Tech and Auto: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ક્ષેત્રે રોકાણ વધારવાની સાથે ખર્ચ પર નિયંત્રણ મેળવવા ટેકનોલોજી ક્ષેત્રની દિગ્ગજ કંપની ગૂગલે કર્મચારીઓ માટે સ્વૈચ્છિક નોકરી છોડવાની યોજના(Google Voluntary Exit)નો વિસ્તાર કર્યો છે. કંપનીએ કેનેડા, ફ્રાન્સ, જર્મની, જાપાન અને સ્વિટ્ઝર્લેન્ડના પસંદગીના કર્મચારીઓ માટે આ ઓફર રજૂ કરી છે. આ યોજના હેઠળ નોકરી છોડવા ઇચ્છતા કર્મચારીઓને કંપની તરફથી નાણાકીય વળતર એટલે કે સેવરન્સ પેકેજ આપવામાં આવે છે.
Google Voluntary Exit: AI રોકાણ વધારવા કંપનીનું પુનર્ગઠન
ગૂગલે જૂન 2026માં આ યોજનાનો વિસ્તાર કર્યો હતો, જોકે કેટલા કર્મચારીઓ પાત્ર છે અને કેટલાએ ઓફર સ્વીકારી છે તેની સંખ્યા જાહેર કરી નથી. ગૂગલ(Google)ની પેરેન્ટ કંપની આલ્ફાબેટ(Alphabet) હાલમાં AI અને ક્લાઉડ કમ્પ્યુટિંગ જેવા ક્ષેત્રોમાં રોકાણ વધારી રહી છે. કંપની ભવિષ્યના વિકાસ માટે મહત્ત્વપૂર્ણ માનતી કામગીરી તરફ સંસાધનો ખસેડી રહી છે. આ જ વ્યૂહરચનાના ભાગરૂપે કર્મચારીઓ અને સંચાલન ખર્ચનું પુનર્ગઠન કરવામાં આવી રહ્યું છે.
નોકરી છોડવા સામે કેટલું વળતર મળશે?
સેવરન્સ પેકેજ(Severance Package)ની સૌથી વધુ વિગતો સ્વિટ્ઝર્લેન્ડના કર્મચારીઓ માટે સામે આવી છે. ત્યાં ઓફર સ્વીકારનારા કર્મચારીઓને કંપનીમાં કામ કરેલા દરેક વર્ષ સામે એક મહિનાના પગાર જેટલું વળતર આપવામાં આવ્યું છે, જેની મહત્તમ મર્યાદા 12 મહિનાના પગાર સુધી છે.
એટલે કે 12 વર્ષ કે તેથી વધુ સમયથી કામ કરતા કર્મચારીઓને પણ વધુમાં વધુ એક વર્ષના પગાર જેટલું વળતર મળી શકે છે. ગૂગલે(Google) સ્વિટ્ઝર્લેન્ડના કર્મચારીઓને જૂનના મધ્યમાં યોજના વિશે જાણ કરી હતી અને જુલાઈના મધ્ય સુધીમાં અરજીઓ અંગે નિર્ણય જણાવ્યો હતો. ઓફર સ્વીકારનારા કર્મચારીઓએ ઓગસ્ટથી કંપની છોડવાનું શરૂ કર્યું હતું. કેનેડા, ફ્રાન્સ, જર્મની અને જાપાનના કર્મચારીઓ માટે વળતરની ચોક્કસ શરતો જાહેર કરાઈ નથી, તેથી સ્વિટ્ઝર્લેન્ડ જેવી જ ગણતરી ત્યાં લાગુ પડશે કે નહીં તે સ્પષ્ટ નથી.
તમામ કર્મચારીઓ માટે નથી આ ઓફર
ગૂગલની સ્વૈચ્છિક એક્ઝિટ યોજના દરેક કર્મચારી માટે ઉપલબ્ધ નથી. કયા વિભાગમાં, કઈ ભૂમિકા અને કયા દેશમાં કર્મચારી કામ કરે છે તેના આધારે પાત્રતા નક્કી થાય છે. સ્વિટ્ઝર્લેન્ડમાં અનેક વિભાગોના કર્મચારીઓને ઓફર અપાઈ હતી, પરંતુ AI રિસર્ચ યુનિટ ડીપમાઇન્ડને બાકાત રખાઈ હતી. અમેરિકામાં ગૂગલે 2025થી અલગ-અલગ વિભાગોમાં આવી યોજનાઓ રજૂ કરી છે.
