Sports News : ભારતીય ક્રિકેટ ટીમ માટે ન્યૂઝીલેન્ડ સામેની ચોથી વન-ડે (India vs New Zealand ODI)મેચ દુઃસ્વપ્ન સમાન સાબિત થઈ. માઉન્ટ મૌંગાનુઈમાં રમાયેલી મેચમાં ન્યૂઝીલેન્ડે ભારતને 244 રનના વિશાળ અંતરથી હરાવીને (India ODI Defeat) સિરીઝમાં 2-2થી બરાબરી કરી લીધી. આ સાથે જ ભારતીય ટીમે પોતાના 52 વર્ષના વન-ડે ઇતિહાસમાં બીજી સૌથી મોટી હારનો સામનો કર્યો છે. ભારત વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ વન-ડે (India vs New Zealand ODI) મુકાબલામાં ભારતીય બેટિંગ સંપૂર્ણપણે નિષ્ફળ રહી હતી.
પહેલી ઓવરમાં ભારતને ત્રણ મોટા ઝટકા
334 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત અત્યંત ખરાબ રહી. ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર મેટ હેનરી (Matt Henry)એ પહેલી જ ઓવરમાં ભારતના ત્રણ દિગ્ગજ બેટર્સને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. તેણે રોહિત શર્મા (Rohit Sharma), વિરાટ કોહલી (Virat Kohli) અને કેપ્ટન શ્રેયસ અય્યરને ખાતું ખોલાવ્યા વિના આઉટ કર્યા હતા.
ભારતીય વન-ડે ક્રિકેટના ઇતિહાસમાં પહેલી ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવવાની આ પ્રથમ ઘટના બની છે. શરૂઆતમાં જ ત્રણ મહત્વપૂર્ણ વિકેટ પડતાં ભારતીય ટીમ દબાણમાં આવી ગઈ હતી અને ત્યારબાદ કોઈ બેટર મોટી ભાગીદારી કરી શક્યો નહોતો.
માત્ર 89 રનમાં સમેટાઈ ભારતીય ટીમ
ન્યૂઝીલેન્ડના બોલર્સ સામે ભારતીય બેટિંગ લાઇનઅપ સંપૂર્ણપણે વેરવિખેર થઈ ગઈ હતી. ઈશાન કિશન, અક્ષર પટેલ અને નમન ધીર સિવાય કોઈ બેટર બે આંકડાનો સ્કોર પણ નોંધાવી શક્યો નહોતો.
નમન ધીરે 24 બોલમાં 21 રન બનાવીને થોડો સંઘર્ષ કર્યો હતો. તેણે મેથ્યુ ફિશરની ઓવરમાં સતત બે છગ્ગા પણ ફટકાર્યા હતા, પરંતુ ત્યારબાદ તે મિચેલ સેન્ટનરના હાથે કેચ આઉટ થયો હતો.
મેટ હેનરીએ કુલદીપ યાદવને બોલ્ડ કરીને પોતાની પાંચમી વિકેટ મેળવી હતી. ત્યારબાદ તેણે ગુરનૂર બરારને પણ બોલ્ડ કરીને ભારતીય ઇનિંગનો અંત લાવ્યો હતો. ભારતની આખી ટીમ 26.4 ઓવરમાં માત્ર 89 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. હેનરીને શાનદાર બોલિંગ બદલ પ્લેયર ઑફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
શ્રીલંકા સામેનો રેકોર્ડ બચ્યો, બીજી સૌથી મોટી હાર
ભારતીય ટીમની વન-ડે ક્રિકેટમાં સૌથી મોટી હારનો રેકોર્ડ હજુ પણ શ્રીલંકા સામે છે. વર્ષ 2000માં શારજાહ ખાતે રમાયેલી મેચમાં શ્રીલંકાએ ભારતને 245 રનથી હરાવ્યું હતું. હવે ન્યૂઝીલેન્ડ સામે 244 રનની હાર ભારતની વન-ડે ઇતિહાસની બીજી સૌથી મોટી હાર (India ODI Defeat)બની છે.
રસપ્રદ વાત એ છે કે વન-ડે ક્રિકેટમાં એક ઓવરમાં સૌથી વધુ ચાર વિકેટ ગુમાવવાનો રેકોર્ડ બાંગ્લાદેશના નામે છે. 2003ના વર્લ્ડ કપમાં શ્રીલંકાના બોલર ચામિન્ડા વાસે બાંગ્લાદેશની પહેલી જ ઓવરમાં ચાર વિકેટ ઝડપી હતી. તે સમયે બાંગ્લાદેશનો સ્કોર એક ઓવર બાદ 5 રન પર 4 વિકેટ હતો.
