Junagadh News: જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના સરહદી વિસ્તારોમાં આવેલા આશરે 15 ગામોના ખેડૂતો સિંચાઈના પાણી માટે મુશ્કેલીનો સામનો (Junagadh Farmers Protest) કરી રહ્યા છે. લાછડી ડેમમાં 80થી 90 ટકા જેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ હોવા છતાં સિંચાઈ માટે પાણી છોડવામાં આવતું ન હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે. બીજી તરફ, ઓછા વરસાદને કારણે તુવેર અને ચણા સહિતના શિયાળુ પાકને પિયતની જરૂર છે. સમયસર પાણી નહીં મળે તો લાખો રૂપિયાના ખર્ચે કરેલું વાવેતર નિષ્ફળ જવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે.
Junagadh Farmers Protest: ડેમ બન્યાને 20 વર્ષ છતાં કેનાલનું કામ અધૂરું
ખેડૂત અગ્રણી અશ્વિનભાઈ વાળાએ જણાવ્યું હતું કે, આસપાસનાં 15 ગામોના ખેડૂતોએ મોંઘા ભાવનાં બિયારણ અને અન્ય ખર્ચ કરીને પાકનું વાવેતર કર્યું છે. અત્યાર સુધી મહેનત કરીને પાકને સાચવ્યો છે, પરંતુ હવે પિયતની સુવિધા ન હોવાથી પાક સુકાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે.
તેમના જણાવ્યા મુજબ, લાછડી ડેમનું નિર્માણ થયાને લગભગ 20 વર્ષ વીતી ગયાં હોવા છતાં કેનાલનું કામ અધૂરું છે. કેનાલ માટે ખેડૂતોની જમીન સંપાદિત કરવામાં આવી હતી અને વળતર પણ ચૂકવાયું હતું. જમીનના 7/12ના ઉતારામાંથી પણ તે જમીન કમી થઈ ગઈ હોવા છતાં કેનાલનું બાકી કામ પૂર્ણ કરવામાં આવ્યું નથી. ખેડૂતોની માંગ છે કે હાલ પૂરતું ડેમનું પાણી દેવકા નદીમાં છોડવામાં આવે, જેથી હજારો હેક્ટર જમીનમાં ઊભેલા પાકને બચાવી શકાય.
પાણી છોડવામાં આવે તો 8થી 10 ચેકડેમ ભરાઈ શકે
માળીયા હાટીના તાલુકાના આછીદ્રા ગામના ખેડૂત અરશીભાઈ ચાંડેરાએ જણાવ્યું હતું કે, ખેતીના હેતુથી લાછડી બંધારા યોજના (Lachhadi Dam Water) બનાવવામાં આવી છે, પરંતુ હાલ ડેમમાં પાણી હોવા છતાં તેનો ઉપયોગ થઈ રહ્યો નથી. આ વર્ષે ઓછા વરસાદને કારણે ચણા અને તુવેર જેવા શિયાળુ પાકને બચાવવા તાત્કાલિક પાણીની જરૂર છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, જો ડેમમાંથી પાણી દેવકા નદીમાં (Devka River) છોડવામાં આવે તો રસ્તામાં આવતા 8થી 10 ચેકડેમ ભરાઈ શકે (Irrigation Water Demand) છે. તેના કારણે આસપાસના વિસ્તારોમાં ભૂગર્ભ જળસ્તર ઊંચું આવે અને ખેડૂતોના કૂવા પણ રિચાર્જ થાય. આ ઉપરાંત પશુઓ માટે પીવાના પાણીની સમસ્યા હળવી થવાની શક્યતા છે.
પારો તોડવાની ચીમકી, ખેડૂતો આંદોલનના મૂડમાં
ખેડૂતોના જણાવ્યા મુજબ, આ મુદ્દે અગાઉ પણ વહીવટી તંત્ર સમક્ષ રૂબરૂ રજૂઆતો અને આવેદનપત્રો આપવામાં આવ્યાં છે, પરંતુ હજુ સુધી કોઈ નક્કર નિર્ણય લેવાયો નથી. હવે આછીદ્રા, છાપરી, પીપળવા, દાંડેરી, દેદા અને અસનાદર સહિતનાં 8થી 10 ગામોના ખેડૂતોએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
ખેડૂતોએ ચેતવણી આપી છે કે જો સરકાર તાત્કાલિક ડેમમાંથી પાણી છોડવાનો નિર્ણય નહીં લે તો તેઓ એકત્રિત થઈને ડેમ પાસે પહોંચશે અને જાતે પારો તોડીને પાણી નદીમાં વહેવડાવશે. ખેડૂતોના આ આક્રમક વલણને પગલે હવે તંત્ર શું નિર્ણય લે છે તેના પર સૌની નજર છે.
આ પણ વાંચો: લાખોનો ખર્ચ, છતાં તળાવ ખાલી! મહેસાણાના ખેડૂતોને સિંચાઈના પાણીની રાહ
આ પણ વાંચો: દસક્રોઈમાં 4 વર્ષથી કેનાલનું કામ અધૂરું, સિંચાઈના પાણી માટે હાહાકાર!
આ પણ વાંચો: બોટાદના ખેડૂતોની મુશ્કેલી વધશે? ડેમોમાં પાણી ઓછું, શિયાળુ વાવેતર સામે પડકાર
