Food Recipe: સાંજે નાસ્તામાં અથવા ડિનરમાં કંઇક ચટપટું ખાવાની ઈચ્છા હોય તો તમે મધના ફ્લેવરવાળા કુરકુરા નૂડલ્સ (Honey Chili Noodles) બનાવી શકો છો. એનો સ્વાદ લાજવાબ લાગે છે. વિશેષ બાબત એ છે કે એને બનાવવાનું અત્યંત આસાન છે. તો ચાલો જાણીએ કે શી રીતે બનાવશો હની ચિલી નૂડલ્સ?
શિયાળાની સાંજ પડતાવેંત ઘણા લોકોને કંઇક ગરમાગરમ ચટપટું ફૂડ ખાવાની તલબ જાગતી હોય છે! આ સંજોગોમાં ચાઇનીઝ વાનગીનું નામ પડતાવેંત જ આપણા મગજમાં સૌપ્રથમ બે જ રેસિપીનો વિચાર આવે….જેમાંથી એક છે ચાઇનીઝ નુડલ્સ અને બીજી છે ગોબી મંચુરિયન!
બાળકોના ફેવરિટ મંચુરિયન અને નુડલ્સ
નુડલ્સ બાળકોના તો ફેવરિટ હોય છે! ક્યાંક પણ ફરવા જઇએ તો બાળકો મોટા ભાગે પિત્ઝા, હાકા નુડલ્સ અને મંચુરિયન (Pizza, Hakka noodles, Manchurian)ની જ ફરમાઇશ કરતા હોય છે! આ વાનગીઓ ખાવામાં તો અત્યંત ટેસ્ટી હોય છે પરંતુ હૅલ્થ (Health) માટે એટલી સારી માનવામાં નથી આવતી! બજારમાં મળતા ચાઈનીઝમાં તેલ અને મસાલા ઉપરાંત, મોટા ભાગે આર્ટિફિશિયલ કલર પણ મિક્સ કરવામાં આવતો હોય છે!
પરંતુ જો તમને શિયાળાની આ ઠંડી મોસમ (Winter)માં રેસ્ટોરન્ટ જેવા સ્વાદિષ્ટ હની ચિલી નૂડલ્સ (Honey Chili Noodles) ખાવા હોય તો તમે એ ઘરે પણ આસાનીથી બનાવી શકો છો! આ માટે તમારે તાજા શાકભાજીની તથા અન્ય થોડી સામગ્રીની જરુર પડશે જેમાંથી એક છે ચાઇનીઝ વોક!
‘ચાઇનીઝ વોક’ શું છે?
ચીની રાંધણકળામાં વપરાતી એક ગોળાકાર કઢાઈને ‘ચાઇનીઝ વોક’ કહેવાય છે, જે મુખ્યત્વે તળવા, વરાળે બાફવા, સ્ટર ફ્રાય કરવા વગેરે માટે વપરાય છે. તેના પર ઝડપી કૂકિંગ કરવામાં આવે છે. ગરમીના સમાન વિતરણ માટે જાણીતી આ વોક તમારી પાસે હશે તો સોનામાં સુગંધ ભળશે! જો ન હોય તો પણ કોઇ આયર્ન કે એલ્યુમિનિયમની તળિયા વાળી તાવડી પણ ઉપયોગમાં લઇ શકો છો.
