Business News: આધુનિક જીવનશૈલી અને બદલાતી બજારવ્યવસ્થાની અસર હવે પેઢીઓથી ચાલી આવતી પરંપરાગત કારીગરી (Traditional Artisans) પર પણ જોવા મળી રહી છે. મશીનથી તૈયાર થતી વસ્તુઓ ઓછી કિંમતે અને સરળતાથી ઉપલબ્ધ બનતાં લુહાર, કુંભાર અને મોચી જેવા કારીગરો પાસે કામ ઘટ્યું છે. વધતા ખર્ચ અને ઓછી આવક વચ્ચે આ વ્યવસાયો સાથે જોડાયેલા પરિવારો સામે રોજીરોટી ટકાવી રાખવાનો પડકાર ઊભો થયો છે.
અગાઉ લોકો પોતાની જરૂરિયાત મુજબ વસ્તુઓ બનાવડાવવા કે સમારકામ કરાવવા સ્થાનિક કારીગરો પાસે જતા હતા. હવે તૈયાર કપડાં, ફર્નિચર અને અન્ય વસ્તુઓ ખરીદવાનું પ્રમાણ વધ્યું છે. પરિણામે પરંપરાગત કારીગરોની આવક પર અસર (Modernization Impact) પડી છે. કેટલાક લોકોએ સમય પ્રમાણે કામ કરવાની પદ્ધતિ બદલી છે, પરંતુ દરેક માટે નવી ટેકનોલોજી અપનાવવી કે મોટું રોકાણ કરવું શક્ય નથી.

Traditional Artisans: નવી પેઢી વારસાગત વ્યવસાયથી દૂર
પ્રતાપનગરમાં રણમુક્તેશ્વર મહાદેવ પાસે લુહાર સમાજના પરિવારો વર્ષોથી આ વ્યવસાય સાથે જોડાયેલા છે. રાહુલ વિજયભાઈ લુહાર (ગાડેલિયા)ના જણાવ્યા મુજબ, પહેલાં લોખંડ ગરમ કરવા ભઠ્ઠી અને હવા આપવા હાથપંખાનો ઉપયોગ થતો હતો. હવે તેના સ્થાને ઇલેક્ટ્રિક પંખાનો ઉપયોગ થાય છે.
ભરત મફાભાઈ લુહારે જણાવ્યું કે તેમના પરિવારમાં આ વ્યવસાયની ચોથી પેઢી કામ કરી રહી (Traditional Skills) છે. નવી પેઢીના માત્ર 20થી 25 ટકા લોકો જ આ કામમાં મદદ કરે છે, જ્યારે 50 ટકા લોકોએ વ્યવસાય છોડી દીધો છે. મહેનત વધુ હોવાથી યુવાનો આ કામ અપનાવવા તૈયાર નથી. મશીનરીના વધતા ઉપયોગને કારણે પરંપરાગત લુહારકામનો ધંધો પણ અંદાજે 50 ટકા ઘટ્યો છે.

કુંભારકામ કરતાં પરિવારોની સંખ્યા ઘટી
ફતેપુરાના કુંભારવાડામાં કેટલાક પરિવારો પાંચમી પેઢીથી દીવડા અને માટીની અન્ય વસ્તુઓ બનાવે છે. લાલજી કરસનભાઈ પ્રજાપતિના જણાવ્યા મુજબ, અગાઉ આ વિસ્તારમાં ત્રણ ફળિયામાં કુંભારકામ થતું હતું, પરંતુ હવે માંડ 15 મકાનોમાં જ આ વ્યવસાય ચાલુ છે.
મશીનથી બનતાં સસ્તાં કોડિયાંને કારણે પરંપરાગત દીવડા બનાવવાના ધંધામાં અંદાજે 50 ટકાનો ઘટાડો થયો છે. પહેલાં હાથથી ચાકડું ફેરવાતું હતું, જ્યારે હવે ઇલેક્ટ્રિક મોટરનો ઉપયોગ થાય છે. માટી અને બળતણના વધતા ભાવ ઉપરાંત ભઠ્ઠી તથા વસ્તુઓ સુકવવા માટે જગ્યાની અછત પણ કારીગરો માટે મુશ્કેલી બની છે. નવી પેઢી આ કામમાં રસ દાખવે તો જ આ વારસો જળવાઈ શકે તેમ છે.

મોચીકામમાં પણ ઘટી રહ્યાં છે પરિવારો
શહેરના તુલસીવાડી વિસ્તારમાં રહેતા અને છેલ્લાં 25 વર્ષથી મોચીકામ કરતા દિનેશભાઈ પરમારના જણાવ્યા મુજબ, તેમના બંને પુત્રોને પણ આ વ્યવસાયમાં રસ નથી. તેઓ નોકરી કે અન્ય ધંધો કરવા ઇચ્છે છે.
મટીરિયલ મોંઘું થવાથી બૂટ-ચપ્પલનું સમારકામ પણ ખર્ચાળ બન્યું છે, જે ગ્રાહકોને પરવડતું નથી. દિનેશભાઈના જણાવ્યા મુજબ, અગાઉ વડોદરામાં અંદાજે 150 પરિવારો આ વ્યવસાય સાથે જોડાયેલા હતા, પરંતુ હવે માંડ 50થી 60 પરિવારો જ (Artisans in Vadodara) આ કામ કરે છે.

એક તરફ પરંપરાગત કારીગરો બદલાતા સમય સાથે ટકી રહેવા પ્રયાસ કરી રહ્યા છે, તો બીજી તરફ નવી પેઢી આ વ્યવસાયથી દૂર થઈ રહી છે. જો આ કળાને પ્રોત્સાહન અને યોગ્ય બજાર નહીં મળે તો પેઢીઓથી ચાલી આવતી કારીગરી લુપ્ત થવાનો ભય છે.
આ પણ વાંચો: રાજ્ય સરકારના પ્રોત્સાહનથી પરંપરાગત કળાને મળ્યા નવા બજારો, કારીગરોની આવકમાં થયો વધારો
આ પણ વાંચો: Happy Birthday Ahmedabad: ઈતિહાસ, સંસ્કૃતિ અને આધુનિકતાનો સમન્વય ધરાવતું નગર
આ પણ વાંચો: કાન્સ 2026માં અશોક સરાફની એન્ટ્રી, પરંપરાગત મહારાષ્ટ્રીયન લુકે જીત્યું દિલ
