Ahmedabad News : અમદાવાદ શહેરની આસપાસ આવેલા રિંગરોડ પર અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (AUDA) હસ્તકના પ્લોટો હાલ વિવિધ હેતુઓ માટે ભાડે આપવામાં આવે છે. અત્યાર સુધી ફૂડ કોર્ટ અને કાફે એરિયા માટે પણ આવા પ્લોટ ભાડે આપવામાં આવતા હતા, પરંતુ અનેક ફરિયાદોને ધ્યાનમાં રાખી AUDAએ પોતાની નીતિમાં મોટો ફેરફાર કર્યો છે.
હવે AUDA દ્વારા ફૂડ કોર્ટ અને કાફે એરિયા માટે કોઈપણ પ્લોટ ભાડે આપવામાં આવશે નહીં. અગાઉ ફૂડકોર્ટ માટે આપવામાં આવેલી મંજૂરી અથવા ભાડા કરારની મુદત પૂરી થયા બાદ, એક વર્ષની અંદર તમામ ફૂડકોર્ટના પ્લોટ ખાલી કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
નિકોલથી બોપલ સુધીના ફૂડકોર્ટ બંધ થશે
AUDA દ્વારા રિંગરોડ પર નિકોલ, ભાટ સર્કલ, થલતેજ, ઝુંડાલ (હોટલ હિલ્લોક સામે) તેમજ બોપલ સહિતના વિસ્તારોમાં ફૂડ કોર્ટ અને કાફે માટે પ્લોટ ભાડે આપવામાં આવ્યા હતા. હાલ અંદાજે 15થી 20 જેટલા પ્લોટ ફૂડકોર્ટ હેતુ માટે ઉપયોગમાં છે, જે તમામની મંજૂરી પૂર્ણ થતાં ખાલી કરાવવામાં આવશે.
મનમાની બાંધકામ અને પેટાભાડાના કારણે નિર્ણય
AUDAને મળેલી ફરિયાદોમાં ખુલ્યું હતું કે કેટલાક રાજકીય નેતાઓ અને તેમના કાર્યકર્તાઓ દ્વારા પ્લોટ મેળવી તેને અન્યને પેટાભાડે આપવામાં આવતો હતો. ઉપરાંત, મંજૂરી વગરના બાંધકામ અને નિયમોની અવગણનાની ફરિયાદો પણ સામે આવી હતી. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી AUDAએ ફૂડકોર્ટ માટે પ્લોટ ભાડે ન આપવા નિર્ણય કર્યો છે.
ગાર્ડન સિવાયના પ્લોટ એક વર્ષ માટે હંગામી ભાડે મળશે
AUDAની બેઠકમાં પ્લોટ ભાડા નીતિ અંગે મહત્વની ચર્ચા કરવામાં આવી હતી. નવી નીતિ અનુસાર, ગાર્ડન સિવાયના તમામ AUDA પ્લોટ મહત્તમ એક વર્ષ માટે હંગામી ધોરણે ભાડે આપી શકાશે.
આ પ્લોટ ઓછામાં ઓછા 1000 ચોરસ મીટર અથવા તેના ગુણાંકમાં ઉપલબ્ધ રહેશે અને પ્લોટ ભાડે લેનાર વ્યક્તિ તેને અન્યને પેટાભાડે આપી શકશે નહીં.
આ પ્લોટો નીચેના હેતુઓ માટે ઉપયોગમાં લઈ શકાશે
વાણિજ્ય હેતુ
સામાજિક અથવા ધાર્મિક કાર્યક્રમ
પાર્કિંગ
જાહેર સભા
શૈક્ષણિક પ્રવૃત્તિ
રમતગમત / ટુર્નામેન્ટ
AUDA દ્વારા સમયાંતરે નક્કી કરાયેલા અન્ય હેતુ
નર્સરી માટે 10% રિઝર્વેશન અને 25% ડિસ્કાઉન્ટ
શહેરના ગ્રીન કવર વધારવાના હેતુસર AUDAના પ્લોટોમાં નર્સરી હેતુ માટે 10 ટકા રિઝર્વેશન રાખવાનો અને 25 ટકા ડિસ્કાઉન્ટ આપવાનો નિર્ણય લેવાયો છે.
EWS આવાસની પ્રતિક્ષાયાદી હવે 3 વર્ષ માટે માન્ય
AUDA દ્વારા EWS આવાસના ડ્રો બાદ રાખવામાં આવતી 20 ટકા પ્રતિક્ષાયાદી હવે એલોટમેન્ટ તારીખથી ત્રણ વર્ષ સુધી જ માન્ય રહેશે. ત્રણ વર્ષ પૂર્ણ થયા બાદ પ્રતિક્ષાયાદી આપોઆપ રદ ગણાશે. અગાઉ આ પ્રતિક્ષાયાદી માટે કોઈ સમય મર્યાદા નક્કી નહોતી.
ઘણા કિસ્સાઓમાં લાભાર્થી દ્વારા PMAYના અન્ય ઘટકનો લાભ લેવાયો હોવો, આવક મર્યાદા કરતાં વધુ આવક, અથવા પોતાની માલિકીનું મકાન હોવા જેવા કારણોસર આવાસ ફાળવણી રદ કરવામાં આવે છે.
નવી ટીપી સ્કીમથી વિસ્તારનો ઝડપી વિકાસ
શહેરના વધતા વિકાસ અને આવનારા મોટા આયોજનને ધ્યાનમાં રાખી AUDA દ્વારા સાણંદ, મુઠિયા-બિલાસીયા-એણાસણ, સરખેજ-ઓકાફ-ફતેવાડી-સનાથલ, કઠવાડા-ભુવાલડી-સિંગારવા, સનાથલ અને મહેમદાવાદ સહિતની નવી ટીપી સ્કીમ જાહેર કરવામાં આવી છે.
નવી ટીપી સ્કીમના અમલથી આ વિસ્તારોમાં નવો વિકાસ, ઝડપી મંજૂરી પ્રક્રિયા અને ભવિષ્યમાં બગીચા, રમતગમતના મેદાન, શાળા જેવી સુવિધાઓ વિકસાવવાનો માર્ગ ખુલશે.

