National News/ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના 6 બિન-મુસ્લિમ સમુદાયોએ ભારતમાં રહેવા વિઝા લેવો પડશે

ગૃહ મંત્રાલયના નવા ઇમિગ્રેશન આદેશથી પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના છ બિનમુસ્લિમ સમુદાયો માટે વિઝા તથા પાસપોર્ટના (India Visa Rules) નિયમોમાં ફેરફાર થયો છે.

Top Stories India Breaking News
India Visa Rules: ભારતમાં રહેતા 6 બિનમુસ્લિમ સમુદાયો માટે નવા વિઝા નિયમો

India News: ભારત સરકારે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી ધાર્મિક ઉત્પીડન અથવા તેના ભયને કારણે ભારતમાં આવેલા છ બિન-મુસ્લિમ સમુદાયોના લોકો માટે ઇમિગ્રેશનના નિયમોમાં ફેરફાર (India Visa Rules) કર્યો છે. હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી સમુદાયના જે લોકો 31 ડિસેમ્બર, 2024ના રોજ અથવા તે પહેલાં ભારતમાં આવ્યા હતા, તેમને હવે અહીં સતત રહેવા માટે યોગ્ય કેટેગરીનો વિઝા મેળવવો (Immigration Rules India) પડશે. આ જોગવાઈ માન્ય પ્રવાસ દસ્તાવેજો વિના આવેલા લોકો તેમજ જેમના પાસપોર્ટ કે અન્ય દસ્તાવેજોની મુદત પૂરી થઈ ગઈ છે, તેમને પણ લાગુ પડશે.

ગૃહ મંત્રાલયે 4 નવેમ્બર, 2026ના રોજ ઇમિગ્રેશન અને ફોરેનર્સ (એક્ઝેમ્પશન) (એમેન્ડમેન્ટ) ઓર્ડર, 2026 જાહેર કર્યો હતો, જે 5 નવેમ્બરે ગેઝેટમાં પ્રકાશિત થતાં અમલમાં આવ્યો છે. નવા આદેશમાં વિઝા સંબંધિત નિયમો ઉપરાંત પાકિસ્તાની નાગરિકો, ભારતીય મૂળના કેટલાક વિદેશી નાગરિકો અને ભારત, નેપાળ તથા ભૂટાન વચ્ચેની મુસાફરીના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે.

India Visa Rules: પહેલાં શું નિયમ હતો અને હવે શું બદલાયું? જાણો 5 મુખ્ય મુદ્દા

1. છ બિન-મુસ્લિમ સમુદાયોએ હવે રહેવા માટે વિઝા લેવો પડશે

અગાઉ ધાર્મિક ઉત્પીડનને કારણે પાકિસ્તાન, બાંગ્લાદેશ (Bangladesh Minorities) અને અફઘાનિસ્તાનમાંથી ભારતમાં આવેલા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી સમુદાયના લોકોને પાસપોર્ટ અને વિઝા સંબંધિત કેટલીક અનિવાર્યતાઓમાંથી છૂટ આપવામાં આવી હતી. આ છૂટ 31 ડિસેમ્બર, 2024 અથવા તે પહેલાં ભારતમાં આવેલા લોકો માટે હતી.

નવા સુધારા મુજબ, આ લોકોને ભારતમાં પ્રવેશ અને રોકાણ સંબંધિત અગાઉની કેટલીક દસ્તાવેજી છૂટ મળતી રહેશે, પરંતુ દેશમાં સતત રહેવા માટે હવે યોગ્ય કેટેગરીનો વિઝા મેળવવો ફરજિયાત રહેશે. એટલે કે, જેમની પાસે માન્ય દસ્તાવેજો નથી અથવા જેમના દસ્તાવેજોની મુદત પૂરી થઈ ગઈ છે, તેમણે પણ વિઝા (India Visa Rules) લેવાની પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે.

