Maharashtra News : મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં પ્રતિષ્ઠિત ગોકુલ દૂધ સહકારી સંઘને લઈને રાજકીય સંઘર્ષ વધુ ઉગ્ર બન્યો છે. ગોકુલ ડેરી (Gokul Dairy)પર નિયંત્રણ મેળવવા માટે ભાજપની આગેવાની હેઠળની મહાયુતિ સરકારે સહકારી સંસ્થાઓના નિયમોમાં ફેરફાર (Cooperative Society Rules)કરતો વટહુકમ બહાર પાડતાં વિવાદ સર્જાયો છે. સરકારના આ નિર્ણયને લઈને કોંગ્રેસ અને વિપક્ષી મહાવિકાસ અઘાડી (MVA)એ વિરોધ નોંધાવ્યો છે. એટલું જ નહીં, મોટી સંખ્યામાં દૂધ ઉત્પાદક ખેડૂતો પશુઓ સાથે રસ્તા પર ઊતરી આવ્યા હતા અને સરકાર સામે વિરોધ પ્રદર્શન (Kolhapur Farmers Protest)કર્યું હતું.
કોલ્હાપુરમાં ગોકુલ ડેરી વિવાદ (Gokul Dairy)ને લઈને ખેડૂતોનો મહામોરચો
કોલ્હાપુરના દશેરા ચોકથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી વિશાળ વિરોધ મોરચો કાઢવામાં આવ્યો હતો. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને MLC સતેજ (બંટી) પાટિલની આગેવાની હેઠળ ‘રાજર્ષિ શાહૂ શેતકરી સમવિચારી અઘાડી’ દ્વારા આ આંદોલન યોજાયું હતું.
આ મોરચામાં જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં દૂધ ઉત્પાદક ખેડૂતો પોતાના પશુઓ સાથે જોડાયા હતા. પ્રદર્શનકારીઓએ હાથમાં કાળા વાવટા અને સરકાર વિરોધી બેનરો લઈને સૂત્રોચ્ચાર કર્યા હતા. સાંસદ વિશાલ પાટિલ, ધૈર્યશીલ મોહિતે-પાટિલ અને સ્વાભિમાની શેતકરી સંગઠનના પ્રમુખ રાજૂ શેટ્ટી સહિતના નેતાઓએ પણ આ વિરોધમાં ભાગ લીધો હતો.
સ્થાનિક વકીલોએ પણ આ આંદોલનને સમર્થન આપ્યું હતું. તેમનું કહેવું હતું કે સહકારી સંસ્થાઓમાં લોકશાહી મૂલ્યો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓના અધિકારોનું રક્ષણ થવું જોઈએ.
ચૂંટણીમાં કોંગ્રેસને બહુમતી છતાં ભાજપે નિયમ બદલ્યાનો વિવાદ
ગોકુલ દૂધ સંઘની (Gokul Dairy)25 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસ સમર્થિત પેનલે 13 બેઠકો જીતીને બહુમતી મેળવી હતી. બીજી તરફ ભાજપ અને મહાયુતિના ગઠબંધનને 12 બેઠકો મળી હતી.

કોંગ્રેસનો આરોપ છે કે ચૂંટણીમાં બહુમતી ન મળતાં ભાજપ સરકારે (BJP Government)નિયમોમાં ફેરફાર કરીને સત્તાનું સમીકરણ બદલવાનો પ્રયાસ કર્યો છે. સરકાર દ્વારા નિયુક્ત ચાર સભ્યોને મતદાનનો અધિકાર આપવાની જોગવાઈથી મહાયુતિનું સંખ્યાબળ 12થી વધીને 16 થઈ શકે છે.
વિપક્ષનું કહેવું છે કે આ નિર્ણયથી લોકશાહી ઢબે ચૂંટાયેલા બોર્ડની બહુમતી પર અસર પડશે અને સહકારી સંસ્થાઓની ચૂંટણીના જનાદેશનું મહત્ત્વ ઘટશે. આ મુદ્દે કોંગ્રેસે સરકાર સામે આકરો વિરોધ નોંધાવ્યો છે.
રૂ.500 કરોડથી વધુ ટર્નઓવર ધરાવતી સંસ્થાઓ માટે નવો નિયમ
મહારાષ્ટ્ર કેબિનેટે મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ સોસાયટીઝ એક્ટ, 1960માં (Cooperative Society Rules)સુધારો કરીને નવો વટહુકમ બહાર પાડ્યો છે. આ જોગવાઈ મુજબ, જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકોને બાદ કરતાં રૂ.500 કરોડથી વધુનું વાર્ષિક ટર્નઓવર ધરાવતી સહકારી સંસ્થાઓની મેનેજિંગ કમિટીમાં સરકાર પાંચ સભ્યોની નિમણૂક કરી શકશે.
આ પાંચમાંથી ચાર સભ્યોને બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં મતદાન કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે.
ગોકુલ ડેરીનું (Gokul Dairy)વાર્ષિક ટર્નઓવર રૂ.4,000 કરોડથી વધુ હોવાનું જણાવવામાં આવે છે. આથી નવા નિયમની સીધી અસર ગોકુલના સંચાલન અને બોર્ડના સંખ્યાબળ પર પડી શકે છે. આ જોગવાઈને કારણે જ સમગ્ર વિવાદે રાજકીય સ્વરૂપ ધારણ કર્યું છે.
વટહુકમ સામે હાઇકોર્ટમાં લડત, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
સરકારના નિર્ણય સામે ‘રાજર્ષિ શાહૂ શેતકરી સમવિચારી અઘાડી’એ બોમ્બે હાઇકોર્ટમાં અરજી કરીને વટહુકમ રદ કરવાની માંગ કરી છે. કોલ્હાપુર બેંચમાં રજા હોવાથી આ મામલે સોમવારે છત્રપતિ સંભાજીનગર બેંચ સમક્ષ સુનાવણી નિર્ધારિત કરવામાં આવી હતી.
બીજી તરફ, વિરોધ પ્રદર્શન પહેલાં સતેજ પાટિલ, સાંસદો અને ખેડૂત આગેવાનોએ અજિંક્યતારા કાર્યાલય ખાતે બેઠક યોજીને આગળની રણનીતિ તૈયાર કરી હતી.
વિરોધ પ્રદર્શન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે મોરચાના સમગ્ર માર્ગ અને જિલ્લા કલેક્ટર કચેરી આસપાસ મોટી સંખ્યામાં પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા. હવે આ મામલે હાઇકોર્ટના નિર્ણય પર સૌની નજર ટકેલી છે.
