Tech and auto: વિશ્વપ્રસિદ્ધ ઓનલાઇન ગ્રાફિક ડિઝાઇનિંગ પ્લેટફોર્મ Canvaએ પોતાના ઇતિહાસમાં પ્રથમ વખત મોટા પાયે કર્મચારીઓની છટણીની જાહેરાત કરી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પાછળ વધતા ખર્ચ અને ઓટોમેશનના કારણે કંપની સંગઠનાત્મક માળખામાં મોટા ફેરફારો કરી રહી છે. આ નિર્ણય હેઠળ કંપની કુલ વર્કફોર્સના આશરે 22%, એટલે કે અંદાજે 1,271 કર્મચારીઓને છૂટા કરી રહી છે. આ આકરી છટણી વચ્ચે પ્રભાવિત કર્મચારીઓને અપાયેલા સેવરન્સ પેકેજ અને અનોખા લાભો ટેક જગતમાં ચર્ચાનો વિષય બન્યા છે.
CEO મેલાની પર્કિન્સે વ્યક્ત કર્યું દુઃખ
વિશ્વના 37 દેશોમાં Canva પાસે અંદાજે 5,700 કર્મચારીઓ કાર્યરત છે, જેમાં ભારત(India)નો પણ સમાવેશ થાય છે. CEO મેલાની પર્કિન્સે(CEO Melanie Perkins) કર્મચારીઓને મોકલેલા આંતરિક ઈમેલમાં જણાવ્યું કે કંપની અત્યંત મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી છે. તેમણે નિર્ણયથી પ્રભાવિત તમામ કર્મચારીઓની મુશ્કેલીઓ બદલ દિલગીરી વ્યક્ત કરી માફી માગી છે. જોકે, કયા દેશમાંથી કેટલા કર્મચારીઓની છટણી થઈ છે, તે હજુ સ્પષ્ટ કરાયું નથી.
કંપનીનું MacBook કર્મચારીઓ પાસે જ રહેશે
સામાન્ય રીતે નોકરી છૂટતી વખતે ઓફિસ ગેજેટ્સ પરત કરવા પડે છે, પરંતુ Canvaએ છટણીનો ભોગ બનેલા તમામ 1,271 કર્મચારીઓને કંપનીએ આપેલું MacBook કાયમ માટે રાખવાની પરવાનગી આપી છે. CEOએ જણાવ્યું કે ઘણા કર્મચારીઓ પાસે અંગત લેપટોપ હોતું નથી, એટલે કંપની છોડ્યા પછી પણ તેમની પાસે કામ માટે ડિવાઇસ રહે તે હેતુથી આ લેપટોપ વિનામૂલ્યે આપવામાં આવ્યું છે.
6 મહિનાનો પગાર અને 10,000 ડોલરનું ફંડ
Canvaએ પ્રભાવિત સ્ટાફ માટે વ્યાપક સેવરન્સ પેકેજ જાહેર કર્યું છે.
6 મહિનાનો પગાર: તમામ કર્મચારીઓને ઓછામાં ઓછા 6 મહિનાનો સંપૂર્ણ પગાર અને કાયદાકીય રીતે મળવાપાત્ર તમામ લાભો મળશે, પછી તેઓ કોઈપણ દેશમાં કાર્યરત હોય.
કેનવા કલેક્ટિવ ફંડ: જે કર્મચારીઓ નવું સ્ટાર્ટઅપ કે વ્યવસાય શરૂ કરવા માગે છે, તેમને 10,000 ડોલર (આશરે 8.9 લાખ)ની ગ્રાન્ટ મળશે.
1 વર્ષનું ફ્રી LinkedIn Premium: કારકિર્દી કાઉન્સેલિંગ, નેટવર્કિંગ અને નવી નોકરીની શોધ માટે તમામ પ્રભાવિત કર્મચારીઓને એક વર્ષનું લિંક્ડઇન પ્રીમિયમ ફ્રી મળશે.
ટેલેન્ટ એક્વિઝિશન ટીમની મદદ: કંપનીની ટીમ રિઝ્યૂમ બનાવવા, પ્રોફાઇલ રિવ્યૂ અને મોક ઇન્ટરવ્યૂની પ્રેક્ટિસમાં મદદ કરશે.
આ પણ વાંચો: નોકરીની સાથે ફ્રીલાન્સિંગ કરવું કાયદેસર છે કે ગુનો? સાઈડ ઇન્કમ કરતા પહેલા જાણો નિયમ
આ પણ વાંચો: વાસણ ધોવાથી લઈ 3 લાખ કરોડની કંપની બનાવવા સુધીની સફર, કેવી રીતે રચ્યો ઈતિહાસ
આ પણ વાંચો: ‘વેબ ડેવલોપર’ કારકિર્દીને ડિઝાઇન કરવાની છે આ શ્રેષ્ઠ તક
