Surat News: સુરતની ડિફેન્સ ટેક્નોલોજી કંપની insideFPV (Advik FPV Drone) એ સંરક્ષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરવાનો દાવો કર્યો છે. કંપનીએ લદ્દાખમાં સમુદ્ર સપાટીથી આશરે 18 હજાર ફૂટની ઊંચાઈએ સક્રિય ઇલેક્ટ્રોનિક જામિંગ વચ્ચે સ્વદેશી કામિકાઝે FPV ડ્રોન ‘અદ્વિક’નું સફળ પરીક્ષણ કર્યું છે. કંપનીના જણાવ્યા મુજબ, એડવાન્સ્ડ ડ્રોન ડિફેન્સ સિસ્ટમ સક્રિય હોવા છતાં ડ્રોને પોતાની ઉડાન અને કમ્યુનિકેશન લિંક જાળવી રાખી હતી. ભારતીય સેનાની હાજરીમાં ટ્રાયલ પૂર્ણ થયા બાદ ડ્રોન સેનાને સોંપવામાં (Indian Army Drone) આવ્યું છે.
યુદ્ધના મેદાનમાં ડ્રોન માટે જામિંગ મોટો પડકાર
આધુનિક યુદ્ધમાં FPV ડ્રોનનો ઉપયોગ વધી રહ્યો છે, પરંતુ ઇલેક્ટ્રોનિક જામિંગ તેમના માટે મોટો પડકાર છે. દુશ્મનના જામર દ્વારા ડ્રોન અને ઓપરેટર વચ્ચેનો સંદેશાવ્યવહાર ખોરવાય તો ડ્રોન પરનું નિયંત્રણ ગુમાવવાની અને મિશન નિષ્ફળ જવાની શક્યતા રહે છે. યુક્રેન યુદ્ધમાં પણ જામિંગને કારણે FPV ડ્રોનના ઉપયોગ સામે મુશ્કેલીઓ ઊભી થઈ હોવાનું જોવા મળ્યું છે. આ પડકારનો સામનો કરવા માટે સ્વદેશી અને સુરક્ષિત કમ્યુનિકેશન ટેક્નોલોજી વિકસાવવાની જરૂરિયાત વધી છે.
Advik FPV Drone: હલકી અને ખાસ કમ્યુનિકેશન સિસ્ટમ વિકસાવી
insideFPVના જણાવ્યા મુજબ, કંપનીએ ડ્રોન માટે પોતાની ઇન-હાઉસ કમ્યુનિકેશન લિંક તૈયાર કરી છે. કસ્ટમ હાર્ડવેર અને એન્ટેના રેક સિસ્ટમની મદદથી મલ્ટિપલ RF સિસ્ટમને જોડવામાં આવી છે, જેથી ઇલેક્ટ્રોનિક હુમલા વચ્ચે પણ સિગ્નલ જાળવી શકાય. કંપનીના CTO દેવ્યંત ભારદ્વાજે જણાવ્યું હતું કે સામાન્ય રીતે એન્ટી-જામિંગ ટેક્નોલોજી માટે ભારે અને મોંઘા ડ્રોનની જરૂર પડે તેવી માન્યતા છે, પરંતુ કંપનીએ હલકું, કોમ્પેક્ટ અને ઓછા ખર્ચનું ડ્રોન વિકસાવ્યું છે.
લદ્દાખની કાતિલ ઠંડીમાં ડ્રોનની કસોટી
ડ્રોનનું પરીક્ષણ લદ્દાખમાં આશરે 18 હજાર ફૂટની ઊંચાઈએ કરવામાં આવ્યું હતું. આ ઊંચાઈએ હવા પાતળી હોવાથી ડ્રોનની ઉડાન અને પ્રોપેલરની કાર્યક્ષમતા પર અસર થઈ શકે છે. બીજી તરફ, માઇનસ તાપમાનમાં બેટરીની કામગીરી પણ પડકારરૂપ બને છે. કંપનીનો દાવો છે કે આવી વિષમ પરિસ્થિતિમાં પણ ‘અદ્વિક’ ડ્રોને સ્થિર ઉડાન ભરી અને જામિંગ વચ્ચે કમ્યુનિકેશન લિંક જાળવી રાખી હતી.
સેનાને મોટા પ્રમાણમાં સ્વદેશી ડ્રોનની જરૂરિયાત
આધુનિક યુદ્ધમાં ડ્રોનની સંખ્યા અને તેની કિંમત પણ મહત્ત્વ ધરાવે છે. નિવૃત્ત મેજર જનરલ વિકાસ શર્માના જણાવ્યા મુજબ, ભારતીય સેનાને દુશ્મન પર સચોટ પ્રહાર કરવા માટે અંદાજે એક લાખ ઓછા ખર્ચવાળા કામિકાઝે ડ્રોનની જરૂર પડી શકે છે. તેમના મતે, આ જરૂરિયાત પૂરી કરવા માટે ડ્રોનનું ડિઝાઇનિંગ અને ઉત્પાદન દેશમાં જ થાય તે જરૂરી છે. તેનાથી ખર્ચ ઘટાડવાની સાથે સ્વદેશી સંરક્ષણ ઉત્પાદનને પણ વેગ મળી શકે છે.
સામાન્ય FPV ડ્રોનથી ‘અદ્વિક’ કેવી રીતે અલગ?
સામાન્ય FPV ડ્રોનમાં સિગ્નલ જામ થતાં ઓપરેટર સાથેનો સંપર્ક તૂટી શકે છે અને નિયંત્રણ ગુમાવવાનો ખતરો રહે છે. કંપનીના જણાવ્યા મુજબ, ‘અદ્વિક’માં ખાસ સિગ્નલ બદલવાની ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે જામિંગના પ્રયાસો વચ્ચે પણ ડ્રોન અને ઓપરેટર વચ્ચે સંપર્ક જાળવવામાં મદદ કરે છે. સ્વદેશી ટેક્નોલોજી, ઓછું વજન અને ઓછી કિંમત સાથે ઊંચાઈવાળા વિસ્તારમાં થયેલું પરીક્ષણ (Anti Jamming Drone) આ ડ્રોનની મુખ્ય વિશેષતાઓ ગણાવવામાં આવી રહી છે.
આ પણ વાંચો: દિલ્હીના પ્રદૂષણ પર સુપ્રીમ કોર્ટની ટકોર: ‘આશા છે તમે હવામાનનો આનંદ માણી રહ્યા હશો’
આ પણ વાંચો: ધનતેરસે શેરબજારમાં દિવાળી જેવો માહોલ! સેન્સેક્સ 80,000ને પાર, નિફ્ટીમાં પણ તેજી
આ પણ વાંચો: પટનામાં 3 કુખ્યાત ગુનેગારો એન્કાઉન્ટરમાં ઠાર, સ્ટેશન ઈન્ચાર્જને પણ વાગી ગોળી
