Gujarat News: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)એ ડિજિટલ ટિકિટ બુકિંગ (GSRTC Record Booking) ક્ષેત્રે નવો વિક્રમ સ્થાપ્યો છે. ભાઈબીજના દિવસે એટલે કે 11 નવેમ્બર, 2026ના રોજ રાજ્યમાં એક જ દિવસમાં ST બસની (Gujarat ST Bus) 1,46,875 સીટનું બુકિંગ નોંધાયું હતું. નિગમના ઇતિહાસમાં એક દિવસમાં થયેલું આ અત્યાર સુધીનું સૌથી વધુ બુકિંગ છે. ખાસ વાત એ છે કે કુલ બુકિંગમાંથી 99,402 સીટનું બુકિંગ માત્ર મોબાઇલ એપ્લિકેશન દ્વારા થયું હતું. આ આંકડા દર્શાવે છે કે મુસાફરોમાં ઓનલાઈન ટિકિટ બુકિંગનો ઉપયોગ સતત વધી રહ્યો છે.
GSRTC Record Booking: ડિજિટલ બુકિંગથી રૂ.3.55 કરોડની આવક
GSRTCના જણાવ્યા અનુસાર, ભાઈબીજના દિવસે ડિજિટલ ટિકિટ બુકિંગ (Bhaibij Bus Booking) દ્વારા કુલ રૂ.3.55 કરોડની આવક થઈ હતી. તેમાંથી મોબાઇલ એપ્લિકેશનના માધ્યમથી જ રૂ.2.27 કરોડની આવક નોંધાઈ હતી. જ્યારે 11 નવેમ્બરના રોજ નિગમની તમામ સેવાઓની કુલ આવક રૂ.13 કરોડથી વધુ રહી હતી.
નિગમના જણાવ્યા મુજબ, ડિજિટલ બુકિંગ અને આવકની દૃષ્ટિએ દેશનાં રાજ્ય પરિવહન નિગમોમાં ગુજરાત પ્રથમ સ્થાને રહ્યું છે. GSRTCએ સતત સાતમા વર્ષે આ સ્થાન જાળવી રાખ્યું હોવાનું જણાવાયું છે.
2019માં 74 હજાર સીટથી શરૂઆત, હવે આંકડો 1.46 લાખને પાર
GSRTCના ડિજિટલ બુકિંગના આંકડા પર નજર કરીએ તો વર્ષ 2019માં એક દિવસમાં 74,368 સીટનું બુકિંગ થયું હતું, જેના થકી રૂ.1.53 કરોડની આવક થઈ હતી. ત્યારબાદ વર્ષો દરમિયાન ડિજિટલ બુકિંગમાં સતત વધારો નોંધાયો છે. હવે ભાઈબીજના દિવસે આ આંકડો વધીને 1,46,875 સીટ સુધી પહોંચ્યો છે.
તહેવારમાં પણ ST કર્મચારીઓએ નિભાવી ફરજ
આ સિદ્ધિ બદલ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ GSRTCના ડ્રાઇવર, કંડક્ટર, મિકેનિક સહિત સમગ્ર સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે તહેવારના દિવસોમાં કર્મચારીઓએ પોતાના પરિવાર સાથે સમય વિતાવવાને બદલે મુસાફરોને સુરક્ષિત અને સમયસર તેમના ગંતવ્ય સ્થાને પહોંચાડવા માટે ફરજ બજાવી હતી. કર્મચારીઓની મહેનત અને નિષ્ઠાને કારણે જ નિગમ આ સિદ્ધિ હાંસલ (Gujarat ST Revenue) કરી શક્યું છે.
મુસાફરોને સરળ, પારદર્શક અને આધુનિક પરિવહન સુવિધા આપવા માટે GSRTC દ્વારા ડિજિટલ ટિકિટિંગને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ભાઈબીજના દિવસે થયેલું રેકોર્ડ બુકિંગ દર્શાવે છે કે હવે મોટી સંખ્યામાં મુસાફરો ટિકિટ કાઉન્ટર પર જવાને બદલે મોબાઇલ એપ અને ઓનલાઈન માધ્યમો દ્વારા ટિકિટ બુક કરવાનું પસંદ કરી રહ્યા છે.
આ પણ વાંચો: દિવાળીના તહેવારોમાં વતન જવા બસ સ્ટેશનો પર ભીડ, GSRTCએ દોડાવી 2400 એક્સ્ટ્રા બસો, 8000થી વધુ ટ્રીપનું સંચાલન
આ પણ વાંચો: Raksha Bandhan 2026: GSRTCની મોટી જાહેરાત, રક્ષાબંધન પર 6,500 એક્સ્ટ્રા બસ ટ્રીપ દોડાવાશે
આ પણ વાંચો: GSRTC મુસાફરોને મોટી રાહત : 15 દિવસના ભાડામાં 30 દિવસની મુસાફરી
