india news/ 90થી વધુ કોલેજોમાં એક જ શિક્ષકનું નામ! NCTEની તપાસમાં ડમી શિક્ષકોનું મોટું કૌભાંડ સામે આવવાની આશંકા

NCTEની PAR તપાસમાં 90થી વધુ શિક્ષણ સંસ્થાઓમાં એક જ શિક્ષકનું નામ નોંધાયેલું હોવાનું (NCTE Dummy Teachers) સામે આવ્યું. 850 સંસ્થાઓને અહેવાલ રજૂ કરવાની અંતિમ તક.

Top Stories India Breaking News
NCTE Dummy Teachers: એક જ શિક્ષક 90થી વધુ કોલેજોમાં

New Delhi News: દેશભરની શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાઓમાં ડમી શિક્ષકો (NCTE Dummy Teachers) , નકલી વિદ્યાર્થીઓ અને માત્ર કાગળ પર ચાલતી કોલેજોને ઓળખવા માટે નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન (NCTE)એ તપાસ તેજ કરી છે. સંસ્થાઓ દ્વારા રજૂ કરવામાં આવેલા શિક્ષકોના PAN કાર્ડની ચકાસણી દરમિયાન પ્રાથમિક તપાસમાં 90થી વધુ સંસ્થાઓમાં એક જ શિક્ષકનું નામ નોંધાયેલું હોવાનું સામે આવ્યું છે. કેટલાક શિક્ષકોનાં નામ 50થી વધુ સંસ્થાઓમાં, તો કેટલાકનાં નામ 60થી 90 જેટલી સંસ્થાઓમાં નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે.

NCTE Dummy Teachers: PAN કાર્ડની ચકાસણીમાં ગેરરીતિની આશંકા

NCTEએ શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાઓમાં (Teacher Education Colleges) પારદર્શિતા લાવવા માટે પરફોર્મન્સ એસેસમેન્ટ રિપોર્ટ (PAR)ની માર્ગદર્શિકા લાગુ કરી છે. આ પ્રક્રિયા હેઠળ શિક્ષકોનાં PAN કાર્ડની ચકાસણી કરવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસમાં એક જ શિક્ષકનું નામ અનેક સંસ્થાઓમાં નોંધાયેલું હોવાના કિસ્સા સામે આવ્યા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, આ શિક્ષકો ખરેખર આટલી બધી સંસ્થાઓમાં ભણાવતા નથી, પરંતુ માત્ર દસ્તાવેજોમાં શિક્ષક તરીકે દર્શાવવામાં આવ્યા હોવાની આશંકા છે. આવી સંસ્થાઓ શિક્ષકોની જરૂરી સંખ્યા દર્શાવવા માટે તેમનાં નામનો ઉપયોગ કરતી હોવાની ફરિયાદો મળી છે. તેના બદલામાં શિક્ષકોને નાણાં ચૂકવવામાં આવતા હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે. NCTE હવે આ સમગ્ર મામલે વિગતવાર તપાસ અને ડેટાનું વિશ્લેષણ કરશે.

13 હજારથી વધુ સંસ્થાઓ પાસેથી માંગ્યો હતો રિપોર્ટ

NCTEની માન્યતા ધરાવતા અભ્યાસક્રમો ચલાવતી તમામ શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાઓને ઓનલાઈન પોર્ટલ દ્વારા વાર્ષિક PAR રજૂ કરવાની સૂચના આપવામાં આવી હતી. આશરે 13 હજાર સંસ્થાઓ પાસેથી આ અંગેનો ડેટા મેળવવામાં આવ્યો હતો. જોકે, કેટલીક સંસ્થાઓએ આ પ્રક્રિયાને કોર્ટમાં પડકારી હતી.

સપ્ટેમ્બર 2026માં સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈકોર્ટની ડબલ બેન્ચનો અગાઉનો નિર્ણય રદ કર્યો હતો. આ નિર્ણયમાં NCTEની એક્ઝિક્યુટિવ કમિટીને સંસ્થાઓ પાસેથી મૂલ્યાંકન અહેવાલો માંગવાનો અધિકાર નથી તેમ ઠરાવવામાં આવ્યું હતું. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે NCTEને શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાઓ (Fake Teachers India) પાસેથી વાર્ષિક PAR માંગવાનો અધિકાર છે.

ત્યારબાદ 30 સપ્ટેમ્બરે દિલ્હી હાઈકોર્ટે સંસ્થાઓને મૂલ્યાંકન અહેવાલ રજૂ કરવાની વધુ એક તક આપવા નિર્દેશ આપ્યો હતો.

850 સંસ્થાઓને છેલ્લી તક, દિવાળી બાદ તપાસ

NCTEએ આશરે 850 સંસ્થાઓને તેમનો મૂલ્યાંકન અહેવાલ રજૂ કરવાની અંતિમ તક આપી છે. દિવાળી બાદ આ અહેવાલોનું વિગતવાર વિશ્લેષણ શરૂ કરવામાં આવશે. આ માટે NCTEએ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) પણ તૈયાર કરી છે.

સંસ્થાઓ દ્વારા રજૂ કરવામાં આવેલા ફોટોગ્રાફ્સના આધારે ત્યાં ખરેખર શૈક્ષણિક પ્રવૃત્તિઓ ચાલે છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે. આ ઉપરાંત, સંસ્થામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓની સંખ્યા, વર્ગખંડો તથા અન્ય માળખાકીય સુવિધાઓની પણ ચકાસણી થશે. જીઓ-કોઓર્ડિનેટ્સના આધારે સંસ્થાનું વાસ્તવિક સ્થળ અને તેની કામગીરીની ખરાઈ કરવામાં આવશે.

ખામી જણાશે તો માન્યતા રદ કરવાની કાર્યવાહી

NCTEને ડમી શિક્ષકો અને નકલી વિદ્યાર્થીઓ અંગે અનેક ફરિયાદો મળી હોવાનું જણાવાયું છે. કેટલીક સંસ્થાઓ વિદ્યાર્થીઓની નોંધણી તો કરે છે, પરંતુ ત્યાં જરૂરી શિક્ષકો અને માળખાકીય સુવિધાઓનો અભાવ હોવાની ફરિયાદો છે.

NCTEની તપાસમાં જો કોઈ સંસ્થામાં ગેરરીતિ કે નિયમોનું ઉલ્લંઘન સામે આવશે તો તેને ખામીઓ દૂર કરવા માટે સૂચના આપવામાં આવશે. જ્યારે PAR રજૂ કરવામાં નિષ્ફળ રહેતી અથવા નિયમોનું પાલન ન કરતી સંસ્થાઓ સામે માન્યતા રદ કરવાની કાર્યવાહી પણ શરૂ થઈ શકે છે. આ તપાસનો મુખ્ય હેતુ શિક્ષક પ્રશિક્ષણની ગુણવત્તા સુધારવાનો અને માત્ર કાગળ પર ચાલતી સંસ્થાઓ સામે કાર્યવાહી કરવાનો છે.


આ પણ વાંચો: ઉનામાં નકલી NCTE મંજૂરી કૌભાંડ, ગેરકાયદેસર રીતે ચલાવાતી હતી નકલી બી.એડ. કોલેજ!

આ પણ વાંચો: PTC પ્રવેશ પ્રક્રિયા પર યુવરાજસિંહના ગંભીર આક્ષેપ, 70 સંસ્થાઓની માન્યતા મુદ્દે તપાસની કરી માગ

આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, હવે TET પાસ કર્યા વિના શિક્ષકો નોકરીમાં રહી શકશે નહીં