Surat News/ રશિયન સેનામાં જોડાયા બાદ સુરતનો 39 વર્ષીય યુવાન લાપતા, પરિવારની સરકારને મદદ માટે અપીલ

સુરતના 39 વર્ષીય રમણિક સખવાળા રશિયન સેનામાં જોડાયા બાદ ચાર મહિનાથી (Surat Man Missing in Russia) લાપતા છે. પરિવાર ભારતીય અને રશિયન દૂતાવાસ સહિત સરકાર પાસે મદદ માગી રહ્યો છે.

Top Stories Gujarat Surat Breaking News
Surat Man Missing in Russia: સેનામાં જોડાયેલો યુવાન 4 મહિનાથી લાપતા

Surat News: રોજગારીની શોધમાં રશિયા ગયેલો સુરતનો 39 વર્ષીય હીરાઘસુ યુવાન રશિયન સેનામાં જોડાયા બાદ છેલ્લા ચાર મહિનાથી (Surat Man Missing in Russia) લાપતા છે. મૂળ અમરેલીના અને સુરતના કતારગામમાં રહેતા રમણિક સખવાળા સાથે 24 જૂન બાદ પરિવારનો કોઈ સંપર્ક થયો નથી. છેલ્લે પત્ની શીતલબેન સાથે ફોન પર વાત કરતી વખતે તેણે કહ્યું હતું કે, તે બોર્ડર તરફ જઈ રહ્યો છે અને આગામી 15 દિવસ સુધી નેટવર્ક નહીં મળે. પરિવારનો સંપર્ક ન થાય તો ટ્રેનર અર્જુનનો સંપર્ક કરવા પણ જણાવ્યું હતું. હવે પરિવાર ગુજરાત અને કેન્દ્ર સરકાર સહિત ભારતીય તથા રશિયન દૂતાવાસ પાસે મદદની માગ કરી રહ્યો છે.

Surat Man Missing in Russia: હીરા ઉદ્યોગમાં મંદીથી રોજગારી માટે રશિયા ગયા

મૂળ અમરેલીના સખવાળા પરિવારના રમણિકભાઈ (Ramanik Sakhwala) છેલ્લા 35 વર્ષથી સુરતના કતારગામમાં રહેતા હતા. હીરા ઉદ્યોગમાં મંદી અને રોજગારીની અનિશ્ચિતતાને કારણે તેઓ નવી તકની શોધમાં વિઝિટર વિઝા પર રશિયા ગયા હતા. ત્યાં શરૂઆતમાં રોજિંદા ખર્ચને પહોંચી વળવા છૂટક નોકરીઓ કરી હતી.

શરૂઆતમાં તેઓ એપ્રિલ મહિનામાં સુરત પરત ફરવાનું વિચારી રહ્યા હતા, પરંતુ યોગ્ય કામ ન મળતાં અને આર્થિક મુશ્કેલીઓના કારણે રશિયામાં રોકાણ લંબાવ્યું હતું. આ દરમિયાન તેમને રશિયન સેનામાં (Russian Army) સપોર્ટ સ્ટાફ તરીકે જોડાવાની ઓફર મળી હતી. પરિવારના જણાવ્યા મુજબ, જૂન મહિનામાં તેઓ આ ઓફર સ્વીકારીને સેનામાં જોડાયા હતા.

પત્નીને છેલ્લો ફોન કરી કહ્યું હતું- ‘બોર્ડર પર જાઉં છું’

રમણિકભાઈનાં પત્ની શીતલબેન (રીનાબેન)ના જણાવ્યા મુજબ, 24 જૂને તેમની છેલ્લી વખત ફોન પર વાત થઈ હતી. ત્યારે રમણિકભાઈએ કહ્યું હતું કે તેમની ટ્રેનિંગ શરૂ થઈ રહી છે અને નેટવર્કની સમસ્યાને કારણે થોડા દિવસ સંપર્ક નહીં થઈ શકે. નેટવર્ક મળતાં જ તેઓ સામેથી ફોન કરશે તેમ પણ જણાવ્યું હતું.

શીતલબેને પૂછ્યું હતું કે શું તેમને યુદ્ધમાં જવાનું છે? ત્યારે રમણિકભાઈએ ના પાડી હતી અને માત્ર ફૂડ ટ્રાન્સફરનું કામ હોવાનું જણાવ્યું હતું. જોકે, તેમણે એક દિવસ સુરક્ષાની તાલીમના ભાગરૂપે ગન ચલાવતાં શીખવવામાં આવ્યું હોવાનું પણ કહ્યું હતું. તેમણે પરિવારને અર્જુન નામના શ્રીલંકન ટ્રેનરનો નંબર આપ્યો હતો. સાથે પોતાનું બેંક કાર્ડ પણ ટ્રેનર પાસે હોવાનું જણાવ્યું હતું.

શરૂઆતમાં ટ્રેનર વાત કરતો, પછી સંપર્ક બંધ કર્યો

પરિવારના જણાવ્યા મુજબ, રશિયન મિલિટરી કેમ્પમાં અર્જુન નામનો શ્રીલંકન ટ્રેનર યુવાનોને તાલીમ આપતો હતો. રમણિકભાઈએ સંપર્ક ન થાય તો તેની પાસેથી માહિતી મેળવવા પરિવારને કહ્યું હતું.

