Vadodara News/ વડોદરામાં 15 વર્ષીય સગીરા રહસ્યમય રીતે ગુમ, માતાના અવસાન બાદ હતી માનસિક તણાવમાં; પોલીસે તપાસ શરૂ કરી

વડોદરા (Vadodara) ના તરસાલી બાયપાસ નજીકથી ધોરણ-9માં અભ્યાસ કરતી 15 વર્ષીય સગીરા રહસ્યમય રીતે ગુમ થઈ છે.

Top Stories Gujarat
Vadodara

Vadodara News: વડોદરાના તરસાલી બાયપાસ નજીક આવેલા તીર્થ એક્ઝોટિકા વિસ્તારમાંથી ધોરણ-9માં અભ્યાસ કરતી 15 વર્ષીય સગીરા રહસ્યમય સંજોગોમાં ગુમ થતાં પરિવાર ચિંતામાં મુકાયો છે. આ મામલે સગીરાના પિતાએ કપુરાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

મળતી માહિતી મુજબ, સગીરાની માતાનું ગત એપ્રિલ મહિનામાં બ્રેઈન હેમરેજના કારણે અવસાન થયું હતું. માતાના નિધન બાદ સગીરા સતત માનસિક તણાવ અને ડિપ્રેશનમાં રહેતી હતી. ભણવામાં પણ તેનું મન લાગતું ન હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું.

2 ઓગસ્ટના રોજ સાંજે સગીરાના પિતા ઓફિસેથી ઘરે પરત ફર્યા ત્યારે દીકરી ઘરમાં હાજર ન હતી. પરિવારજનોએ આસપાસના વિસ્તારો તેમજ સગા-સંબંધીઓના ઘરે તપાસ કરી હતી, પરંતુ સગીરાનો કોઈ પત્તો મળ્યો નહોતો. ખાસ વાત એ છે કે સગીરા પોતાનો મોબાઈલ ફોન પણ ઘરે જ મૂકીને ગઈ હતી.

ત્યારબાદ પરિવારે સોસાયટી તેમજ તરસાલી ચોકડી આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા. જેમાં બપોરે અંદાજે સાડા ચાર વાગ્યાના સમયે સગીરા ઓટો રિક્ષામાં બેસતી જોવા મળી હતી.

હાલ કપુરાઈ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે સગીરાની શોધખોળ શરૂ કરી છે અને તેને સુરક્ષિત રીતે શોધવા માટે અલગ-અલગ દિશામાં તપાસ હાથ ધરી છે. પરિવારજનોએ પણ દીકરીની ભાળ મેળવવા માટે મદદની અપીલ કરી છે.


આ પણ વાંચો: વડોદરા જતી એર ઈન્ડિયા ફ્લાઇટમાં હડકંપ: ઉડાન દરમિયાન વિન્ડોનું કવર નીકળ્યું, મુસાફરોમાં ગભરાટ

આ પણ વાંચો: વડોદરામાં રેડ એલર્ટ: 3 NDRF અને SDRFની ટીમો તૈનાત, નીચાણવાળા ગામોમાંથી સ્થળાંતર શરૂ

આ પણ વાંચો: વડોદરામાં ડીમાર્ટ સાઇટ પર મોટો અકસ્માત! માટીની ભેખડ નીચે દટાયા બે શ્રમજીવી, દિલધડક રેસ્ક્યુથી બચ્યા