World News: યુરોપ પહોંચવાની આશામાં જોખમી દરિયાઈ મુસાફરી કરી રહેલા માઇગ્રન્ટ્સ માટે ગ્રીસના ક્રેટ ટાપુ નજીકનો દરિયો મોતનો દરિયો બની ગયો છે. ક્રેટના દક્ષિણ કિનારેથી આશરે 15 નોટિકલ માઇલ દૂર માઇગ્રન્ટ્સને લઈ જતી એક બોટ(Greece Migrant Boat Tragedy) મળી આવી હતી.
ગ્રીસના કોસ્ટ ગાર્ડે શરૂઆતમાં બોટમાંથી 12 મૃતદેહ મળ્યાની અને 18 લોકોને બચાવ્યાની જાણકારી આપી હતી. જોકે, બાદમાં મૃતદેહોની સંખ્યા વધીને 13 થઈ હતી અને બચાવાયેલા 18 લોકોમાંથી એકનું સારવાર દરમિયાન મોત થયું હતું. આમ, આ ઘટનામાં અત્યાર સુધી કુલ 14 લોકોનાં મોત થયાં છે.
Greece Migrant Boat Tragedy : દરિયામાં તરતી બોટ બની મોતની સફર, 14 લોકોનાં મોત
ગ્રીસના ક્રેટ ટાપુના દક્ષિણ કિનારાથી આશરે 28 કિલોમીટર દૂર એક માલવાહક જહાજે માઇગ્રન્ટ્સથી ભરેલી બોટ જોઈ હતી. આ જહાજ મોરોક્કોના ધ્વજ હેઠળ દરિયામાં મુસાફરી કરી રહ્યું હતું. જહાજના કર્મચારીઓએ તાત્કાલિક સંબંધિત અધિકારીઓને જાણ કરી હતી.
ત્યારબાદ ગ્રીસના કોસ્ટ ગાર્ડે બચાવ કામગીરી હાથ ધરી હતી. બોટમાંથી 13 મૃતદેહ મળી આવ્યા હતા અને 18 લોકોને જીવતા બચાવી લેવામાં આવ્યા હતા. બચાવાયેલા લોકોમાંથી ચારની તબિયત ગંભીર હોવાથી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તેમાંથી એક વ્યક્તિનું બાદમાં મોત થયું હતું.
હાલ મૃતકોની ઓળખ, રાષ્ટ્રીયતા અને મૃત્યુનાં ચોક્કસ કારણો અંગે સત્તાવાળાઓએ અંતિમ માહિતી જાહેર કરી નથી. પ્રાથમિક અહેવાલો મુજબ, બોટ અનેક દિવસોથી દરિયામાં ફસાયેલી હોઈ શકે છે અને ખરાબ પવનને કારણે કિનારે પહોંચી શકી નહોતી.
અન્ય બે બોટમાંથી 87 લોકોને બચાવાયા
આ જ વિસ્તારમાં માઇગ્રન્ટ્સને લઈ જતી અન્ય બે બોટ પણ જોવા મળી હતી. એક બોટમાં આશરે 47 અને બીજી બોટમાં 40 લોકો સવાર હતા. યુરોપિયન યુનિયનની બોર્ડર એજન્સી Frontexના વિમાન અને ડ્રોનની મદદથી આ બોટનું લોકેશન શોધવામાં આવ્યું હતું.
ત્યારબાદ Frontexનાં જહાજોએ બંને બોટમાં સવાર તમામ 87 લોકોને બચાવી લીધા હતા. તેમને ક્રેટ ટાપુના દક્ષિણ કિનારે આવેલા બંદર પર લઈ જવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ક્રેટ નજીક ત્રણ અલગ-અલગ બચાવ કામગીરીમાં કુલ 105 લોકોને બચાવવામાં આવ્યા હતા.
લિબિયાથી આવતા માઇગ્રન્ટ્સની સંખ્યામાં વધારો
ક્રેટ ટાપુ પર લિબિયાથી આવતા (Migrants)માઇગ્રન્ટ્સની સંખ્યામાં તીવ્ર વધારો નોંધાઈ રહ્યો છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ગ્રીસ સરકારે સંભવિત માઇગ્રેશન સંકટનો સામનો કરવા માટે તૈયારીઓ શરૂ કરી છે.
ગ્રીસના માઇગ્રેશન અને આશ્રય મંત્રી થાનોસ પ્લેવ્રિસના જણાવ્યા અનુસાર, નવેમ્બર મહિનાના પ્રથમ ત્રણ દિવસમાં જ લિબિયાથી આશરે 1,700 લોકો ગ્રીસ પહોંચ્યા હતા. તેમણે આ વધારા માટે લિબિયાના સત્તાવાળાઓ સાથેના સહયોગમાં આવેલા ઘટાડાને જવાબદાર ગણાવ્યો હતો.
