New Delhi News: બાંગ્લાદેશ(Bangladesh)માં કાપડ ઉદ્યોગના શ્રમિકોનું આંદોલન ઉગ્ર બન્યું છે. પગાર વધારવાની માંગ સાથે હજારો શ્રમિકો રસ્તા પર ઉતર્યા છે. અનેક વિસ્તારોમાં પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું છે. વાહનોમાં તોડફોડ, પોલીસ વાનને આગચંપી અને રસ્તાઓ રોકવાની ઘટનાઓ પણ સામે આવી છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા લોખંડી બંદોબસ્ત ગોઠવાયો છે.
ભારત નજીકથી નજર રાખી રહ્યું છે
ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે(Randhir Jaiswal) મંગળવારે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે ભારત બાંગ્લાદેશની ઘટનાઓ પર સતત નજર રાખી રહ્યું છે. મંત્રાલયે એમ પણ કહ્યું કે ભારત બાંગ્લાદેશ સાથે હકારાત્મક, ભવિષ્યલક્ષી અને રચનાત્મક સંબંધો બનાવવા ઇચ્છે છે.
ઢાકાના અનેક વિસ્તારોમાં ઘર્ષણ
રિપોર્ટ મુજબ, ઢાકાના મીરપુર, આશુલિયા, ગાઝીપુર અને નારાયણગંજ સહિતના વિસ્તારોમાં પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું. પ્રદર્શનકારીઓએ પોલીસની વાન સળગાવી દીધી. ભીડને વિખેરવા પોલીસે ટિયર ગેસના ગોળા છોડ્યા, પાણીનો મારો ચલાવ્યો અને લાઠીચાર્જ કર્યો. અનેક મુખ્ય રસ્તાઓ પર વાહનવ્યવહાર ખોરવાયો અને ઔદ્યોગિક વિસ્તારોમાં તણાવની સ્થિતિ સર્જાઈ.
670 કાપડ ફેક્ટરીઓ બંધ

બાંગ્લાદેશ ગારમેન્ટ મેન્યુફેક્ચરર્સ એન્ડ એક્સપોર્ટર્સ એસોસિએશન (BGMEA)ના આંકડા મુજબ, ઢાકા, ગાઝીપુર અને મધ્ય મયમનસિંહમાં આવેલી અંદાજે 4,000 કાપડ ફેક્ટરીઓમાંથી 670 બંધ કરવી પડી છે. શ્રમિકોની મુખ્ય માંગ ન્યૂનતમ માસિક પગાર વધારવાની છે. તેઓ હાલના 12,500 ટાકાથી વધારીને 30,000 ટાકા કરવાની માંગ કરી રહ્યા છે. શ્રમિકોનું કહેવું છે કે વધતી મોંઘવારી વચ્ચે આટલા પગારમાં ઘર ચલાવવું મુશ્કેલ છે.
બાંગ્લાદેશ(Bangladesh)ના અર્થતંત્ર માટે કાપડ ઉદ્યોગ મહત્ત્વનો
બાંગ્લાદેશના કાપડ ઉદ્યોગ(Textile Industry)માં 40 લાખથી વધુ શ્રમિકો(Workers) કામ કરે છે. આ ઉદ્યોગ દેશની નિકાસ આવકનો મોટો હિસ્સો પૂરો પાડે છે. ચીન પછી બાંગ્લાદેશ વિશ્વનો બીજો સૌથી મોટો તૈયાર કપડાંનો નિકાસકાર દેશ છે. ફેક્ટરીઓ બંધ રહે તો ઉત્પાદન, નિકાસ અને અર્થતંત્ર પર અસર પડી શકે છે.
ગૃહમંત્રીનો કારખાનેદારો પર આરોપ
બાંગ્લાદેશના ગૃહમંત્રી સલાહુદ્દીન અહમદે આરોપ મૂક્યો છે કે રાજકીય જોડાણ ધરાવતા કેટલાક કારખાનેદારો અશાંતિ પાછળ છે. તેમના જણાવ્યા મુજબ, પૂર્વ વડાપ્રધાન શેખ હસીના(Sheikh Hasina)ની અવામી લીગ સાથે જોડાયેલા કેટલાક કારખાનાના માલિકો અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
આ પણ વાંચો: સ્કૂલોથી હાઇકોર્ટ સુધી બોમ્બની ધમકી, પાકિસ્તાન-બાંગ્લાદેશ કનેક્શન સામે આવ્યું
આ પણ વાંચો: બાંગ્લાદેશે ન સ્વીકારેલું ઝેરી પાવડર સાથેનું જહાજ અલંગ પહોંચ્યું
આ પણ વાંચો: બાંગ્લાદેશમાં ડાયમંડ વર્લ્ડના MD દિલીપ અગ્રવાલ ઝડપાયા, મની લોન્ડરિંગનો આરોપ
