New Delhi News: ચૂંટણી પંચે (Election Commission)આગામી વર્ષની શરૂઆતમાં ઉત્તર પ્રદેશ અને પંજાબ સહિત પાંચ રાજ્યોમાં યોજાનારી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કડક નિર્દેશ જારી કર્યા છે. નવી દિલ્હીથી જારી આદેશ મુજબ, આદર્શ આચારસંહિતા દરમિયાન સરકારી કર્મચારીઓને લાગુ પડતા નિયમો હવે સરકારી સેવામાં કાર્યરત રિટાયર્ડ અધિકારીઓ પર પણ લાગુ થશે.
પાંચેય રાજ્યોના મુખ્ય સચિવ અને મુખ્ય ચૂંટણી અધિકારીને લખેલા પત્રમાં જણાવાયું છે કે નવા નિયમોમાં એવા તમામ રિટાયર્ડ સરકારી અધિકારીઓનો સમાવેશ થાય છે, જેઓ કોઈ ને કોઈ પદ પર કાર્યરત છે.
Election Commission : ચૂંટણી પંચે જૂના પત્રોનો હવાલો આપ્યો
પંચે 26 ફેબ્રુઆરી અને 4 માર્ચ 2026ના પોતાના અગાઉના પત્રોનો હવાલો આપતા જણાવ્યું કે કોઈ પણ સરકારી કર્મચારી ચૂંટણી પ્રચારમાં ભાગ લઈ શકશે નહીં. તેઓ પોતાનું નામ, પદ કે અધિકારનો ઉપયોગ કરીને કોઈ એક પક્ષને મદદ કરી શકશે નહીં. આ નિયમ માત્ર સરકાર પૂરતો મર્યાદિત નથી, પરંતુ સરકાર પાસેથી પૂરી કે આંશિક રીતે પણ નાણાં મેળવતી દરેક સંસ્થા, સમિતિ, નિગમ અને આયોગને પણ લાગુ પડશે. આ નિયમો આદર્શ આચારસંહિતા(Model Code Of Conduct) દરમિયાન અમલમાં રહે છે.
કોઈ પણ પક્ષનો પક્ષ લેવાનો નથી
આદેશમાં જણાવાયું છે કે આચારસંહિતા(MCC) દરમિયાન સરકારી કર્મચારીએ રાજકીય રીતે સંપૂર્ણ તટસ્થ રહેવું પડે છે. કોઈ પણ પક્ષનો પક્ષ લેવાનો નથી અને એવું કોઈ કામ કરવાનું નથી, જેનાથી કોઈ પક્ષને ફાયદો થાય. પરંતુ રિટાયર્ડ સરકારી અધિકારીઓ અંગે આ પ્રકારના નિયમોને લઈને કોઈ સ્પષ્ટતા ન હોવાથી સમસ્યા ઊભી થતી હતી.
આ લોકો માટે કોઈ ગાઇડલાઇન ન હતી
પંચે કહ્યું કે તેને પણ વારંવાર ફરિયાદો મળી રહી હતી કે રાજ્ય સરકાર અને કેન્દ્રશાસિત પ્રદેશ(UT)ના વહીવટીતંત્રમાં સલાહકાર, કરાર આધારિત અથવા ફરીથી નોકરી પર નિયુક્ત રિટાયર્ડ અધિકારીઓ(Retired Officers)ના આચરણ અંગે કોઈ સ્પષ્ટ નિયમ નથી. સરકારી કર્મચારીઓ માટે આચાર નિયમો(Conduct Rules)માં રાજકીય પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ છે, પરંતુ આ લોકો માટે કોઈ ગાઇડલાઇન ન હતી.
પંચે શું નિર્દેશ આપ્યો?
આથી પંચે નિર્દેશ આપ્યો છે કે આચારસંહિતા દરમિયાન સરકારી કર્મચારીઓ પર લાગતા તમામ પ્રતિબંધો આ રિટાયર્ડ અને ફરીથી નિયુક્ત થયેલા અધિકારીઓ પર પણ લાગુ થશે. આવી વ્યક્તિઓ:
ચૂંટણી જાહેર થઈ ચૂકી હોય તેવા મતવિસ્તાર અને જિલ્લાના કોઈ પણ ચૂંટણી અધિકારીને કોઈ સત્તાવાર ચર્ચા કે બેઠક માટે બોલાવી શકશે નહીં, અને તેમની સાથે વીડિયો કોન્ફરન્સ કે બેઠક પણ કરી શકશે નહીં. જો કોઈ આ નિયમનો ભંગ કરશે તો તેને ગંભીરતાથી લેવામાં આવશે. પંચે આ નવા આદેશો સંબંધિત તમામ લોકો સુધી પહોંચાડવા અને તેનું કડકાઈથી પાલન કરવા સૂચના આપી છે.
રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારીઓને આદેશ
ચૂંટણી પંચે ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરના મુખ્ય સચિવ અને મુખ્ય ચૂંટણી અધિકારી(CEO)ને પત્ર લખીને આદેશ આપ્યો છે કે આદર્શ આચારસંહિતા દરમિયાન સરકારી કર્મચારીઓને જે રીતે નિયમો લાગુ પડે છે, તે જ રીતે રિટાયર્ડ થયા બાદ કોઈ પણ સ્વરૂપે સરકારી સેવા આપી રહેલા અધિકારીઓ પર પણ એ જ નિયમો લાગુ પડશે. આમાં બેદરકારી ચલાવી લેવાશે નહીં. વિધાનસભા ચૂંટણી(Assembly Elections) પહેલાં સરકારી સેવામાં રહેલા રિટાયર્ડ અધિકારીઓ કોઈ પણ રાજકીય પક્ષ કે ઉમેદવારના સમર્થનમાં ચૂંટણી પ્રચાર કે અન્ય કોઈ રીતે તેમને સપોર્ટ કરી શકશે નહીં.
આ પણ વાંચો: ચૂંટણી પંચમાં નવા નિયમો લાગુ: બેઠકોના એજન્ડા-મિનિટ્સ જાહેર થશે, SIR ફોર્મમાં પણ ફેરફાર
આ પણ વાંચો: મતદાર યાદીમાં નામ નથી? ચૂંટણી પંચની મોટી રાહત, જૂના મતદારો સામે કાર્યવાહી નહીં
આ પણ વાંચો: ચૂંટણી પંચનો સુપ્રીમ કોર્ટમાં જવાબ: SIRના ફોર્મ-6માં ફેરફાર નથી કર્યો, તમામ નિર્ણયો સર્વસંમતિથી લેવાયા