જૂન 2025માં કોમ્યુનિકેશન, કોર, નોલેજ એન્ડ ઇન્ફોર્મેશન, માર્કેટિંગ અને રિસર્ચ વિભાગના કર્મચારીઓને ઓફર અપાઈ હતી. ફેબ્રુઆરી 2026માં ગ્લોબલ બિઝનેસ ઓર્ગેનાઇઝેશનના કેટલાક કર્મચારીઓ માટે પણ યોજના રજૂ કરાઈ હતી. જોકે, મોટા ગ્રાહકો સાથે સીધા સંપર્કમાં રહેતી સેલ્સ ટીમ સહિતના કેટલાક વિભાગોને તેમાંથી બાકાત રખાયા હતા.
કેટલા કર્મચારીઓ નોકરી છોડશે?
ગૂગલે પાંચ દેશોમાં યોજનાનો લાભ લઈ શકે તેવા કર્મચારીઓની કુલ સંખ્યા જાહેર કરી નથી. સ્વિટ્ઝર્લેન્ડમાં કંપનીના આશરે 5,000 કર્મચારીઓ છે. રિપોર્ટ અનુસાર, લગભગ 50 કર્મચારીઓની એક ટીમમાંથી ઓછામાં ઓછા ચાર કર્મચારીઓએ ઓફર સ્વીકારી હતી. જોકે, આ આંકડો માત્ર એક ટીમનો છે, તેને સમગ્ર સ્વિટ્ઝર્લેન્ડ કે અન્ય દેશોના કુલ આંકડા તરીકે જોઈ શકાય નહીં. કંપનીએ વૈશ્વિક કર્મચારી ઘટાડાનો કોઈ લક્ષ્યાંક પણ જાહેર કર્યો નથી.
માઇક્રોસોફ્ટે પણ 60 હજાર કર્મચારીઓને આપી ઓફર
ટેકનોલોજી ક્ષેત્રમાં ખર્ચનું પુનર્ગઠન માત્ર ગૂગલ પૂરતું મર્યાદિત નથી. માઇક્રોસોફ્ટ(Microsoft Exit Offer)એ 26 ઓક્ટોબર 2026ના રોજ આશરે 60 હજાર કર્મચારીઓ માટે સ્વૈચ્છિક એક્ઝિટ ઓફર જાહેર કરી હતી, જે કંપનીના વૈશ્વિક કર્મચારીબળના લગભગ 27 ટકા જેટલી છે. આ ઓફર અમેરિકા, ભારત, બ્રિટન અને કેનેડાના આંતરિક જોબ લેવલ 70 અને તેનાથી નીચેના પાત્ર કર્મચારીઓ માટે છે, પરંતુ તમામ વિભાગોને લાગુ પડતી નથી.
કોપાઇલટ, AI એક્સપિરિયન્સ, વિન્ડોઝ પ્લસ ડિવાઇસિસ, એક્સબોક્સ, ફાઇનાન્સ અને હ્યુમન રિસોર્સિસ જેવા વિભાગોનો સમાવેશ હોવાનું અહેવાલોમાં જણાવાયું છે, જ્યારે સેલ્સ, માર્કેટિંગ, કોમર્શિયલ બિઝનેસ અને સિક્યોરિટી વિભાગો બાકાત હોવાનું કહેવાય છે. ભારતમાં કર્મચારીઓને પૂર્ણ કરેલા દરેક વર્ષ સામે એક મહિનાનો બેઝિક પગાર, હેલ્થ ઇન્શ્યોરન્સ અને કારકિર્દી પરિવર્તન માટે સહાય આપવાની જાણકારી છે. પાત્ર ભારતીય કર્મચારીઓએ 1 ડિસેમ્બર સુધીમાં નિર્ણય લેવાનો છે અને વિદાય ડિસેમ્બરના અંત સુધીમાં થવાની ધારણા છે. સ્વૈચ્છિક ઓફરનો અર્થ એ નથી કે ભવિષ્યમાં છટણી નહીં થાય. ગૂગલ(Google Voluntary Exit)ના એક કિસ્સામાં સ્વૈચ્છિક એક્ઝિટ ઓફર બાદ સંબંધિત વિભાગમાં છટણી પણ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: ગૂગલ મેપથી હોટેલ બુકિંગ કરો છો? સાવધાન! નકલી વેબસાઇટ બનાવી સાયબર ઠગાઈ કરતી ગેંગ સક્રિય
આ પણ વાંચો: ગૂગલે Gemini ના નિયમોમાં આપવી પડી મોટી રાહત, હવે દર 5 કલાકે લિમિટ રિફ્રેશ થશે
આ પણ વાંચો: ગૂગલ AI સ્ટુડિયો હવે એન્ડ્રોઇડ પર: માત્ર ટેક્સ્ટ પ્રોમ્પ્ટથી બનાવો એપ્લિકેશન્સ, ગેમ્સ અને AI Tools ટુલ્સ
