Ahmedabad News/ સોસાયટીમાં દિવાળી ઉજવતા પરિવારો પર હુમલો, અમદાવાદના એમ્પાયર સ્કાયવ્યુ બહાર અથડામણમાં 5 ને ઈજા

અમદાવાદના સાયન્સ સિટી રોડ પર(Science City Road Clash) ફટાકડા ફોડવા મુદ્દે હિંસક અથડામણ, 5 ઈજાગ્રસ્ત, 7 આરોપીઓની ધરપકડ

Gujarat Ahmedabad Breaking News
Science City Road Clash

Ahmedabad News :અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલા ‘એમ્પાયર સ્કાયવ્યુ’ એપાર્ટમેન્ટ બહાર 8 નવેમ્બર 2026ની રાત્રે ફટાકડા ફોડવા બાબતે થયેલી બોલાચાલી(Science City Road Clash)એ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. આ જૂથ અથડામણમાં 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાં એક વ્યક્તિને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી છે. પોલીસે 7 આરોપીઓની ધરપકડ કરી છે અને બાકીના શકમંદોની શોધખોળ ચાલુ છે.

Science City Road Clash: રિકન્સ્ટ્રક્શન પર સ્થાનિકોએ શું કહ્યું?

બોડકદેવ પોલીસ(Bodakdev Police)એ રહીશોને સુરક્ષાની અનુભૂતિ થાય તે માટે આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. ફ્લેટના સ્થાનિકોએ જણાવ્યું કે તેઓ પરિવાર, બાળકો અને વડીલો સાથે સોસાયટીના ગ્રાઉન્ડમાં શાંતિથી દિવાળી મનાવી રહ્યા હતા, ત્યારે કેટલાક છોકરાઓ તેમની તરફ ફટાકડા ફેંકી રહ્યા હતા. બે-ત્રણ વાર ના પાડવા છતાં તેઓ ન માન્યા અને અપશબ્દો ઉચ્ચારી મારામારી પર ઉતરી આવ્યા હતા. બાદમાં 10થી 15 જણાને લઈને આવ્યા અને થોડીવાર પછી આશરે 30 લોકો લાકડી, દંડા અને લોખંડની પાઈપો સાથે ફરી આવ્યા અને મહિલાઓ તથા બાળકો પર પથ્થરમારો કર્યો હોવાનો આક્ષેપ છે.

સોસાયટીના ચેરમેને જણાવ્યું કે હુમલાખોરો મહિલાઓ અને દીકરીઓ સહિત તમામ પર તૂટી પડ્યા હતા અને વચ્ચે પડેલા લોકોને પણ માર માર્યો હતો. પોલીસે તાત્કાલિક આશરે 50 ટકા આરોપીઓની ધરપકડ કરી છે. હવે તેમની માંગ છે કે બાકી રહેલા તમામ આરોપીઓ ઝડપથી પકડાય અને કડક કાર્યવાહી થાય.

કોની કોની સામે ગુનો દાખલ?

પોલીસે મિલન રબારી, મિત દેસાઈ, મૌલિક દેસાઈ, રાહુલ દેસાઈ, દક્ષ દેસાઈ, જવલ દેસાઈ, હેત દેસાઈ, સેંધા રબારી, લાલો રબારી, રગનેશ દેસાઈ, વિહાજી રબારી, પ્રાંશુ કોઈટાવાડ, અર્જુન દેસાઈ અને વિશ્વાસ કાલી સામે ગુનો દાખલ કર્યો છે.

15 આરોપીઓ સામે હત્યાના પ્રયાસનો ગુનો

ઘટનાની જાણ થતાં જ બોડકદેવ પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. ઈજાગ્રસ્ત સભ્યોને સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલ(Sola Civil Hospital) ખસેડાયા હતા. પોલીસે પીડિત જીગર પટેલની ફરિયાદના આધારે 15 યુવકો સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અંગત અદાવતમાં જૂથ અથડામણ

44 વર્ષીય વેપારી જીગર પટેલની ફરિયાદ મુજબ, 6 નવેમ્બરની રાત્રે 10:30 વાગ્યે સોસાયટી બહાર ફટાકડા ફોડવા બાબતે વિવાદ થયો હતો, જે તે સમયે શાંત પડી ગયો હતો. પરંતુ 8 નવેમ્બરની રાત્રે જૂની અદાવતમાં આરોપીઓએ સોસાયટી તરફ રોકેટ ફોડતાં ફરી વિવાદ શરૂ થયો હતો. 20 થી 25 લોકોના ટોળાએ લાકડીઓ અને ડંડા સાથે રહીશો પર હુમલો કર્યો, જેમાં જિગ્નેશ પટેલ, જિગ્નેશ બાવા, હિતેશ પટેલ, રાકેશ પટેલ અને મૌલિક પટેલ ઈજાગ્રસ્ત થયા હતા. સ્વબચાવ અને સભ્યોને બચાવવા રાકેશ પટેલે પોતાની લાયસન્સવાળી પિસ્તોલમાંથી હવામાં 2 થી 3 રાઉન્ડ રક્ષણાત્મક ફાયરિંગ કર્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે, જેના પછી ટોળું ભાગી ગયું હતું.

સારવાર અને કાનૂની કાર્યવાહી

માથામાં ગંભીર ઈજાના કારણે 12 ટાંકા આવતાં જિગ્નેશ બાવાને સોલા સિવિલમાંથી વધુ સારવાર અર્થે સાયન્સ સિટી રોડ સ્થિત શેલબી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બોડકદેવ પોલીસે 9 નવેમ્બર 2026ના રોજ BNS હેઠળ 14 નામાંકિત અને 20-25 અજ્ઞાત લોકો સામે FIR નોંધી છે. સાયન્સ સિટી રોડની આ ઘટના(Science City Road Clash)માં પોલીસ બાકીના આરોપીઓને શોધી રહી છે. FIR નોંધાતા રહીશોને રાહત મળી છે.


આ પણ વાંચો: સુરતમાં બે સ્થળે જૂથ અથડામણથી ખળભળાટ! કાપોદ્રામાં યુવકો પર લાકડીઓથી હુમલો, અમરોલીમાં પાઈપથી ફટકો
આ પણ વાંચો: જામનગરમાં જંગલેશ્વર મહાદેવ મંદિર પાસે જૂથ અથડામણ: સામસામે પથ્થરમારો થતાં દર્શનાર્થીઓમાં દોડધામ
આ પણ વાંચો: પાટણના સરસ્વતીમાં જૂથ અથડામણ: સામાન્ય બાબતે બે પરિવારો વચ્ચે ખેલાયો હિંસક ખેલ