હવે નિર્ણાયક મેચ પર સૌની નજર
આ જીત સાથે ન્યૂઝીલેન્ડે ચાર મેચની ગણતરીમાં સિરીઝ 2-2થી બરાબર કરી દીધી છે. હવે બંને ટીમો વચ્ચેની છેલ્લી અને નિર્ણાયક વન-ડે મેચ રવિવારે આ જ મેદાન પર રમાશે. ભારતીય ટીમ માટે આ મેચમાં વાપસી કરવી મોટો પડકાર રહેશે.
વિલ યંગની પાંચમી વન-ડે સદી
ન્યૂઝીલેન્ડના ઓપનર વિલ યંગે ભારતીય બોલર્સ સામે ધીરજ અને આક્રમકતાનો સારો સમન્વય દર્શાવ્યો હતો. તેણે 88 બોલમાં પોતાની પાંચમી વન-ડે સદી પૂરી કરી હતી. યંગે કુલ 108 બોલમાં 125 રન બનાવ્યા હતા, જેમાં 14 ચોગ્ગા અને 4 છગ્ગાનો સમાવેશ થાય છે.
યંગે ફિન એલન સાથે મળીને ઇનિંગને મજબૂત બનાવી હતી. બંને વચ્ચે ચોથી વિકેટ માટે 65 બોલમાં 90 રનની ભાગીદારી થઈ હતી. એલને 30 બોલમાં 41 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગા સામેલ હતા.
રોહિતે એલનનો શાનદાર કેચ પકડ્યો
ફિન એલન અને વિલ યંગની વધતી ભાગીદારીનો અંત અક્ષર પટેલે લાવ્યો હતો. 31મી ઓવરમાં એલને શોર્ટ કવર તરફ શોટ રમ્યો હતો, પરંતુ રોહિત શર્માએ જમણી તરફ ડાઇવ લગાવીને મુશ્કેલ કેચ પકડી લીધો હતો. આ રીતે એલનની આક્રમક ઇનિંગનો અંત આવ્યો હતો.
આ પહેલાં એલને કુલદીપ યાદવની ઓવરમાં ચોગ્ગા અને ફ્રી હિટ પર છગ્ગો ફટકારીને ભારતીય ટીમ પર દબાણ વધાર્યું હતું. તેની આક્રમક બેટિંગ દરમિયાન એક શોટથી બોલનો આકાર પણ બગડ્યો હતો. ત્યારબાદ અમ્પાયરોએ નવો બોલ મેદાન પર મંગાવ્યો હતો.
યંગની સદી બાદ ન્યૂઝીલેન્ડની વિકેટો પડી
વિલ યંગની વિકેટ નમન ધીરે ઝડપી હતી. 37મી ઓવરના અંતિમ બોલ પર યંગે સ્લોગ સ્વીપ રમવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ડીપ મિડવિકેટ પર હાજર સબ્સ્ટિટ્યૂટ ફિલ્ડર કુમાર કુશાગ્રએ બે પ્રયાસમાં કેચ પકડી લીધો હતો. યંગ 125 રન બનાવીને આઉટ થયો હતો.
ત્યારબાદ ગુરનૂર બરારે માઈકલ બ્રેસવેલને પેવેલિયન મોકલ્યો હતો. નમન ધીરે ડીપ બેકવર્ડ સ્ક્વેર લેગ પર દોડીને તેનો કેચ પકડ્યો હતો. બ્રેસવેલ 15 રન બનાવી શક્યો હતો.
મિચેલ સેન્ટનરને પણ અર્શદીપ સિંહે આઉટ કર્યો હતો. ઈશાન કિશને વિકેટ પાછળ તેનો કેચ પકડી લીધો હતો. સેન્ટનરે 29 બોલમાં 24 રન બનાવ્યા હતા. જોકે, આ પહેલાં રોહિત શર્મા નમન ધીરની ઓવરમાં સેન્ટનરનો કેચ છોડીને બેઠો હતો.
