Gujarat News : ગુજરાતની પરંપરાગત હસ્તકળાઓમાં સંખેડા ફર્નિચરનું વિશિષ્ટ સ્થાન છે. લાકડાં પર કરવામાં આવતી રંગીન લેકર કળા અને નાજુક નકશીકામ માટે જાણીતું સંખેડા ફર્નિચર આજે માત્ર ગુજરાત પૂરતું સીમિત નથી રહ્યું, પરંતુ દેશના વિવિધ શહેરો અને વિદેશી બજારોમાં પણ પોતાની આગવી ઓળખ બનાવી રહ્યું છે. આ પરિવર્તન પાછળ સરકાર અને ગુજરાત રાજ્ય હાથશાળ તથા હસ્તકલા વિકાસ નિગમના સતત પ્રયાસો મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.
વડોદરાની GSFC યુનિવર્સિટીમાં આગામી 29 અને 30 જૂન, 2026 દરમિયાન યોજાનાર વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) – મધ્ય ગુજરાત 2026 માત્ર રોકાણ અને ઉદ્યોગ વિકાસનું મંચ નથી, પરંતુ ગુજરાતની સમૃદ્ધ હસ્તકલા અને સાંસ્કૃતિક વારસાને વૈશ્વિક ઓળખ અપાવવાનો પણ એક મહત્વપૂર્ણ અવસર છે. ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવા માટે રાજ્ય સરકાર પરંપરાગત કારીગરો અને સ્થાનિક ઉદ્યોગોને નવા બજારો સાથે જોડવા પર ભાર મૂકી રહી છે. આ પ્રયાસોમાં વિશ્વવિખ્યાત સંખેડા ફર્નિચર એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે, જે આજે ગુજરાતની પરંપરા અને આત્મનિર્ભર અર્થવ્યવસ્થાનું જીવંત પ્રતિક બની રહ્યું છે.
શું છે સંખેડા ફર્નિચરની ઓળખ?
સંખેડા ફર્નિચર વડોદરા નજીક આવેલા સંખેડા ગામની પરંપરાગત લાકડાની હસ્તકલા છે. મુખ્યત્વે ખારાડી કારીગર સમુદાય પેઢીઓથી આ કળાને જીવંત રાખી રહ્યો છે. માન્યતા મુજબ અંદાજે 200 વર્ષ પહેલાં સંખેડામાં આવેલા એક સાધુએ સ્થાનિક સુથાર પરિવારોને લાકડાના ફર્નિચર પર લાખ અને કલાઈથી ડિઝાઇન કરવાની કળા શીખવાડી હતી. ત્યારથી આ પરંપરા સતત આગળ વધી રહી છે.
પરંપરાગત કારીગરોને બજાર સાથે જોડવા, તેમની કળાને પ્રોત્સાહન આપવા અને નવી પેઢીને આ વ્યવસાય તરફ આકર્ષવા માટે નિગમ દ્વારા વિવિધ પગલાં લેવામાં આવ્યા છે. કારીગરોને પ્રદર્શન, મેળા અને બજાર વ્યવસ્થાઓ મારફતે પોતાની કૃતિઓ રજૂ કરવાની તક મળી રહી છે. સાથે જ યોગ્ય તાલીમ અને આર્થિક સહાય દ્વારા તેમની કૌશલ્ય ક્ષમતામાં પણ વધારો થયો છે.
ક્યાં અને કેવી રીતે બને છે આ ફર્નિચર?
આ હસ્તકલા મુખ્યત્વે સંખેડા તથા વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાના આસપાસના વિસ્તારોમાં વિકસિત થઈ છે. ખારાડી સુથાર સમુદાયના કારીગરો પરંપરાગત સાધનો અને લેથ મશીનની મદદથી લાકડાને આકાર આપે છે. ત્યારબાદ હાથથી ડિઝાઇન પેઇન્ટિંગ, લાખ કોટિંગ અને પોલિશિંગ કરવામાં આવે છે.
એક ફર્નિચર તૈયાર કરવામાં અંદાજે એક મહિના જેટલો સમય લાગી શકે છે. ઝૂલાઓ, પાટલા, ખુરશીઓ, સોફા સેટ, બાળઘોડિયા અને ડાઇનિંગ ટેબલ જેવી વિવિધ વસ્તુઓમાં આ કળાની વિશેષ ઝલક જોવા મળે છે. દરેક નમૂનામાં કલાકારોની મહેનત, અનુભવ અને પેઢીઓથી મળેલું કૌશલ્ય સ્પષ્ટ દેખાય છે. આજે સંખેડા ફર્નિચરને જી.આઈ. (Geographical Indication) ટેગ મળવાથી તેની વિશિષ્ટતા વધુ મજબૂત બની છે.