આ રીતે, ઘરે બનાવાયેલી ડિશ અંગે શુદ્ધતાની ખાતરી હોવાથી એને ખાઇને બાળકો (Kids) બીમાર પડશે એવું ટેન્શન પણ તમને નહિં થાય! રજાના દિવસે તમે આ રેસિપીને ઘરે બનાવીને નાના-મોટા સૌને ખુશ કરી શકો છો. તો ચાલો જાણીશું, ઘરે જ હની ચિલી નૂડલ્સ (Honey Chili Noodles) બનાવવાની સરળ રેસિપી (Chinese Recipe) વિશે…
શી રીતે બનાવશો હની ચિલી નૂડલ્સ? (Honey Chili Noodles Recipe)
હની ચિલી નૂડલ્સ (Honey Chili Noodles) બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

વેજ નુડલ્સ માટેની સામગ્રી
1 ડુંગળી
1 ગાજર
1 કેપ્સિકમ
અડધો કપ કોબીજ
અનાનસના ટુકડા
આદુ-લસણ-મરચાંની પેસ્ટ
6-8 લસણની કળીઓ
1 ઈંચ આદુ
2 લીલા મરચાં
200 ગ્રામ નુડલ્સ
તળવા માટે તેલ
ગ્રેવી માટે સામગ્રી
2 મોટા ચમચા તેલ
2 ચમચી લાલ મરચાંની ચટણી
1 મોટી ચમચી મધ
2 મોટી ચમચી કેચઅપ
2 મોટી ચમચી શેઝવાન સૉસ
1 ચમચી સોયા સૉસ
1 ચમચી વિનેગર
સ્વાદાનુસાર મીઠું
એક ચપટી સફેદ અથવા કાળા મરીનો પાવડર
1 મોટી ચમચી કોર્નફ્લોર
2-3 મોટી ચમચી પાણી

વેજ ક્રિસ્પી હની ચિલી નૂડલ્સ બનાવવાની વિધિ
1. સૌપ્રથમ ડુંગળી, ગાજર અને કેપ્સિકમને ઝીણા લાંબા સમારી લો. ત્યાર બાદ એક ચૉપરમાં લસણ, આદુ અને લીલા મરચાં ઉમેરીને એમને પણ કાપી લો.
2. હવે નૂડલ્સને તળી લો. એક ઊંડી કડાઈમાં તેલ ઉમેરો. તેલ ગરમ કરીને એમાં નૂડલ્સ નાખો. જ્યાં સુધી એનો રંગ સોનેરી ન થાય ત્યાં સુધી નૂડલ્સને ફાસ્ટ તાપે તળી લો.
3. હની ચિલી સૉસ બનાવવા માટે એક કડાઈમાં તેલ ઉમેરી એમાં સમારેલું આદુ, લસણ અને લીલા મરચાં ઉમેરીને ફાસ્ટ ફ્લેમ પર સાંતળો.
4. ત્યાર બાદ તમામ શાકભાજી ઉમેરીને ફાસ્ટ તાપે કેટલીક સેકન્ડ સુધી ટૉસ કરી લો. હવે એમાં રેડ ચિલી સૉસ, કેચ અપ, શેઝવાન સૉસ, લાઈટ સોયા સૉસ, વિનેગર, મીઠું અને સફેદ મરી કે કાળા મરીનો પાવડર ઉમેરીને સારી રીતે હલાવી લો. ગ્રેવી બનાવવા માટે એમાં પાણી ઉમેરો.
5. એક વાડકીમાં કૉર્નફ્લોર અને પાણી મિક્સ કરીને ઘોળ બનાવી લેવો. એને ગ્રેવીમાં નાખો અને સારી રીતે મિક્સ કરો જેથી ગ્રેવી ઘટ્ટ થઈ જાય. એમાં મધ મિક્સ કરીને સારી રીકે હલાવો તમારી ગ્રેવી તૈયાર છે. એમાં અનાનસના ટુકડા નાખી દો.
સર્વિંગ માટે એક પ્લેટમાં નૂડલ્સ મૂકો અને ઉપરથી હની ચિલી ગ્રેવી ઉમેરીને તરત સર્વ કરો. તો તૈયાર છે તમારા વેજ ક્રિસ્પી હની ચિલી નૂડલ્સ (Honey Chili Noodles)…જેને તમે સાંજના નાસ્તામાં કે પછી લાઈટ ડિનર તરીકે ખાઈ શકો છો.
આ પણ વાંચો: ચટપટું ચાઈનીઝ…સાંભળીને મોંમાં પાણી આવ્યું? સૌની પસંદ ગોબી મંચુરિયન…ઘરે જ બનાવો..!
આ પણ વાંચો : ક્રિસ્પી ગોબી ફ્રાય…એક વાર બનાવીને ખાઓ…પકોડાથી પણ ટેસ્ટી લાગશે!
આ પણ વાંચો: ચોમાસાની ભીની મોસમમાં ઘેરબેઠાં બનાવો મોંમાં પાણી લાવી દે તેવી 5 મસાલેદાર વાનગીઓ