તેમણે કહ્યું હતું કે, ‘અમે ક્રેટમાં સંકટનો સામનો કરવાની તૈયારી કરી રહ્યા છીએ.’ આ ઉપરાંત એથાનાતી ખાતે એક રિસેપ્શન સેન્ટર શરૂ કરવાની પણ તૈયારી ચાલી રહી છે, જે આવતા અઠવાડિયે કાર્યરત થવાની અપેક્ષા છે.
ક્રેટમાં માઇગ્રન્ટ્સની આવકમાં 105 ટકાનો વધારો
યુરોપિયન કમિશનના બીજા વાર્ષિક અહેવાલ મુજબ, જુલાઈ 2025થી જૂન 2026 દરમિયાન ગ્રીસમાં અનિયમિત રીતે સરહદ પાર કરવાના કિસ્સાઓમાં 23 ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ જ સમયગાળામાં આશ્રય માટેની અરજીઓમાં પણ 19 ટકાનો ઘટાડો થયો હતો.
જોકે, ક્રેટ ટાપુ પર માઇગ્રન્ટ્સની આવકમાં વિપરીત સ્થિતિ જોવા મળી હતી. આ સમયગાળા દરમિયાન ક્રેટમાં આવતા માઇગ્રન્ટ્સની સંખ્યામાં 105 ટકાનો વધારો થઈને આંકડો આશરે 21 હજાર સુધી પહોંચ્યો હતો.
બીજી તરફ, તુર્કી સાથેની ગ્રીસની જમીની સરહદે ગેરકાયદે પ્રવેશના કિસ્સાઓમાં 33 ટકાનો વધારો નોંધાયો હતો. પૂર્વ ભૂમધ્ય સમુદ્રના માર્ગે અનિયમિત સ્થળાંતરના કિસ્સાઓમાં 25 ટકાનો ઘટાડો થયો હતો. જ્યારે સમગ્ર યુરોપિયન યુનિયનમાં આ પ્રકારના કિસ્સાઓમાં 32 ટકાનો ઘટાડો નોંધાયો હતો.
ગ્રીસ પર યુરોપિયન યુનિયનની મદદની જરૂર
માઇગ્રન્ટ્સની વધતી સંખ્યા અને દરિયામાં સર્જાતી દુર્ઘટનાઓને પગલે ગ્રીસ સામે મોટો પડકાર ઊભો થયો છે. યુરોપિયન યુનિયનના અહેવાલ મુજબ, વસ્તી અને કુલ સ્થાનિક ઉત્પાદન (GDP)ની સરખામણીએ ગ્રીસ પર સ્થળાંતરનું દબાણ યુરોપિયન દેશોમાં સૌથી વધુ છે.
દરિયાઈ બચાવ કામગીરી, માઇગ્રન્ટ્સને આશ્રય આપવાની વ્યવસ્થા અને સરહદોની સુરક્ષા માટે ગ્રીસને યુરોપિયન યુનિયન(European Union)ની સહાયની જરૂર પડી રહી છે. ગ્રીસને 2027માં યુરોપિયન યુનિયનની સહાય મેળવવા માટે પાત્ર ગણવામાં આવ્યું છે.
એક તરફ યુરોપ પહોંચવાની આશામાં હજારો લોકો જોખમી દરિયાઈ માર્ગ પસંદ કરી રહ્યા છે, તો બીજી તરફ આવી દુર્ઘટનાઓમાં અનેક લોકો જીવ ગુમાવી રહ્યા છે. ક્રેટ નજીકની આ ઘટના ફરી એકવાર ભૂમધ્ય સમુદ્રના માઇગ્રેશન સંકટ અને માનવ તસ્કરીના જોખમો તરફ ધ્યાન દોરે છે.
આ પણ વાંચો: જામનગરના ધૂડશિયામાં પોલીસનો દરોડો, વિદેશી દારૂની 8 બોટલ સાથે મધ્યપ્રદેશનો શ્રમિક પકડાયો
આ પણ વાંચો: જૂની જામની બોટલોથી કરો ઘરની સજાવટ….આ રીતે તૈયાર કરો શાનદાર ડેકોરેશન!
આ પણ વાંચો: વડોદરામાં કારની CNG બોટલ ફાટતાં ભયાનક બ્લાસ્ટ! 200 મીટર દૂર સુધી ઊડ્યાં પતરાં, 5 લોકો ઈજાગ્રસ્ત
