Junagadh News/ વિસાવદરની બોગસ સહકારી મંડળીનો મામલો હાઈકોર્ટ પહોંચ્યો, જવાબદારો સામે FIRના આદેશ

વિસાવદર અને ભેસાણ તાલુકાની કેટલીક સેવા સહકારી મંડળી (Visavadar Bogus Cooperative Society)ઓને લઈને છેલ્લા બે વર્ષથી ચાલી રહેલા વિવાદમાં હવે નવો વળાંક આવ્યો છે

Gujarat Others
વિસાવદર અને ભેસાણ તાલુકાની કેટલીક સેવા સહકારી મંડળી (Visavadar Bogus Cooperative Society)ઓને લઈને છેલ્લા બે વર્ષથી ચાલી રહેલા વિવાદમાં હવે નવો વળાંક આવ્યો છે

Junagadh News : વિસાવદર અને ભેસાણ તાલુકાની કેટલીક સેવા સહકારી મંડળી (Visavadar Bogus Cooperative Society)ઓને લઈને છેલ્લા બે વર્ષથી ચાલી રહેલા વિવાદમાં હવે નવો વળાંક આવ્યો છે. બોગસ ખેડૂત ખાતેદારો તથા મૃતક વ્યક્તિઓના નામે સહકારી મંડળીઓ ઉભી કરી તેમના નામે મોટાપાયે પાક ધિરાણ મેળવવાના આક્ષેપો વચ્ચે મામલો ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court) સુધી પહોંચ્યો છે. હાઈકોર્ટે સમગ્ર મામલે વિસાવદર પોલીસને જવાબદારો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાનો હુકમ કર્યો હોવાનું સામે આવ્યું છે.

બોગસ મંડળીમાં ખેડૂતોના નામે ધિરાણનો આક્ષેપ

વિસાવદર અને ભેસાણ તાલુકામાં કેટલીક સેવા સહકારી મંડળીઓમાં બોગસ ખેડૂત ખાતેદારોના નામનો ઉપયોગ કરીને ધિરાણ મેળવવામાં આવ્યું હોવાના આક્ષેપો છેલ્લા કેટલાક સમયથી સામે આવી રહ્યા છે. કેટલાક કિસ્સામાં મૃતક વ્યક્તિઓના નામનો પણ ઉપયોગ થયો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે.

આ મામલે 13 જુલાઈના રોજ અસરગ્રસ્ત ખેડૂત ખાતેદારોએ જિલ્લા કલેક્ટરને રૂબરૂ મળી રજૂઆત કરી હતી અને સમગ્ર મામલાની તપાસ કરીને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

હાઈકોર્ટના આદેશ બાદ પોલીસ કાર્યવાહીનો માર્ગ મોકળો

આ સમગ્ર વિવાદની સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે વિસાવદર તાલુકામાં બોગસ સેવા સહકારી મંડળીઓ ઊભી કરવા માટે જવાબદાર લોકો સામે વિધિવત પોલીસ ફરિયાદ દાખલ કરવા વિસાવદરના PIને આદેશ આપ્યો હોવાનું જણાવાયું છે.

હાઈકોર્ટ (Gujarat High Court)ના આ નિર્દેશ બાદ હવે પોલીસ તપાસમાં કયા લોકોની ભૂમિકા સામે આવે છે અને સમગ્ર કૌભાંડમાં કેટલા લોકો સંડોવાયેલા છે તે અંગે આગામી દિવસોમાં ચિત્ર સ્પષ્ટ થઈ શકે છે.

સહકારી બેંકના કર્મચારીઓ સામે પણ કાર્યવાહી

આ મામલામાં અગાઉ પણ પોલીસ ફરિયાદો નોંધાઈ હોવાનું સામે આવ્યું છે. વિસાવદર અને ભેસાણ તાલુકાની કેટલીક સહકારી મંડળીઓમાં બોગસ ખાતેદારો ઊભા કરી તેમના નામે કરોડો રૂપિયાનું પાક ધિરાણ (Bogus Loan Case)મેળવવામાં આવ્યું હોવાના આક્ષેપો થયા હતા.

આ કેસ સાથે સંકળાયેલા કેટલાક સહકારી બેંકના કર્મચારીઓ સામે પણ પોલીસ કાર્યવાહી થઈ હતી અને કેટલાક કર્મચારીઓ જેલમાં હોવાની માહિતી સામે આવી છે. હવે હાઈકોર્ટના આદેશ બાદ તપાસનો વ્યાપ વધુ વિસ્તરવાની શક્યતા છે.

બોગસ મંડળીઓથી આર્થિક સાથે રાજકીય ફાયદાનો પણ આક્ષેપ

સહકારી ક્ષેત્રમાં સેવા સહકારી મંડળીઓનું મહત્વ માત્ર ધિરાણ પૂરતું મર્યાદિત નથી. મંડળીના સભ્યો સહકારી ક્ષેત્રની વિવિધ ચૂંટણીઓમાં મતદારો તરીકે મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

આ કારણે બોગસ વ્યક્તિઓ અથવા મૃતક વ્યક્તિઓના નામે મંડળીઓ ઊભી કરીને આર્થિક લાભ ઉપરાંત સહકારી રાજકારણમાં પણ તેનો ઉપયોગ થતો હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને જિલ્લા સહકારી બેંકના ડિરેક્ટર સહિતની ચૂંટણીઓમાં સભ્ય મતદારોનું મહત્વ રહેતું હોવાથી સમગ્ર મામલો રાજકીય દૃષ્ટિએ પણ મહત્વનો બની શકે છે.

હવે તપાસમાં શું સામે આવે છે તેના પર નજર

હાઈકોર્ટના આદેશ બાદ પોલીસ ફરિયાદ અને તપાસની કાર્યવાહી આગળ વધશે. બોગસ મંડળીઓની રચના પાછળ કોણ જવાબદાર છે, કયા ખેડૂત ખાતેદારોના નામનો ઉપયોગ થયો, કેટલું ધિરાણ લેવામાં આવ્યું અને તેમાં બેંક કે સહકારી તંત્રના કયા લોકોની ભૂમિકા હતી તે અંગે તપાસમાં મહત્વની વિગતો બહાર આવી શકે છે.

વિસાવદર-ભેસાણના સહકારી ક્ષેત્રમાં લાંબા સમયથી ચાલી રહેલા આ વિવાદમાં હવે હાઈકોર્ટના આદેશ બાદ આગામી દિવસોમાં વધુ કાર્યવાહી થવાની શક્યતા છે.


આ પણ વાંચો : સહકારી સંસ્થાઓના આધુનિકીકરણના ઉદ્દેશ્યથી ગુજરાતમાં તમામ ગ્રામ પંચાયતોને PACSની સેવાઓથી આવરી લેવાનું આયોજન…

આ પણ વાંચો : ગુજરાતમાં સહકારી ક્ષેત્રની પ્રગતિ અને પીએમ મોદીના નેતૃત્વમાં આત્મનિર્ભર ભારતનું વિઝન

આ પણ વાંચો : સહકારી પ્રવૃત્તિને પીપલ, પેક્સ, પ્લેટફોર્મ, પોલિસી અને પ્રોસ્પેરિટીના આધારે સમગ્ર દેશવ્યાપી બનાવવા અમિત શાહનું આહવાન