સ્થાનિક પોલીસ દ્વારા હુક્કાબાર સામે પૂરતી કાર્યવાહી થતી ન હોવાની ફરિયાદોને પગલે રાજ્ય પોલીસવડાએ સીધી SMCને કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. તેના આધારે ટીમે અમદાવાદ અને ગાંધીનગરમાં અલગ-અલગ સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન કેફેના સંચાલકો, મેનેજરો અને કર્મચારીઓ સહિત અનેક લોકો મળી આવ્યા હતા. હુક્કાબાર ચલાવવાના મામલે સંચાલકો સામે જાણવાજોગ ફરિયાદ નોંધવાની કાર્યવાહી કરવામાં આવી છે.

ચાંદખેડાના કિંગ્સ કેફેમાં દરોડો

અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઝુંડાલ સર્કલ પાસે આવેલી શ્રી ખોડિયાર કાઠિયાવાડી હોટેલ નજીકના કિંગ્સ કેફેમાં SMCએ દરોડો (SMC Raid Gujarat) પાડ્યો હતો. આ કેફેના માલિક સાવનકુમાર દલપતભાઈ પરમાર (રહે. ઉપવન રેસિડેન્સી, ચાંદખેડા) સહિત કાઉન્ટર સંભાળતા અને હુક્કાના ફ્લેવર તૈયાર કરતા લોકો મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી હુક્કા, ચિલમ અને અલગ-અલગ ફ્લેવરનાં પેકેટ સહિતનો સામાન જપ્ત કર્યો હતો.

Hookah Bar Raid: અમદાવાદ-ગાંધીનગરમાં SMCની એકસાથે રેડ
Hookah Bar Raid: અમદાવાદ-ગાંધીનગરમાં SMCની એકસાથે રેડ

ગુજરાત કોલેજ રોડના રેસ્ટોરન્ટમાંથી 8 લોકો મળ્યા

એલિસબ્રિજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુજરાત કોલેજ રોડ પર આવેલા TC’s લાઉન્જ એન્ડ રેસ્ટોરન્ટમાં હુક્કાબાર ચાલતો હોવાની બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. અહીં રેસ્ટોરન્ટના માલિક પથિક ભૂપેન્દ્રભાઈ શાહ, મેનેજર કૃણાલ ભદરંકભાઈ શાહ, કેશિયર હરેશ રમેશભાઈ ઠાકોર અને અન્ય પાંચ કર્મચારીઓ મળી કુલ આઠ લોકો હાજર હતા. પોલીસે સ્થળ પરથી અલગ-અલગ ફ્લેવરનાં પેકેટ, હુક્કા, ચિલમ અને અન્ય સામગ્રી કબજે કરી હતી.

સિંધુભવન રોડના જેકલ લાઇવ કેફેમાં પણ કાર્યવાહી

સિંધુભવન રોડ પર કાનસેટ પાર્ટી પ્લોટ પાસે આવેલા જેકલ લાઇવ કેફેમાં પણ SMCની ટીમે દરોડો પાડ્યો હતો. અહીં કેફેના માલિક જીગર હસમુખભાઈ પટેલ (રહે. કર્મજ્યોત સોસાયટી, રામદેવનગર ચાર રસ્તા પાસે, સેટેલાઇટ) મળી આવ્યા હતા. કેફેમાંથી પાઇપ સાથેના હુક્કા અને હુક્કા માટે ઉપયોગમાં લેવાતી અલગ-અલગ સામગ્રી મળી આવતાં પોલીસે તેનો કબજો લીધો હતો.

ગાંધીનગરના ઇન્ફોસિટીમાં ટેમ્પેશન કેફે ઝડપાયું

ગાંધીનગરના ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એરપોર્ટ રોડ પર આવેલી હોટેલ જય ક્રિષ્નાના બેઝમેન્ટમાં ચાલતા ટેમ્પેશન કેફેમાં પણ દરોડો પાડવામાં આવ્યો હતો. બાતમીના આધારે કરવામાં આવેલી કાર્યવાહીમાં કેફેના સંચાલક રોહિતકુમાર સુદામા પાંડે (રહે. હોટેલ જય ક્રિષ્ના, કોબા પાટિયા, ગાંધીનગર) મળી આવ્યા હતા. પોલીસે કેફેમાંથી અલગ-અલગ હુક્કા સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

SMCની આ કાર્યવાહી બાદ હુક્કાબાર ચલાવવા અને પ્રતિબંધિત સામગ્રીના ઉપયોગ અંગે સંડોવાયેલા લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


આ પણ વાંચો: સરખેજમાં ગેરકાયદે હુક્કાબાર પર પોલીસનો દરોડો

આ પણ વાંચો: અમદાવાદમાં ગેરકાયદે ચાલતા હુક્કાબાર પર PCB નો દરોડો

આ પણ વાંચો: સિંધુભવન રોડ પર ગેરકાયદે ચાલતા હુક્કાબાર પર પોલીસનો દરોડો