Ahmedabad News/ અમદાવાદમાં વાહન પાર્ક કરવું મોંઘું પડશે, ટુ-વ્હીલર અને કારના નવા દર જાહેર

અમદાવાદમાં AMCના પે એન્ડ પાર્ક અને ઓન-સ્ટ્રીટ પાર્કિંગના દર (Ahmedabad Parking Charges) વધ્યા. ટુ-વ્હીલરના પ્રથમ કલાકના ₹10 અને ફોર-વ્હીલરના ₹20 ચૂકવવા પડશે.

Ahmedabad Top Stories Gujarat Breaking News
Ahmedabad Parking Charges: બાઇકના ₹10 તો કારના ₹20 ચૂકવવા પડશે

Ahmedabad News: અમદાવાદમાં વાહનચાલકોને હવે પાર્કિંગ માટે વધુ રૂપિયા ચૂકવવા (Ahmedabad Parking Charges) પડશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સંચાલિત પે એન્ડ પાર્ક તેમજ રસ્તા પરના ઓન-સ્ટ્રીટ પાર્કિંગના ચાર્જમાં વધારો કરવામાં આવ્યો છે. ટાઉન પ્લાનિંગ કમિટીની બેઠકમાં ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર, ફોર-વ્હીલર સહિત મધ્યમ અને ભારે વાહનોના પાર્કિંગ દરમાં વધારાને મંજૂરી આપવામાં આવી છે.

Ahmedabad Parking Charges: ટુ-વ્હીલર માટે પ્રથમ કલાકના રૂ.10

નવા દર મુજબ, ટુ-વ્હીલરના પ્રથમ કલાકના પાર્કિંગ માટે હવે રૂ.10 ચૂકવવા પડશે. અગાઉ આ ચાર્જ રૂ.5 હતો. જ્યારે એકથી ત્રણ કલાક સુધી પાર્કિંગ કરવા માટે રૂ.15 ચૂકવવાના રહેશે.

ફોર-વ્હીલર માટે પ્રથમ કલાકના રૂ.20

ફોર-વ્હીલરના પાર્કિંગ ચાર્જમાં પણ વધારો કરવામાં આવ્યો છે. હવે પ્રથમ કલાક માટે રૂ.20 અને એકથી ત્રણ કલાકના પાર્કિંગ માટે રૂ.40 ચૂકવવા પડશે.

AMCના આ નિર્ણયની અસર શહેરમાં પે એન્ડ પાર્ક સુવિધા તેમજ ઓન-સ્ટ્રીટ પાર્કિંગનો ઉપયોગ કરતા વાહનચાલકો પર પડશે. થ્રી-વ્હીલર અને મધ્યમ તથા ભારે વાહનોના નવા દર અંગેની વિગતવાર માહિતી પણ જાહેર થવાની બાકી છે.

સ્ટેન્ડિંગ કમિટી અને સામાન્ય સભાની મંજૂરી બાદ અમલ

ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન ભાગ્યેશ પટેલે જણાવ્યું હતું કે મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ઓન-રોડ, ઓફ-રોડ અને મલ્ટી લેવલ પાર્કિંગ સહિતની સુવિધાઓના ચાર્જમાં ફેરફારની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. હવે આ દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટી અને ત્યારબાદ સામાન્ય સભા સમક્ષ મંજૂરી માટે રજૂ કરવામાં આવશે. બંને સ્તરે મંજૂરી મળ્યા બાદ નવા દર લાગુ થશે.

પાર્કિંગના ચાર્જ વધતાં રસ્તા પર વાહનો વધવાની શક્યતા?

શહેરમાં ટ્રાફિકની સમસ્યા ઘટાડવા માટે AMC દ્વારા ખાલી પ્લોટમાં પાર્કિંગની સુવિધા ઊભી કરવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે. કમિશનર દ્વારા ખાલી પ્લોટનો ઉપયોગ પાર્કિંગ માટે કરવા સૂચના આપવામાં આવી છે. કેટલીક જગ્યાએ નાગરિકો મફતમાં વાહનો પાર્ક કરી શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

જોકે, એક તરફ શહેરમાં પાર્કિંગની સુવિધા વધારવાના પ્રયાસો થઈ રહ્યા છે અને બીજી તરફ પે એન્ડ પાર્કના ચાર્જમાં વધારો કરવાની દરખાસ્ત મંજૂર થઈ છે. હવે નવા દર લાગુ થયા બાદ વાહનચાલકો કોર્પોરેશનના પેઇડ પાર્કિંગનો કેટલો ઉપયોગ કરે છે અને તેની અસર રસ્તા પરના પાર્કિંગ તથા ટ્રાફિકની સ્થિતિ પર કેવી પડે છે તે જોવાનું રહેશે.


આ પણ વાંચો: ક્રિસમસ કાર્નિવલની જેમ દિવાળીમાં પણ કાંકરિયા દીપોત્સવ યોજો: કોંગ્રેસની AMC સમક્ષ માંગ

આ પણ વાંચો: અમદાવાદમાં પ્રદૂષણ સામે AMCનું એક્શન, ગ્રીન નેટ ન લગાવતાં 11 સાઇટ સીલ

આ પણ વાંચો: AMC ફૂડ સેફ્ટી વિભાગની મીઠાઈ-ફરસાણની દુકાનોમાં કાર્યવાહી,  નરોડાની જૈન સુપર નમકીન ફેક્ટરી સીલ