શરૂઆતના દોઢથી બે મહિના સુધી અર્જુન પરિવાર સાથે વાતચીત કરતો હતો અને રમણિકભાઈ વિશે સામાન્ય માહિતી આપતો હતો. જોકે, ત્યારબાદ તેણે ગોળગોળ જવાબો આપવાનું શરૂ કર્યું હતું. અંતે પોતાનું ટ્રાન્સફર થઈ ગયું હોવાનું અને તે ત્યાંથી જતો રહ્યો હોવાનું કહી સંપર્ક ટાળી દીધો હતો. હાલ રમણિકભાઈનો (Surat Man Missing in Russia) મોબાઇલ સ્વિચ ઓફ આવે છે અને તેમનું વોટ્સએપ પણ બંધ હોવાનું પરિવારનું કહેવું છે.

દિલ્હીથી મોસ્કો સુધી રજૂઆતો છતાં ભાળ મળી નથી

રમણિકભાઈના ભાઈ મહેશભાઈ સખવાળાના જણાવ્યા મુજબ, તેમના ભાઈ છેલ્લા દોઢ વર્ષથી રશિયામાં હતા અને જૂન મહિનામાં સેનામાં જોડાયા હતા. શરૂઆતના આશરે 20 દિવસ સુધી સંપર્ક રહ્યો હતો, પરંતુ ત્યારબાદ છેલ્લા ચાર મહિનાથી કોઈ માહિતી મળી નથી.

પરિવારે ભારતમાં આવેલી રશિયન એમ્બેસી, મોસ્કોમાં (Indian Embassy Moscow) આવેલી ભારતીય એમ્બેસી, વડાપ્રધાન કાર્યાલય (PMO), વિદેશ મંત્રાલય અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુધી રજૂઆતો કરી છે. જોકે, હજુ સુધી તપાસ ચાલી રહી હોવાના જવાબ સિવાય કોઈ નક્કર માહિતી મળી નથી.

પત્ની સિલાઈ કામ કરીને ઘર ચલાવે છે, પુત્ર પિતાની રાહમાં

પરિવારનો મોભી લાપતા થતાં સખવાળા પરિવાર આર્થિક અને માનસિક મુશ્કેલીમાં મુકાયો છે. રમણિકભાઈના વૃદ્ધ પિતા કાળુભાઈ ખેતીકામ સાથે સંકળાયેલા છે. બીજી તરફ, પરિવારનો ખર્ચ અને 16 વર્ષના પુત્ર હેમિલના અભ્યાસની જવાબદારી નિભાવવા પત્ની શીતલબેને સિલાઈ કામ શરૂ કર્યું છે.

પરિવાર પાસે રશિયન સેનાની ભરતી સંબંધિત કેટલાક પોસ્ટર અને રમણિકભાઈના પાસપોર્ટની વિગતો ઉપલબ્ધ છે. આ દસ્તાવેજોના આધારે પરિવાર તેમના વિશે માહિતી (Surat Man Missing in Russia) મેળવવાનો પ્રયાસ કરી રહ્યો છે.

સરકાર પાસે સુરક્ષિત વતનવાપસી માટે મદદની માગ

રશિયા-યુક્રેન યુદ્ધ (Russia Ukraine War) વચ્ચે રોજગારીની લાલચ આપીને ભારતીય નાગરિકોને જોખમી વિસ્તારોમાં મોકલવામાં આવતા હોવાના કિસ્સાઓ અગાઉ પણ સામે આવ્યા છે. રમણિકભાઈના કિસ્સામાં પણ સપોર્ટ સ્ટાફ અને ફૂડ સપ્લાયના કામની વાત કરીને તેમને યુદ્ધ ક્ષેત્રમાં મોકલવામાં આવ્યા હોવાની આશંકા પરિવાર વ્યક્ત કરી રહ્યો છે.

હવે પરિવાર કેન્દ્ર સરકાર, વિદેશ મંત્રી એસ. જયશંકર અને PMO સમક્ષ અપીલ કરી રહ્યો છે કે રશિયન સત્તાવાળાઓ સાથે ઉચ્ચ સ્તરે વાતચીત કરીને રમણિકભાઈની ભાળ મેળવવામાં આવે અને તેમને સુરક્ષિત રીતે ભારત પરત લાવવામાં મદદ કરવામાં આવે.


આ પણ વાંચો: અમદાવાદમાં વિદેશ જવાની આશામાં લાખો ગુમાવ્યા! ક્રિકેટ કોચના પરિવારની ફરિયાદથી ચકચાર

આ પણ વાંચો: રાહુલ ગાંધી ગુમ થયાના પોસ્ટરથી દિલ્હીમાં રાજકારણ ગરમાયું.

આ પણ વાંચો: ગાંધીનગરમાં લંડન જવાની લાલચ ભારે પડી! ₹24.25 લાખ ગુમાવ્યા બાદ યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો