New Delhi News/ દિલ્હીના પ્રદૂષણ પર સુપ્રીમ કોર્ટની ટકોર: ‘આશા છે તમે હવામાનનો આનંદ માણી રહ્યા હશો’

દિલ્હીમાં પ્રદૂષણનું (Delhi Pollution)મુખ્ય કારણ માત્ર પરાળી બાળવી નથી. વાહનોમાંથી નીકળતો ધુમાડો પ્રદૂષણનું સૌથી મોટું કારણ છે

Top Stories India
દિલ્હી-એનસીઆરમાં વધી રહેલા વાયુ પ્રદૂષણને (Delhi Pollution)લઈને સુપ્રીમ કોર્ટે (Supreme Court)ચિંતા વ્યક્ત કરી છે

New Delhi News : દિલ્હી-એનસીઆરમાં વધી રહેલા વાયુ પ્રદૂષણને (Delhi Pollution)લઈને સુપ્રીમ કોર્ટે (Supreme Court)ચિંતા વ્યક્ત કરી છે. શુક્રવારે મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેન્ચ સમક્ષ આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન સીજેઆઈએ વ્યંગાત્મક ટિપ્પણી કરતાં કહ્યું હતું કે, “આશા છે કે તમે બધા દિલ્હીના હવામાનનો આનંદ માણી રહ્યા હશો.” આ ટિપ્પણી દ્વારા તેમણે રાજધાનીમાં પ્રદૂષણની ગંભીર સ્થિતિ તરફ ધ્યાન દોર્યું હતું.

દિલ્હીમાં પ્રદૂષણને (Delhi Pollution)કારણે લોકો ખાંસી, શ્વાસ લેવામાં તકલીફ અને આંખોમાં બળતરા જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. સુનાવણીમાં વરિષ્ઠ વકીલ અને એમિકસ ક્યુરી અપરાજિતા સિંહે પ્રદૂષણની સ્થિતિને અત્યંત ગંભીર ગણાવી હતી. તેમણે કહ્યું કે દિલ્હીની હવામાં શ્વાસ લેવો એટલે જાણે દરરોજ 30 સિગારેટ પીવા બરાબર છે. પ્રદૂષણની અસર લોકોના સ્વાસ્થ્યની સાથે તેમના અવાજ પર પણ પડી રહી છે.

1. દિલ્હીના પ્રદૂષણમાં પરાળનો 14% ફાળો

સુનાવણી દરમિયાન અપરાજિતા સિંહે જણાવ્યું હતું કે, 5 નવેમ્બરે દિલ્હીના પ્રદૂષણમાં (Delhi Pollution)પરાળી બાળવાની ઘટનાઓનો ફાળો લગભગ 14 ટકા નોંધાયો હતો. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું કે દિલ્હીમાં પ્રદૂષણનું (Delhi Pollution)મુખ્ય કારણ માત્ર પરાળી બાળવી નથી. વાહનોમાંથી નીકળતો ધુમાડો પ્રદૂષણનું સૌથી મોટું કારણ છે. આ ઉપરાંત વીજ ઉત્પાદન અને કચરો બાળવાથી પણ NCRમાં પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું છે.

સીજેઆઈ સૂર્યકાંતે (CJI Surya Kant)કહ્યું કે આ સમય ખેડૂતો માટે આગામી પાકની વાવણીનો છે. તેથી અત્યાર સુધીમાં પરાળી બાળવાની ઘટનાઓ બંધ થઈ જવી જોઈતી હતી. તેમણે પરાળી બાળવાની સમસ્યાના કાયમી ઉકેલ માટે વ્યવહારુ પગલાં લેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

2. ખેડૂતોને મશીન ચલાવવા માટે પણ પૈસાની મુશ્કેલી

વકીલ અપરાજિતા સિંહે કોર્ટમાં દલીલ કરી હતી કે ખેડૂતોને પરાળી દૂર કરવા માટે મશીનો આપવામાં આવે છે, પરંતુ આ મશીનો ચલાવવા માટે જરૂરી ઇંધણ ખરીદવાના પૈસા તેમની પાસે હોતા નથી. ખાસ કરીને નાના ખેડૂતો માટે આ સમસ્યા વધુ ગંભીર છે. નાના ખેતરોમાં આ મશીનોનો યોગ્ય ઉપયોગ કરવામાં પણ મુશ્કેલીઓ આવે છે.

