Gandhinagar News/ ગુજરાતના ઉદ્યોગોને મળશે વૈશ્વિક બજારની તક, સરકારે બનાવી નવી એક્સપોર્ટ કાઉન્સિલ

Gujarat Export Promotion Council: ગુજરાત સરકારે નિકાસ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા ગુજરાત એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલની સ્થાપનાને મંજૂરી. MSME, સ્ટાર્ટઅપ્સ અને સ્થાનિક ઉદ્યોગોને વૈશ્વિક બજાર સુધી પહોંચવામાં મદદ મળશે.

Gandhinagar Top Stories Gujarat Breaking News
Gujarat Export Promotion Council

Gandhinagar News: ગુજરાતના નિકાસ ક્ષેત્રને નવી દિશા આપવા રાજ્ય સરકારે (Gujarat Export Promotion Council) ગુજરાત એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલની સ્થાપનાને મંજૂરી આપી છે. ઉદ્યોગ અને ખાણ વિભાગ હેઠળ કાર્યરત થનારી આ સંસ્થા રાજ્યના MSME, સ્ટાર્ટઅપ્સ અને સ્થાનિક ઉદ્યોગકારોને આંતરરાષ્ટ્રીય બજાર સુધી પહોંચવામાં મદદ કરશે. ગાંધીનગર ખાતે તેનું રજિસ્ટર્ડ કાર્યાલય રહેશે અને સંસ્થા સંપૂર્ણપણે રાજ્ય સરકારની માલિકીની બિનનફાકારક કંપની તરીકે કાર્ય કરશે.

Gujarat Export Promotion Council : નિકાસને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકારનો નિર્ણય

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે 3 નવેમ્બર, 2026ના સરકારી ઠરાવ દ્વારા આ કાઉન્સિલની સ્થાપનાને મંજૂરી આપી છે. કંપની એક્ટ, 2013ની કલમ 8 હેઠળ તેની રચના કરવામાં આવશે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતમાં ઉત્પાદિત ચીજવસ્તુઓને આંતરરાષ્ટ્રીય બજારમાં સ્થાન અપાવવાનો અને રાજ્યના નિકાસકારો માટે એક સંકલિત વ્યવસ્થા ઊભી કરવાનો છે.

આ સંસ્થા ખાસ કરીને નાના અને મધ્યમ ઉદ્યોગો, સ્ટાર્ટઅપ્સ તથા નવા સાહસિકોને વિદેશી બજારોની ઓળખ, નિકાસની વ્યૂહરચના, વિદેશી વેપારના નિયમો અને જરૂરી પ્રમાણપત્રો મેળવવા માટે માર્ગદર્શન આપશે.

દરેક જિલ્લા માટે તૈયાર થશે એક્સપોર્ટ પ્રમોશન પ્લાન

કાઉન્સિલ દ્વારા ગુજરાતના દરેક જિલ્લા માટે અલગથી ‘ડિસ્ટ્રિક્ટ એક્સપોર્ટ પ્રમોશન પ્લાન’ તૈયાર કરવામાં આવશે. આ યોજના હેઠળ જિલ્લાની ઔદ્યોગિક ક્ષમતા, સ્થાનિક ઉત્પાદનો, ઉત્પાદનની ઉપલબ્ધતા અને આંતરરાષ્ટ્રીય બજારમાં તેની માંગનું મૂલ્યાંકન કરવામાં આવશે.

આ ઉપરાંત સ્થાનિક ઉત્પાદનોને વૈશ્વિક ઓળખ (Global Identity) અપાવવા માટે બ્રાન્ડિંગ અને માર્કેટિંગની કામગીરી પણ કરવામાં આવશે. તેના દ્વારા મોટા ઔદ્યોગિક કેન્દ્રોની સાથે નાના શહેરો અને જિલ્લાઓના ઉદ્યોગકારોને પણ નિકાસની તકો મળી શકશે.

ઉદ્યોગકારોને મળશે અનેક પ્રકારની મદદ

ગુજરાત એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા નિકાસકારોને વિવિધ ક્ષેત્રોમાં સહાય આપવાનું આયોજન છે. તેમાં આંતરરાષ્ટ્રીય વેપાર મેળાઓમાં ભાગ લેવા માટેની સુવિધા, બજાર સંશોધન, બિઝનેસ કન્સલ્ટન્સી, તાલીમ અને માર્ગદર્શનનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત નિકાસકારોને પ્રોડક્ટ ટેસ્ટિંગ, આંતરરાષ્ટ્રીય સર્ટિફિકેશન, ટ્રેડ ફાઇનાન્સ, વીમા, લોજિસ્ટિક્સ અને સપ્લાય ચેઇન મેનેજમેન્ટમાં પણ મદદ કરવામાં આવશે. નિકાસ પ્રક્રિયાને સરળ બનાવવા માટે ડિજિટલ ટ્રેડ પ્લેટફોર્મ અને એક્સપોર્ટર પોર્ટલ વિકસાવવાની પણ યોજના છે.

મુખ્ય સચિવની અધ્યક્ષતામાં રહેશે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ

આ કાઉન્સિલનું સંચાલન 3થી 15 સભ્યો ધરાવતા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા કરવામાં આવશે. રાજ્યના મુખ્ય સચિવ બોર્ડના અધ્યક્ષ રહેશે, જ્યારે ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ અથવા મુખ્ય સચિવ કક્ષાના અધિકારી ઉપાધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળશે. ઉદ્યોગ કમિશનર મેનેજિંગ ડિરેક્ટર રહેશે.

બોર્ડમાં નાણાં વિભાગ, MSME કમિશનરેટ, ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (GIDC), iNDEXTb, ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડ સહિતના વિભાગો અને સંસ્થાઓના પ્રતિનિધિઓનો સમાવેશ કરવામાં આવશે.

‘મેડ ઇન ગુજરાત’ને મળશે વૈશ્વિક ઓળખ

રાજ્ય સરકારનો હેતુ ગુજરાતમાં ઉત્પાદિત વસ્તુઓને આંતરરાષ્ટ્રીય સ્તરે મજબૂત બ્રાન્ડ તરીકે સ્થાપિત કરવાનો છે. આ કાઉન્સિલ દ્વારા સ્થાનિક ઉદ્યોગોને વિદેશી બજારની જરૂરિયાતો મુજબ તૈયાર કરવા અને નિકાસની પ્રક્રિયામાં આવતી મુશ્કેલીઓ દૂર કરવા માટે સંકલિત પ્રયાસો કરવામાં આવશે.

જોકે, કાઉન્સિલની સ્થાપનાને મંજૂરી મળ્યા બાદ હવે તેના વાસ્તવિક અમલીકરણ, કામગીરીની શરૂઆત અને ઉદ્યોગકારોને મળતી સેવાઓની વિગતો મહત્વપૂર્ણ રહેશે.


 આ પણ વાંચો: શ્રમિકોની સુરક્ષાને લઈ રાજ્ય સરકાર કેટલી ચિંતિત? 5 વર્ષમાં 555ના મોત

આ પણ વાંચો: દિવ્યાંગ કર્મચારીઓ માટે બઢતીમાં અનામતનો રસ્તો ખુલ્યો, રાજ્ય સરકારની મોટી પહેલ

આ પણ વાંચો: ભારે વરસાદને લઈ રાજ્ય સરકાર હાઈ એલર્ટ, ફ્લડ કંટ્રોલ સેલમાં જળ સંપત્તિ મંત્રીની મહત્વપૂર્ણ બેઠક