રાજસ્થાન રોયલ્સ (RR)ના લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ઈતિહાસ રચ્યો છે. તેણે શનિવારે પંજાબ કિંગ્સ (PBKS) સામે ત્રણ વિકેટ લઈને એક ખાસ રેકોર્ડ બનાવ્યો છે. તેણે પોતાની ટીમની જીતમાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.
વાસ્તવમાં, યુઝવેન્દ્ર ચહલે આ સિઝનમાં 11 મેચ રમીને 22 વિકેટ લીધી છે. આ સાથે તે IPL ઈતિહાસની કોઈપણ 4 સિઝનમાં 20 કે તેથી વધુ વિકેટ લેનારો બીજો બોલર અને પ્રથમ સ્પિનર બની ગયો છે. આ પહેલા આ કારનામું શ્રીલંકાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર લસિથ મલિંગાએ કર્યું હતું.
ચહલે તેની IPL કારકિર્દીની શરૂઆત રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) થી કરી હતી. તે છેલ્લી સિઝન સુધી આ ટીમ સાથે રમ્યો હતો. RCBએ ચહલને છોડ્યો. આવી સ્થિતિમાં મેગા ઓક્શનમાં રાજસ્થાન રોયલ્સે ચહલને 6.50 કરોડ રૂપિયામાં બિડ કરીને ખરીદ્યો હતો. અગાઉ, RCB તરફથી રમતા ચહલે 2015, 2016 અને 2020ની સિઝનમાં 20 કે તેથી વધુ વિકેટ લીધી હતી.
રસપ્રદ વાત એ છે કે લસિથ મલિંગા આ સિઝનમાં રાજસ્થાન ટીમનો બોલિંગ કોચ પણ છે. મલિંગા IPLનો પહેલો બોલર હતો જેણે કોઈપણ 4 સિઝનમાં 20 કે તેથી વધુ વિકેટ લીધી હતી. મલિંગાએ 2011, 2012, 2013 અને 2015ની સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતા આ વિકેટો લીધી હતી.
રાજસ્થાનની ટીમે આ મેચ 6 વિકેટે જીતી લીધી હતી
મેચમાં પંજાબ કિંગ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 5 વિકેટે 189 રન બનાવ્યા હતા. ઈંગ્લિશ બેટ્સમેન જોની બેયરસ્ટોએ 40 બોલમાં 56 રન બનાવ્યા હતા. જ્યારે જીતેશ શર્માએ 18 બોલમાં 38 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાનની ટીમે 4 વિકેટે 190 રન બનાવીને મેચ જીતી લીધી હતી. યશસ્વી જયસ્વાલે 41 બોલમાં 68 રનની મેચ વિનિંગ ઇનિંગ્સ રમી હતી. તેને પ્લેયર ઓફ ધ મેચ પણ જાહેર કરવામાં આવ્યો હતો.
