Rajkot News : ગઈકાલે દશેરાના તહેવાર નિમિત્તે રાજકોટમાં રેસકોર્સ ખાતે આયોજિત રાવણદહન કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદના નેતા ધર્મેન્દ્ર ભાવાણીએ કોંગ્રેસના ઇન્દ્રનીલ રાજગુરુ અને જિજ્ઞેશ મેવાણીને તેમના નામની પાછળ ‘ખાન’ લગાવવા કહ્યું હતું. તેમના દ્વારા કરાયેલા આ નિવેદનને કારણે રાજ્યનું રાજકારણ ટોચ પર પહોંચી ગયું છે. આ વિવાદમાં ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુએ મેદાનમાં ઊતરી VHP અને સત્તાધારી પક્ષ ભાજપ પર આકરા અને ગંભીર પ્રહારો કર્યા છે. તેમણે VHPની આ ટોળકીને ‘ભાજપની બી ટીમ’ ગણાવી છે અને તેમને ‘નકલી હિન્દુ નેતાઓ’ કહીને તેમના ઈરાદાઓ પર સવાલ ઉઠાવ્યા છે.
ઇન્દ્રનીલ રાજગુરુએ જણાવ્યું હતું કે આ એક ગુંડા ટોળકી છે. નકલી હિન્દુ નેતા જ કોઈ હિન્દુ માટે આવાં નિવેદનો કરી શકે છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં VHPના નેતૃત્વ પર નિશાન સાધ્યું કે આ લોકોનું હિન્દુત્વ ફક્ત રાજકીય સ્વાર્થ પૂરતું સીમિત છે. આ VHPની ટોળકી ભાજપના ઈશારે ચાલે છે. આ ભાજપની બી ટીમ છે, જે ઉઘરાણાં કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. એટલું જ નહીં, આ ટોળકી ગાયોના નામે લોકો પાસેથી પૈસા ઊઘરાવે છે.
આ કહીને તેમણે સંગઠન પર દુરુપયોગનો આરોપ મૂક્યો છે.ઇન્દ્રનીલ રાજગુરુએ VHPની નીતિઓમાં રહેલાં બેવડાં ધોરણો પર સવાલ ઉઠાવતાં પૂછ્યું કે આ ટોળકી માત્ર અમુક વ્યક્તિઓ પર જ નિશાન કેમ સાધે છે? જ્યારે ગૃહમંત્રી કોઈ મુસ્લિમ સાથે દાંડિયારાસ લે છે તો તેમને કેમ કહેવા ગયા નહીં? મોહન ભાગવત જ્યારે એમ કહે છે કે મુસ્લિમો સાથે સંકલનથી રહેવું જોઈએ, ત્યારે તેમને કેમ કંઈ કહેવા જતા નથી? જ્યારે વડાપ્રધાન મોદી કહે છે કે મુસ્લિમોને સમાનતાનો અધિકાર મળવો જરૂરી છે, ત્યારે શું આ ટીમ મોદીને ‘ખાન’ કહેશે? આ ટોળકી ફક્ત ભાજપને અનુકૂળ હોય એવા મુદ્દાઓ પર નિવેદનો કરીને રાજકારણ ગરમાવે છે.
ઇન્દ્રનીલ રાજગુરુએ ગૌ-રક્ષાના મુદ્દે ભાજપ સરકાર પર પણ આકરા પ્રહારો કર્યા. તેમણે જણાવ્યું હતું કે હાલ મોદી સરકારમાં સૌથી વધુ ગૌ-માંસની નિકાસ થાય છે. ટોળકી ગાયોના નામે ઉઘરાણાં કરે છે પણ જ્યારે નિકાસની વાત આવે છે ત્યારે તેઓ મૌન રહે છે. મુસ્લિમ નામ રાખી હિન્દુઓ ઘણી બધી પેઢીઓના માલિક છે. જેઓ ગૌ-માંસને અહીંથી એક્સપોર્ટ કરવાનું કામ કરે છે. ત્યાં વિશ્વ હિન્દુ પરિષદ કેમ કંઈ બોલતી નથી? સવાલો દ્વારા તેમણે ગૌ-રક્ષાના મુદ્દે પણ રાજનીતિ થતી હોવાનો આરોપ લગાવ્યો હતો.
રાજગુરુએ વધુમાં દાવો કર્યો કે તેમણે આ ટોળકીની વાસ્તવિકતા અને ખોખલાપણાનો પર્દાફાશ કર્યો છે. આ ટોળકીને મેં ખુલ્લી પાડીને નબળી પુરવાર કરી છે. આ ટોળકીને તકલીફ પડે ત્યારે આવાં નિવેદનો કરે છે. ગુજરાતની જનતા સામે આ લોકોની વાસ્તવિકતા આવી ગઈ છે અને તેમની પાસે કોઈ દમ નથી. આ સમગ્ર નિવેદનબાજીએ રાજકોટના સ્થાનિક રાજકારણથી લઈને રાજ્યના રાજકારણ સુધી ગરમાવો લાવી દીધો છે, અને હવે કોંગ્રેસના જિજ્ઞેશ મેવાણી આ બાબતે શું પ્રતિક્રિયા આપે છે એના પર સૌની મીટ મંડાયેલી છે.
ગઈકાલે (2 ઓક્ટોબર) વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય સહમંત્રી ધર્મેન્દ્ર ભાવાણીએ ઇન્દ્નનીલ રાજ્યગુરુ અને જિજ્ઞેશ મેવાણી પર પ્રહારો કરતાં જણાવ્યું હતું કે જો આ નેતાઓને મુસ્લિમોથી પ્રેમ હોય તો તેની પાછળ ખાન લગાવી દે. હિન્દુઓની જનસંખ્યા 100 કરોડ છે. જો તેમનામાં તાકાત હોય તો કાશ્મીર ખાટી અને મુસ્લિમ બહુમતી વિસ્તારમાં જઇને ચૂંટણી જીતી બતાવે. જ્યારે આઇ લવ મોહંમદના પોસ્ટર પર નિવેદન આપતાં જણાવ્યું હતું કે આ એક અઘોષિત યુદ્ધની શરૂઆત છે. મુસ્લિમોએ જો તેના મોહંમદને પૂજવા હોય તો મસ્જિદ અને તેના ઘરે પૂજે.
લોકોને અડચણરૂપ બની અરાજકતા ફેલાવવાનું બંધ કરે. જે હિન્દુ યુવાનો આઇ લવ મહાદેવ-મહાકાલ લખી રહ્યા છે તેને મુસ્લિમ લખવા દબાણ કરાઇ રહ્યું છે.પરંતુ જો મુસ્લિમો અરાજકતા ફેલાવશે તો લાઠીઓ ખાવા તૈયાર રહે. ગોધરાકાંડ અને ત્યાર બાદની સ્થિતિ હજુ ભૂલ્યા નથી આવી ભૂલ ફરી ન કરતાં, નહીં તો લાઠીઓ ખાવી પડશે.
આ પણ વાંચો:સુરતમાં સોફામાં બેસીને કપલની અશ્લીલ હરકત, બાજુમાં લોકો બેઠા હતા પણ યુવક-યુવતી રોમાન્સમાં મશગૂલ
આ પણ વાંચો:સુરત સણિયા ગામના તળાવમાં સેંકડો માછલીઓના મોત
