Upleta Moti Paneli Gas Agency Protest: રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામમાં ગેસ સિલિન્ડરની અછતને લઈને ગૃહિણીઓ અને ગ્રાહકોની ધીરજ ખૂટી છે. છેલ્લા 15 દિવસથી રાંધણ ગેસના બાટલા ન મળતા રોષે ભરાયેલા ગ્રામજનોએ ગેસ એજન્સી પર હોબાળો કર્યો હતો. ગ્રાહકોનો આક્રોશ જોઈ એજન્સી ધારક ઓફિસને તાળા મારીને નીકળી જતાં મામલો વધુ બિચક્યો હતો, જેને પગલે પોલીસે દોડી આવવું પડ્યું હતું.
Upleta : મેસેજ આવી ગયા પણ બાટલા ગાયબ!
મોટી પાનેલી ગામના ગ્રાહકોનો ગંભીર આક્ષેપ છે કે, તેમના મોબાઈલ ફોન પર ગેસ સિલિન્ડર બુકિંગ અને ડિલિવરીના કન્ફર્મેશન મેસેજ આવી ગયા હોવા છતાં વાસ્તવમાં તેમને બાટલા મળ્યા નથી. 15-15 દિવસ સુધી ધક્કા ખાધા બાદ પણ રાંધણ ગેસ ન મળતા જનતા રોષે ભરાઈ છે.

એજન્સી ધારક પર કાળાબજારીના આક્ષેપ
હોબાળો કરી રહેલા ગ્રાહકોએ એજન્સી ધારક સામે ગંભીર આક્ષેપો કર્યા છે. લોકોનું કહેવું છે કે એજન્સી ધારક સિલિન્ડરની કાળાબજારી કરી રહ્યો છે. સ્થાનિક જરૂરિયાત પૂરી કરવાને બદલે ગેસના બાટલા અન્ય જગ્યાએ વગે કરી દેવામાં આવતા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. એજન્સી ધારક કોઈ પણ સંતોષકારક જવાબ આપ્યા વગર ઓફિસ બંધ કરી ચાલ્યો ગયો હતો.
પોલીસે મધ્યસ્થી કરી મામલો થાળે પાડ્યો
ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ કાફલો મોટી પાનેલી ગેસ એજન્સી ખાતે પહોંચ્યો હતો. રોષે ભરાયેલા લોકોને સમજાવીને પોલીસે મામલો શાંત પાડવા પ્રયાસ કર્યો હતો.
આ પણ વાંચો: રાજકોટમાં મનપા ચૂંટણીઃ ભાજપનુ સંકલ્પ પત્ર જાહેર
આ પણ વાંચો: રાજકોટમાં મનપા ચૂંટણી વખતે ભાજપમાં જ બબાલ
આ પણ વાંચો: અપરાધ શૂન્ય અને 100 ટકા સાક્ષરતા, રાજકોટનું રાજ સમઢીયાળા ગામ ગાંધીજીના ગ્રામ સ્વરાજનું પ્રતીક