2. કેટલાક પાકિસ્તાની નાગરિકો અને ભારતીય મૂળના લોકોને પાસપોર્ટની મુદત અંગે રાહત

નવા નિયમ હેઠળ 31 ડિસેમ્બર, 2009 અથવા તે પહેલાં પાકિસ્તાની પાસપોર્ટ પર ભારતમાં કાયમી વસવાટના ઇરાદાથી આવેલા કેટલાક પાકિસ્તાની નાગરિકોને પાસપોર્ટ રિન્યૂ કરાવવાની  અનિવાર્યતામાંથી છૂટ આપવામાં આવી છે. પાકિસ્તાનનું કમ્પ્યુટરાઇઝ્ડ નેશનલ આઇડેન્ટિટી કાર્ડ (CNIC) ન હોવાને કારણે પાસપોર્ટ રિન્યૂ કરાવવામાં મુશ્કેલી પડતી હોય તેવા લોકો આ જોગવાઈ હેઠળ આવી શકે છે.

આ ઉપરાંત, ભાગલા પછી પાકિસ્તાન ગયેલા (Pakistan Refugees India) અને નિર્ધારિત શરતો સાથે કેરળમાં પરત આવીને વસેલા કેટલાક ભારતીય મૂળના મુસ્લિમ પુરુષોને પણ પાસપોર્ટની મુદત પૂરી થવા અથવા ખોવાઈ જવા સંબંધિત રાહત આપવામાં આવી છે. જોકે, આ માટે મૂળ ભારતીય નાગરિક હોવા સહિતની ચોક્કસ શરતોનું પાલન જરૂરી છે.

મલેશિયા અને સિંગાપોરની નાગરિકતા મેળવનારા ભારતીય મૂળના કેટલાક લોકોને પણ રાહત મળશે. 31 ડિસેમ્બર, 2009 અથવા તે પહેલાં આ દેશોના પાસપોર્ટ પર ભારત પરત આવેલા અને સંબંધિત દેશના નિયમોને કારણે પાસપોર્ટ રિન્યૂ ન કરાવી શકતા લોકો આ છૂટ માટે પાત્ર બની શકે છે. આ જોગવાઈ હેઠળ આવનારા લોકોને ભારતમાં સતત રહેવા માટે યોગ્ય કેટેગરીનો વિઝા (India Visa Rules) મેળવવો પડશે.

ભારતીય મૂળના વિદેશી નાગરિક કોણ ગણાશે?

નવા આદેશ મુજબ, જે વ્યક્તિએ અગાઉ ભારતીય પાસપોર્ટ ધરાવ્યો હોય અથવા જેના માતા-પિતા, દાદા-દાદી કે પરદાદા-પરદાદીનો જન્મ ભારતમાં થયો હોય અને તેઓ અહીં કાયમી વસવાટ કરતા હોય, તે નિર્ધારિત શરતોને આધારે ભારતીય મૂળની વ્યક્તિ ગણાઈ શકે છે. જોકે, આ વ્યાખ્યામાં પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, અફઘાનિસ્તાન, ભૂટાન, નેપાળ અને ચીનના નાગરિકોનો સમાવેશ થતો નથી.

3. ભારત, નેપાળ અને ભૂટાન વચ્ચે મુસાફરીના નિયમો સ્પષ્ટ કરાયા

ભારત, નેપાળ અને ભૂટાનના નાગરિકો જમીન અથવા હવાઈ માર્ગે એકબીજાના દેશમાં સીધી મુસાફરી કરે ત્યારે વિઝા અને પાસપોર્ટની કેટલીક અનિવાર્યતાઓમાંથી મુક્ત રહેશે. જોકે, તેમણે વિઝા મેન્યુઅલમાં દર્શાવેલા માન્ય ઓળખપત્રોમાંથી કોઈ એક ઇમિગ્રેશન અધિકારી સમક્ષ રજૂ કરવાનું રહેશે. અધિકારી જરૂર જણાય તો વધારાની માહિતી પણ માંગી શકશે.

પરંતુ આ છૂટ દરેક પ્રકારની મુસાફરી માટે લાગુ નહીં પડે. ભારતીય નાગરિકો નેપાળ અથવા ભૂટાનના માર્ગે કોઈ ત્રીજા દેશમાં આવન-જાવન કરે તો માન્ય પાસપોર્ટ જરૂરી રહેશે અને નિર્ધારિત ઇમિગ્રેશન પોસ્ટનો ઉપયોગ કરવો પડશે. તેવી જ રીતે, નેપાળ અને ભૂટાનના નાગરિકોએ ચીન, મકાઉ, હોંગકોંગ અથવા પાકિસ્તાનથી મુસાફરી શરૂ કરી હોય કે ત્યાંથી ટ્રાન્ઝિટ કર્યું હોય તો માન્ય પાસપોર્ટ અને વિઝા (India Visa Rules) રાખવા પડશે.