કારીગરોની આવકમાં અંદાજે 20 થી 40 ટકા સુધીનો વધારો
નિગમ દ્વારા કારીગરોને આધુનિક ડિઝાઇન, ગુણવત્તા સુધારણા, નવી ઉત્પાદન પદ્ધતિઓ અને માર્કેટિંગ સંબંધિત તાલીમ આપવામાં આવે છે. પરિણામે તેઓ બજારની બદલાતી માંગ અનુસાર વધુ આકર્ષક અને ગુણવત્તાસભર ઉત્પાદનો તૈયાર કરી રહ્યા છે. આ પ્રયાસોથી કારીગરોની આવકમાં અંદાજે 20 થી 40 ટકા સુધીનો વધારો નોંધાયો છે.
સંખેડા ફર્નિચરની ઓળખને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે મજબૂત બનાવવા માટે વિવિધ હસ્તકલા મેળાઓ, એક્સ્પો અને પ્રદર્શનોમાં તેને સ્થાન આપવામાં આવ્યું છે. અમદાવાદ, દિલ્હી અને મુંબઈ જેવા મોટા શહેરોમાં યોજાતા કાર્યક્રમો દ્વારા નવા ગ્રાહકો સુધી પહોંચવાનો માર્ગ ખુલ્યો છે. ઉપરાંત, એમ્પોરિયમ અને અન્ય વેચાણ માધ્યમો દ્વારા સીધી બજાર વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે. હાલમાં અંદાજે સંખેડા ફર્નિચરના 3 કારીગરો સીધા જોડાયેલા છે અને હજારો લોકો પરોક્ષ રીતે આ પરંપરાગત હસ્તકલા અર્થતંત્ર સાથે જોડાયેલા છે.
વર્ષ દરમ્યાન લગભગ ₹2 લાખથી વધુનું વેચાણ
આજે સંખેડા ફર્નિચરની માંગ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, મુંબઈ, દિલ્હી અને બેંગલુરુ જેવા શહેરોમાં જોવા મળે છે. સાથે જ અમેરિકા, યુકે, કેનેડા અને યુએઈ જેવા દેશોમાં પણ તેની પહોંચ વધી રહી છે. પરંપરાગત ઝૂલા, ખુરશીઓ, સોફાસેટ અને અન્ય ઘર સજાવટના ઉત્પાદનો ગ્રાહકોમાં લોકપ્રિય બની રહ્યા છે. વર્ષ દરમ્યાન લગભગ ₹2 લાખથી વધુનું વેચાણ થતું હોય છે.
નિષ્ણાતોનું માનવું છે કે, યુવા પેઢીને આ કળા સાથે વધુ સક્રિય રીતે જોડવા માટે આધુનિક ડિઝાઇન, ડિજિટલ માર્કેટિંગ અને નવીન ઉત્પાદનો પર ભાર મૂકવો જરૂરી છે. સોશિયલ મીડિયા, ઈ-કોમર્સ અને અનુભવ આધારિત પ્રદર્શનો જેવી પહેલો આ દિશામાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
આજે સંખેડા ફર્નિચર માત્ર એક પરંપરાગત હસ્તકલા નથી, પરંતુ ગ્રામ્ય અર્થતંત્ર, કારીગર સશક્તિકરણ અને સાંસ્કૃતિક વારસાના સંવર્ધનનું મજબૂત માધ્યમ બની રહ્યું છે. VGRC – મધ્ય ગુજરાત 2026 જેવા મંચો દ્વારા આ કળાને રોકાણકારો, ખરીદદારો અને વૈશ્વિક બજારો સાથે જોડવાની નવી તકો સર્જાઈ રહી છે. રાજ્ય સરકારના સતત પ્રયાસોથી સંખેડા ફર્નિચર ‘લોકલ ટુ ગ્લોબલ’ના વિઝનને સાકાર કરી રહ્યું છે અને આત્મનિર્ભર ભારત તથા વિકસિત ગુજરાતના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે.
આ પણ વાંચો: 2030 સુધીમાં દેશમાં બાયોટેકનોલોજી અને બાયોમેન્યુફેક્ચરિંગનું હબ બનવાનું ગુજરાતનું લક્ષ્ય
આ પણ વાંચો: ગુજરાતના 18 અધિકારીઓને IASમાં બઢતી
