New Dilhi/ રાજધાની દિલ્હીના રસ્તાઓ પર અચાનક લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)ના ગુમ થયા દર્શાવતા પોસ્ટરો લાગતાં રાજકીય ગરમાવો આવી ગયો છે. દિલ્હીના મંડી હાઉસ અને ફિરોઝશાહ રોડ સહિતના અનેક મહત્વના વિસ્તારોમાં આ પોસ્ટરો જોવા મળ્યા છે, જેમાં રાહુલ ગાંધી પર આકરા કટાક્ષ કરવામાં આવ્યા છે.
Rahul Gandhi ‘કોઈ પબ કે બીચ પર હોઈ શકે…’ પોસ્ટરમાં મોટો કટાક્ષ
આ વિવાદાસ્પદ પોસ્ટરોમાં રાહુલ ગાંધી પર ટિપ્પણી કરતા લખવામાં આવ્યું છે કે, “તેઓ અવારનવાર વિદેશમાં જોવા મળે છે, કોઈ પબમાં હોઈ શકે છે અથવા કોઈ બીચ પર દેખાઈ શકે છે.” પોસ્ટરના અંતે ‘શોધખોળ/તપાસ ચાલુ છે’ તેવું પણ લખવામાં આવ્યું છે. જોકે, આ પોસ્ટર કોણે લગાવ્યા છે તે અંગે કોઈ પક્ષ કે વ્યક્તિનું નામ સામે આવ્યું નથી.
ભાજપે સાધ્યું નિશાન: પદનું નામ બદલી નાખવું જોઈએ
આ પોસ્ટર વિવાદ સામે આવ્યા બાદ ભાજપે (BJP) કોંગ્રેસ નેતા પર આકરા પ્રહારો કર્યા છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શહઝાદ પૂનાવાલા (Shahzad Poonawalla)એ એક વીડિયો જાહેર કરીને જણાવ્યું કે, “રાહુલ ગાંધી માટે વિરોધ પક્ષના નેતા (Leader of Opposition) નો અર્થ ‘પર્યટન અને પાર્ટી કરનારાઓના નેતા’ બની ગયો છે. તેમણે પોતાના પદનું નામ બદલી નાખવું જોઈએ, કારણ કે તેઓ હંમેશા પર્યટન અને વિદેશ યાત્રાઓમાં વ્યસ્ત રહે છે.” ભાજપે આક્ષેપ કર્યો છે કે સંસદ સત્ર દરમિયાન કે જ્યારે પાર્ટીને સંગઠનાત્મક મદદની જરૂર હોય છે, ત્યારે રાહુલ ગાંધી હંમેશા રજાઓના મૂડમાં બહાર જતા રહે છે. તેઓ દેશ, સંસદ કે જનતાને પ્રાથમિકતા આપતા નથી.
શહઝાદ પૂનાવાલાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી વચ્ચે સરખામણી કરતા જણાવ્યું કે, “એક તરફ પીએમ મોદી (PM Modi)છે જેમણે મુખ્યમંત્રી અને વડાપ્રધાન તરીકે સરકારના વડા તરીકે 9,000થી વધુ દિવસો સુધી એક પણ દિવસની રજા લીધી નથી, જેને સાચી સેવા ભાવના કહેવાય. બીજી તરફ, રાહુલ ગાંધી પોતાની રજાઓની આદતને કારણે કદાચ ‘સૌથી લાંબા સમય સુધી વિપક્ષના નેતા’ જ બની રહેશે.”

વિદેશ યાત્રાના ફંડિંગ પર સવાલ, કોંગ્રેસે આપ્યો જવાબ
ભાજપે સોશિયલ મીડિયા પર સવાલ ઉઠાવ્યો હતો કે રાહુલ ગાંધી અત્યારે ક્યાં છે અને તેમની આટલી બધી વિદેશ યાત્રાઓ માટે ભંડોળ (ફંડ) ક્યાંથી આવે છે? આ સવાલોના જવાબમાં કોંગ્રેસે પલટવાર કરતા સ્પષ્ટતા કરી છે કે, “રાહુલ ગાંધી એક ગ્લોબલ લીડર (વૈશ્વિક નેતા) છે. વિશ્વના ઘણા દેશો અને પ્રતિષ્ઠિત સંસ્થાઓ તેમને પોતાના કાર્યક્રમોમાં આમંત્રિત કરે છે, જેના કારણે તેઓ વિદેશ પ્રવાસે જાય છે.”
આ પણ વાંચો: કોંગ્રેસની ઉચ્ચ સ્તરીય બેઠકમાં રાહુલ ગાંધીનું નિવેદન ચર્ચામાં, મોંઘવારી-બેરોજગારી મુદ્દે સરકાર ઘેરાઈ
આ પણ વાંચો: NCERTના ઈમરજન્સી પાઠ પર કોંગ્રેસના સવાલ: અભ્યાસક્રમમાં પેપર લીક જેવા મુદ્દા ઉમેરવાની પણ માંગ
આ પણ વાંચો: ગુજરાત ભાજપમાં સંગઠન વિસ્તરણ: વલસાડ, નવસારી અને સુરતમાં નવા હોદ્દેદારોની નિમણૂક જાહેર
