West Bengal News/ મારા પર બુલડોઝર ચલાવો’, અભિષેકના ઘર પર હુમલા બાદ મમતા બેનર્જી ભાજપ પર ભડક્યાં

મમતા બેનર્જીએ (Mamata Banerjee)આરોપ લગાવ્યો હતો કે કાલીઘાટ વિસ્તારમાં વર્ષોથી યોજાતી પરંપરાગત કાલી પૂજાની ઉજવણીમાં અવરોધ ઊભો કરવામાં આવી રહ્યો છે

Top Stories India
તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદ અભિષેક બેનર્જીના કોલકાતાના કાલીઘાટ સ્થિત નિવાસસ્થાન પર હુમલો (Kalighat Attack)થયાના આરોપો બાદ મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamata Banerjee)એ ભાજપ સામે આક્રમક વલણ અપનાવ્યું છે

West Bengal News : પશ્ચિમ બંગાળના રાજકારણમાં ફરી એકવાર ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદ અભિષેક બેનર્જીના કોલકાતાના કાલીઘાટ સ્થિત નિવાસસ્થાન પર હુમલો (Kalighat Attack)થયાના આરોપો બાદ મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamata Banerjee)એ ભાજપ સામે આક્રમક વલણ અપનાવ્યું છે. અભિષેકને મળ્યા બાદ મીડિયા સાથે વાતચીત દરમિયાન મમતા બેનર્જી (Mamata Banerjee)એ ભાજપને સીધો પડકાર ફેંકતા કહ્યું હતું કે, ‘તમારી પાસે કેટલા બુલડોઝર છે? આવો, હું અહીં ઊભી છું. મારા શરીર અને છાતી પર બુલડોઝર ચલાવો. હું જોવા માગું છું કે તમારામાં કેટલી હિંમત છે.’

મમતાનું આ નિવેદન અભિષેક બેનર્જીના નિવાસસ્થાને થયેલા કથિત હુમલા અને કાલી પૂજાની ઉજવણીમાં અવરોધ ઊભો કરવાના મુદ્દે સામે આવ્યું છે. તેમણે ભાજપ પર વિસ્તારમાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરવાનો આરોપ પણ લગાવ્યો હતો.

કાલી પૂજાની પરવાનગીનો મુદ્દો ઉઠાવી ભાજપ પર નિશાન

મમતા બેનર્જીએ (Mamata Banerjee)આરોપ લગાવ્યો હતો કે કાલીઘાટ વિસ્તારમાં વર્ષોથી યોજાતી પરંપરાગત કાલી પૂજાની ઉજવણીમાં અવરોધ ઊભો કરવામાં આવી રહ્યો છે. તેમના જણાવ્યા અનુસાર, કેટલીક જૂની પૂજાઓની પરવાનગી રદ કરવામાં આવી છે, જ્યારે મુખ્ય માર્ગ પર નવી શરૂ થયેલી પૂજાને મંજૂરી આપવામાં આવી છે.

તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે કાલી પૂજા અને દિવાળી જેવા તહેવારો પહેલાં ધાર્મિક કાર્યક્રમોમાં અવરોધ શા માટે ઊભો કરવામાં આવી રહ્યો છે? મમતાએ એવો પણ દાવો કર્યો હતો કે સ્થાનિક ક્લબોને તેમની પ્રવૃત્તિઓ કરતા અટકાવવામાં આવી રહ્યાં છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે આ વિસ્તાર પરંપરાગત રીતે કાલી પૂજાના સરઘસ અને ધાર્મિક કાર્યક્રમો માટે જાણીતો છે. આવી સ્થિતિમાં જૂની પરંપરાઓને બદલે મુખ્ય માર્ગ પર નવી પૂજાનું આયોજન કરવાનો નિર્ણય શા માટે લેવામાં આવ્યો છે, તે સમજાતું નથી. આ ફેરફારને કારણે તેમના પોતાના કાર્યક્રમમાં પ્રવેશ પણ પ્રભાવિત થયો હોવાનો તેમણે દાવો કર્યો હતો.

અભિષેકના ઘર પર રાત્રે 2 વાગ્યે હુમલાનો આરોપ

આ સમગ્ર વિવાદ વચ્ચે અભિષેક બેનર્જી (Abhishek Banerjee)એ તેમના કાલીઘાટ રોડ સ્થિત નિવાસસ્થાન પર હુમલો (Kalighat Attack)થયાનો ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે દાવો કર્યો હતો કે બે દિવસ સુધી સતત રેકી કર્યા બાદ ભાજપ સમર્થિત લોકોએ રાત્રે આશરે 2 વાગ્યે તેમના ઘર પર હુમલો કર્યો હતો.

ડાયમંડ હાર્બરના સાંસદ અભિષેક બેનર્જી (Abhishek Banerjee)એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ઘટનાનો ઉલ્લેખ કરીને લખ્યું હતું કે, હુમલાના ફૂટેજ જોઈને લોકો જાતે જ સમગ્ર ઘટનાની હકીકત સમજી શકશે. તેમણે આ ઘટનાને ખૂની હુમલો ગણાવ્યો હતો.

‘છ મહિનામાં મારી હત્યાનો સાતમો પ્રયાસ’

અભિષેક બેનર્જીએ વધુમાં દાવો કર્યો હતો કે છેલ્લા છ મહિનામાં તેમની હત્યાનો આ સાતમો પ્રયાસ છે. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે જો એક ચૂંટાયેલા સાંસદના નિવાસસ્થાન પર આવી ઘટના બની શકે છે, તો પશ્ચિમ બંગાળના સામાન્ય નાગરિકોની સુરક્ષાની સ્થિતિ કેવી હશે?

તેમણે પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠાવ્યા હતા. અભિષેકના જણાવ્યા અનુસાર, આટલી ગંભીર ઘટના છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને ન્યાયતંત્ર તરફથી પણ હસ્તક્ષેપ થયો નથી.

બીજી તરફ, મમતા બેનર્જી (Mamata Banerjee)એ પણ આ ઘટનાને લઈને ભાજપ સામે આક્રમક વલણ અપનાવ્યું છે. કાલી પૂજાના આયોજનથી લઈને અભિષેકના નિવાસસ્થાન પર થયેલા કથિત હુમલા સુધીના મુદ્દાઓએ પશ્ચિમ બંગાળના રાજકીય વાતાવરણને વધુ ગરમાવ્યું છે.


આ પણ વાંચો: મમતા બેનર્જી પર હુમલાની કોશિશ થઈ? TMCના દાવા બાદ સુરક્ષા વ્યવસ્થા ચર્ચામાં

આ પણ વાંચો: દિલ્હીમાં 12 ઓક્ટોબરે INDIA ગઠબંધનનું મોટું પ્રદર્શન, મમતા બેનર્જી પણ જોડાશે: CEC વિવાદે વધાર્યો રાજકીય ગરમાવો

આ પણ વાંચો: મમતા બેનર્જીને સુપ્રીમ કોર્ટનો મોટો ઝટકો; TMCના ફ્રીઝ બેંક ખાતાઓ ચલાવવાની અરજી ફગાવી