4. શ્રીલંકન તમિલો અને તિબેટીઓને મળેલી છૂટ ચાલુ રહેશે

નવા આદેશમાં ભારતમાં શરણ લેનારા નોંધાયેલા શ્રીલંકન તમિલોને મળતી પાસપોર્ટ અને વિઝા સંબંધિત છૂટ યથાવત રાખવામાં આવી છે. 9 જાન્યુઆરી, 2015 અથવા તે પહેલાં ભારતમાં આશ્રય લેનારા અને નોંધાયેલા શ્રીલંકન તમિલો આ જોગવાઈ હેઠળ આવરી લેવાશે.

તિબેટી નાગરિકો માટે પણ નિર્ધારિત શરતો હેઠળ છૂટ ચાલુ રહેશે. 1959 પછી અને 30 મે, 2003 પહેલાં કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસ દ્વારા અપાયેલા એન્ટ્રી પરમિટથી ભારતમાં આવેલા તિબેટીઓ તેમાં સામેલ છે. 30 મે, 2003 પછી વિશેષ પ્રવેશ પરમિટ લઈને નિર્ધારિત ભારત-નેપાળ સરહદ પરથી આવેલા તિબેટીઓએ સંબંધિત અધિકારી પાસે નોંધણી કરાવી તેનું પ્રમાણપત્ર મેળવેલું હોવું જરૂરી છે.

5. સૈન્ય જવાનો અને વિદેશી સૈન્ય જહાજોના કર્મચારીઓને પણ છૂટ

નવા નિયમમાં ભારતીય નૌકાદળ, સેનાદળ અને વાયુસેનાના એવા સભ્યોને પાસપોર્ટ અને વિઝાની સામાન્ય અનિવાર્યતામાંથી છૂટ આપવામાં આવી છે, જેઓ સરકારી ફરજ પર ભારતની અંદર પ્રવેશ કરે અથવા બહાર જાય છે. તેમની સાથે સરકારી પરિવહન દ્વારા મુસાફરી કરતા પરિવારના સભ્યોને પણ આ છૂટ લાગુ પડશે.

આ ઉપરાંત, સમારકામ માટે ભારતમાં આવતા વિદેશી સૈન્ય જહાજોના કર્મચારીઓને પણ નિર્ધારિત શરતો હેઠળ રાહત આપવામાં આવી છે. તેમના માટે ઇમિગ્રેશન અધિકારી પાસેથી મિલિટરી શિપ રિપેર પરમિટ મેળવવી અને માન્ય સૈન્ય ઓળખપત્ર રાખવું જરૂરી રહેશે.

CAA અને નવા ઇમિગ્રેશન આદેશ વચ્ચે શું તફાવત છે?

નાગરિકતા સુધારા કાયદો (CAA), 2019 અને ઇમિગ્રેશન એન્ડ ફોરેનર્સ (એક્ઝેમ્પશન) (એમેન્ડમેન્ટ) ઓર્ડર, 2026 બંનેનો સંબંધ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી આવેલા છ બિન-મુસ્લિમ સમુદાયો સાથે છે. જોકે, બંનેની જોગવાઈઓ અલગ છે. CAA હેઠળ નિર્ધારિત શરતો પૂર્ણ કરતા લોકોને ભારતીય નાગરિકતા મેળવવા માટે અરજી કરવાની જોગવાઈ છે, જ્યારે નવો ઇમિગ્રેશન આદેશ ભારતમાં પ્રવેશ, રોકાણ અને સતત રહેવા માટેના પાસપોર્ટ તથા વિઝા સંબંધિત નિયમોમાં ફેરફાર કરે છે.


આ પણ વાંચો: દિલ્હીના પ્રદૂષણ પર સુપ્રીમ કોર્ટની ટકોર: ‘આશા છે તમે હવામાનનો આનંદ માણી રહ્યા હશો’

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં NCP Mergerને લઈને મોટી હલચલ, સુનીલ તટકરે-પ્રફુલ પટેલ કેમ્પ વિલયના પક્ષમાં; સુનેત્રા અને પાર્થ પવારનો વિરોધ

આ પણ વાંચો: ધનતેરસે શેરબજારમાં દિવાળી જેવો માહોલ! સેન્સેક્સ 80,000ને પાર, નિફ્ટીમાં પણ તેજી