આ દરમિયાન જસ્ટિસ જોયમલ્યા બાગચીએ જણાવ્યું હતું કે ખેડૂતો પાસેથી પરાળી નિશ્ચિત ભાવે ખરીદવાનો પ્રસ્તાવ વિચારાધીન છે. બીજી તરફ, સીજેઆઈએ સૂચન કર્યું કે પરાળી ખરીદવાનો ભાવ અગાઉથી નક્કી થવો જોઈએ, જેથી ખેડૂતોને તેનો આર્થિક લાભ મળી શકે.

3. ગ્રામ પંચાયતોને મશીનો આપવાનું સૂચન

સીજેઆઈ સૂર્યકાંતે (CJI Surya Kant)કહ્યું કે દરેક ખેડૂત માટે મોંઘાં મશીનો ખરીદવાં શક્ય નથી. તેથી ગ્રામ પંચાયતોને પરાળી વ્યવસ્થાપન માટે જરૂરી મશીનો ઉપલબ્ધ કરાવવા જોઈએ. ગ્રામ પંચાયતો સામૂહિક રીતે આ મશીનોનો ઉપયોગ કરી શકે છે, જેથી નાના ખેડૂતોને પણ તેનો લાભ મળે.

સુનાવણી દરમિયાન ASGએ કોર્ટને જણાવ્યું હતું કે પરાળી વ્યવસ્થાપન માટે સરકાર તરફથી અનેક મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યાં છે. જોકે, સીજેઆઈએ સ્પષ્ટ કર્યું કે યોજનાઓની સાથે તેનો અસરકારક અમલ પણ જરૂરી છે.

4. ખેડૂતોને પરાળીના આર્થિક ફાયદા સમજાવવા પર ભાર

સીજેઆઈએ કહ્યું કે ખેડૂતોમાં પરાળી ન બાળવા અંગે જાગૃતિ ફેલાવવી અત્યંત જરૂરી છે. ખેડૂતોને સમજાવવું જોઈએ કે પરાળી બાળવાને બદલે તેનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો તેમને આર્થિક ફાયદો થઈ શકે છે. જ્યારે ખેડૂતોને પરાળીની ઉપયોગિતા અને તેનાથી થતી આવક વિશે જાણ થશે, ત્યારે તેઓ તેને બાળવાને બદલે સાચવી રાખવા પ્રેરિત થશે.

આ ઉપરાંત સીજેઆઈએ શ્રીમંત વર્ગ અને તેમના વાહનો દ્વારા ફેલાતા પ્રદૂષણ અંગે પણ સવાલ ઉઠાવ્યો હતો. તેમણે પૂછ્યું કે આ વર્ગના પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે કયા પગલાં લેવામાં આવી રહ્યાં છે? આમ, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે દિલ્હી-એનસીઆરના પ્રદૂષણનો ઉકેલ માત્ર ખેડૂતો પર જવાબદારી નાખીને નહીં, પરંતુ વાહનો, ઉદ્યોગો, કચરો બાળવા સહિતનાં તમામ કારણો પર એકસાથે કામ કરીને જ મળી શકે છે.


આ પણ વાંચો: અમદાવાદમાં 15 વર્ષ જૂનાં વાહનો સામે તવાઈ! પ્રદૂષણ રોકવા AMC કમિશનરનો સીઝ કરવાનો આદેશ

આ પણ વાંચો: દિલ્હીમાં પ્રદૂષણનો કહેર, AQI 428 પર પહોંચ્યો; ગુજરાત સહિત 18 રાજ્યોમાં વરસાદનું એલર્ટ

આ પણ વાંચો: રાજકોટમાં પ્રદૂષણ બોર્ડના અધિકારીઓ સાથે ઓળખાણના નામે ઉઘરાણી, કંપનીના માલિક પાસેથી ₹1 લાખ પડાવ્યા