અંતિમ ઓવરોમાં ભારતીય બોલર્સની વાપસી
આકિબ નબીએ ડીન ફૉક્સક્રૉફ્ટને આઉટ કરીને ન્યૂઝીલેન્ડને ત્રીજો ઝટકો આપ્યો હતો. ગુરનૂર બરારે ફાઇન લેગ પર તેનો કેચ પકડ્યો હતો. ત્યારબાદ આકિબે ક્રિશ્ચિયન ક્લાર્કને LBW આઉટ કર્યો હતો. રિવ્યુ લીધા બાદ પણ ક્લાર્કને પેવેલિયન પરત ફરવું પડ્યું હતું. તેણે 22 રન બનાવ્યા હતા.
મેટ હેનરી અને મેથ્યુ ફિશર અંતિમ ઓવરમાં રનઆઉટ થયા હતા. આકિબ નબીએ ફૉલોથ્રૂમાં બોલ પકડીને વિકેટકીપર તરફ સીધો થ્રો કર્યો હતો, જેના કારણે હેનરી રનઆઉટ થયો હતો. ત્યારબાદ વિરાટ કોહલીના થ્રો પર ઈશાન કિશને ફિશરને રનઆઉટ કર્યો હતો.
આ રીતે ન્યૂઝીલેન્ડની ટીમ 50 ઓવરમાં 333 રન બનાવીને ઓલઆઉટ થઈ હતી.
ભારતીય બેટિંગની શરૂઆતમાં જ ધરાશાયી થઈ ટોપ ઓર્ડર
334 રનના લક્ષ્યાંક સાથે મેદાનમાં ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી. મેટ હેનરીએ પહેલી જ ઓવરમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીને આઉટ કરીને ભારતને મોટો ઝટકો આપ્યો હતો. રોહિત પહેલા બોલે કેચ આઉટ થયો હતો, જ્યારે કોહલી ચાર બોલ રમીને શૂન્ય રને બોલ્ડ થયો હતો.
આ પછી શ્રેયસ અય્યર પણ ખાતું ખોલાવ્યા વિના પેવેલિયન પરત ફર્યો હતો. હેનરીએ તેની બીજી ઓવરમાં પણ ભારતીય બેટર્સને રન બનાવવાની તક આપી નહોતી. શરૂઆતની ત્રણ ઓવરમાં ભારતનો સ્કોર માત્ર 2 રન પર ત્રણ વિકેટ થઈ ગયો હતો.
જેમિસને ઋતુરાજને પણ આઉટ કર્યો
કાઇલ જેમિસને ઋતુરાજ ગાયકવાડને પાંચ રનના વ્યક્તિગત સ્કોરે આઉટ કર્યો હતો. તેના બેટની બહારની કિનારી લઈને ગયેલો બોલ બીજી સ્લિપમાં ગયો હતો, જ્યાં માઈકલ બ્રેસવેલે કેચ પકડી લીધો હતો. ભારતે 5.3 ઓવરમાં માત્ર 3 રનના સ્કોરે ચોથી વિકેટ ગુમાવી હતી.
પહેલી 10 ઓવરમાં ભારતીય ટીમ ચાર વિકેટના નુકસાન પર માત્ર 26 રન બનાવી શકી હતી. 2018 પછી વન-ડે ક્રિકેટમાં આ સમયગાળા દરમિયાન ભારતનો સંયુક્ત રીતે છઠ્ઠો સૌથી ઓછો સ્કોર હતો.
અક્ષર-ઈશાને ઇનિંગ સંભાળવાનો પ્રયાસ કર્યો
ટોપ ઓર્ડર નિષ્ફળ રહ્યા બાદ ઈશાન કિશન અને અક્ષર પટેલે ઇનિંગને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. બંને વચ્ચે પાંચમી વિકેટ માટે 70 બોલમાં 44 રનની ભાગીદારી થઈ હતી. અક્ષરે 36 બોલમાં 21 રન બનાવ્યા હતા, પરંતુ મેથ્યુ ફિશરે તેને સ્લિપમાં કેચ આઉટ કરાવ્યો હતો.
ત્યારબાદ મેટ હેનરીએ પોતાની બોલિંગથી ફરી એકવાર ભારતને ઝટકો આપ્યો હતો. તેણે 21મી ઓવરના પહેલા જ બોલ પર ઈશાન કિશનને બોલ્ડ કર્યો હતો. ઈશાન 53 બોલમાં 27 રન બનાવીને આઉટ થયો હતો. આ વિકેટ સાથે હેનરીએ પોતાની છ ઓવરમાં 16 રન આપીને ચાર વિકેટ મેળવી હતી.
