World News: પાકિસ્તાનના તરબેલા ડેમના પાંચમા વિસ્તરણ હાઇડ્રોપાવર પ્રોજેક્ટમાં મોટી દુર્ઘટના(Tarbela Dam Incident) સર્જાઈ હતી. નિર્માણાધીન કનેક્ટિંગ ટનલના ખોદકામ દરમિયાન નબળો ખડક ધરાશાયી થતાં પાણીનો ભારે પ્રવાહ ટનલ અને પાવર હાઉસના વિસ્તારમાં ઘૂસી ગયો હતો. ઘટનાને પગલે સ્થળ પર ઈમરજન્સી જાહેર કરીને બાંધકામનું કામ અટકાવી દેવામાં આવ્યું હતું. તમામ શ્રમિકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જોકે, પાકિસ્તાનની સરકારી એજન્સી WAPDAએ સ્પષ્ટતા કરી છે કે ડેમ કે મુખ્ય ટનલ ધરાશાયી થયાં નથી.
Tarbela Dam Incident: ટનલ ખોદકામ દરમિયાન દુર્ઘટના અને ઈમરજન્સી
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના તરબેલા ડેમના પાંચમા વિસ્તરણ પ્રોજેક્ટ (T-5)માં કનેક્ટિંગ ટનલના બીજા ભાગના ખોદકામ દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી. WAPDAના જણાવ્યા અનુસાર, ખોદકામ દરમિયાન નબળો ખડક ધરાશાયી થતાં ઇન્ટેક પિટમાંથી પાણીનો પ્રવાહ સીધો કનેક્ટિંગ ટનલ અને નિર્માણાધીન પાવર હાઉસમાં ઘૂસી ગયો હતો.
પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી. બાંધકામની કામગીરી અટકાવી દેવામાં આવી અને સ્થળ પર હાજર કર્મચારીઓને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
શ્રમિકોનું રેસ્ક્યુ, એક કર્મચારીને બચાવાયો હોવાના અહેવાલ
દુર્ઘટના સમયે પાણીના ભારે પ્રવાહને કારણે શ્રમિકોમાં અફરાતફરી મચી ગઈ હતી. પાકિસ્તાની મીડિયા અહેવાલો મુજબ, એક સ્થાનિક શ્રમિક પાણીના પ્રવાહમાં તણાઈ ગયો હતો, જેને બાદમાં બચાવી લેવામાં આવ્યો હતો. સ્થળ પર હાજર પાકિસ્તાની અને વિદેશી શ્રમિકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.
જોકે, WAPDAના સત્તાવાર નિવેદન મુજબ તમામ શ્રમિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા અને કોઈ જાનહાનિ કે ઈજાના અહેવાલ નથી. બીજી તરફ, કેટલાક મીડિયા અહેવાલોમાં એક શ્રમિક પાણીમાં તણાયા બાદ બચાવાયો હોવાનો ઉલ્લેખ છે.
સિંધુ નદીમાં જળસ્તર વધવાની શક્યતા, હાઈ એલર્ટ
સ્વાબીના ડેપ્યુટી કમિશનર નસરૂલ્લાહ ખાને (Deputy Commissioner Nasrullah Khan)જણાવ્યું હતું કે અનિવાર્ય કારણોસર તરબેલા ડેમમાંથી વધારાનું પાણી છોડવામાં આવ્યું છે. તેના કારણે સિંધુ નદીમાં પાણીનું સ્તર અને પ્રવાહની ગતિ વધી શકે છે.
તંત્ર દ્વારા નાગરિકોને સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે. લોકોને સિંધુ નદીમાં સ્નાન કરવા, તરવા કે બોટિંગ કરવા જવાથી દૂર રહેવા સૂચના આપવામાં આવી છે. નાગરિકોને અફવાઓ પર ધ્યાન ન આપવા અને વહીવટી તંત્રની સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા પણ જણાવાયું છે.
ભાગદોડનો વીડિયો વાયરલ, ડેમ તૂટ્યો હોવાની અફવા
દુર્ઘટના બાદ બાંધકામ સ્થળે પાણીના ધસમસતા પ્રવાહ અને અફરાતફરીના વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે. આ વીડિયોને પગલે પાકિસ્તાનમાં ડેમ તૂટી પડ્યો હોવાની ચર્ચા પણ શરૂ થઈ હતી.
જોકે, પાકિસ્તાનની વોટર એન્ડ પાવર ડેવલપમેન્ટ ઓથોરિટી (WAPDA)એ આ અહેવાલોને નકારી કાઢ્યા છે. સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર, મુખ્ય ટનલ, નિર્માણાધીન પાવર હાઉસ, ટેલરેસ કલ્વર્ટ અને સ્વિચયાર્ડને નુકસાન થયું નથી. ઇન્ટેક પિટમાંથી પાણી કાઢી લેવામાં આવ્યું છે અને પાવર હાઉસમાંથી પાણી દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
ચીનની કંપની બનાવી રહી છે પ્રોજેક્ટ, બાંધકામની તપાસ થશે
તરબેલા ડેમનો પાંચમો વિસ્તરણ પ્રોજેક્ટ પાકિસ્તાનના મોટા હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સમાં સામેલ છે. આ પ્રોજેક્ટના સિવિલ વર્ક્સનો કોન્ટ્રાક્ટ ચીનની કંપની Power Construction Corporation of Chinaને આપવામાં આવ્યો હતો.
પ્રોજેક્ટનો હેતુ તરબેલા ડેમની વીજ ઉત્પાદન ક્ષમતામાં 1,530 મેગાવોટનો વધારો કરવાનો છે. આ માટે 510 મેગાવોટના ત્રણ જનરેટિંગ યુનિટ સ્થાપિત થવાના છે.
દુર્ઘટના બાદ WAPDAના વરિષ્ઠ અધિકારીઓ, પ્રોજેક્ટ એન્જિનિયર અને કોન્ટ્રાક્ટર પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી રહ્યા છે. બાંધકામ સ્થળે ખડક ધરાશાયી થવાના કારણો અને સુરક્ષાની વ્યવસ્થાની તપાસ કરવામાં આવશે. હાલ પ્રોજેક્ટની કામગીરી અટકાવી દેવામાં આવી છે.
આ પણ વાંચો: પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના 6 બિન-મુસ્લિમ સમુદાયોએ ભારતમાં રહેવા વિઝા લેવો પડશે
આ પણ વાંચો: તુર્કી-પાકિસ્તાન પર ગંભીર આરોપો, ભારતના મુસ્લિમોને લઈને શું છે દાવો?
આ પણ વાંચો: 35 વર્ષ પાકિસ્તાની જેલમાં રહ્યા ભારતીય જાસૂસ કાશ્મીર સિંહ, મુશર્રફની માફી બાદ વતન પરત ફર્યા
