Gandhinagar News: ગાંધીનગર જિલ્લામાં એક જ સપ્તાહ દરમિયાન અપહરણની બે ફરિયાદો નોંધાઈ છે. કલોલ તાલુકાના છત્રાલમાંથી 26 વર્ષીય પરિણીતા અને તેના ત્રણ વર્ષના પુત્ર ગુમ (Kalol Kidnapping Case) થયા છે, જ્યારે અડાલજ વિસ્તારમાંથી 20 વર્ષીય યુવતી લાપતા થઈ છે. બંને કિસ્સામાં પરિવારજનોએ અજાણ્યા શખસો વિરુદ્ધ અપહરણની આશંકા વ્યક્ત કરતાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી ગુમ થયેલા લોકોની શોધખોળ શરૂ કરી છે.
Kalol Kidnapping Case: છત્રાલમાંથી 26 વર્ષીય પત્ની અને ત્રણ વર્ષનો પુત્ર ગુમ
પ્રથમ ઘટના કલોલ તાલુકાના છત્રાલ ગામે બની હતી. છત્રાલ GIDC ફેઝ-4માં આવેલી મીનાક્ષી ટેક્સટાઇલ્સ કંપનીમાં નોકરી કરતા અને મૂળ નેપાળના વતની 30 વર્ષીય અર્જુન થાપા 7 નવેમ્બરની રાત્રે નોકરી પર ગયા હતા. બીજા દિવસે સવારે ઘરે પરત ફર્યા ત્યારે મકાનને બહારથી તાળું મારેલું હતું. તપાસ કરતાં તેમની 26 વર્ષીય પત્ની સુસ્મા ઉર્ફે લક્ષ્મી અને ત્રણ વર્ષનો પુત્ર પ્રેમરાજ ઘરે મળી આવ્યા નહોતા.
અજાણ્યા નંબર પર વાત કરનાર શખસ પર શંકા
અર્જુને ઘરમાં તપાસ કરી હતી, પરંતુ પત્ની અને પુત્રનો કોઈ પત્તો લાગ્યો નહોતો. પત્નીનો મોબાઇલ ફોન પણ સતત બંધ આવતો હતો. ફરિયાદ મુજબ, આ ઘટનાના છ દિવસ પહેલાં અર્જુને પત્નીને કોઈ અજાણ્યા નંબર પર વાત કરતાં જોઈ હતી અને તેને ઠપકો આપ્યો હતો.
ત્યારબાદ સગાં-સંબંધીઓ તેમજ નેપાળમાં પણ શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ બંનેની કોઈ ભાળ મળી નહોતી. આથી અગાઉ પત્ની સાથે વાત કરતો અજાણ્યો શખસ માતા-પુત્રને લઈ ગયો હોવાની શંકા વ્યક્ત કરીને અર્જુને કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
અડાલજમાં રાત્રે પરિવાર સાથે સૂતેલી યુવતી લાપતા
અપહરણની બીજી ઘટના અડાલજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા એન.કે. ઈંટોના ભઠ્ઠા પરથી સામે આવી છે. મૂળ રાજસ્થાનના નાગોર જિલ્લાનો અને હાલ આ વિસ્તારમાં રહી ટ્રક ડ્રાઇવિંગ કરતા લક્ષ્મણરામ મેઘવાલની 20 વર્ષીય ભાણી નિરમાદેવી 9 નવેમ્બરની રાત્રે પરિવાર સાથે સૂતી હતી.
રાત્રે આશરે 11 વાગ્યાના અરસામાં પરિવારજનોએ જોયું ત્યારે યુવતી ખાટલા પર હાજર નહોતી. ત્યારબાદ પરિવારજનોએ આસપાસના વિસ્તારમાં તેની શોધખોળ (Adalaj Missing Girl) શરૂ કરી હતી.
કપડાં, દસ્તાવેજો અને કાકીનો મોબાઇલ પણ સાથે લઈ ગઈ
પરિવારજનોના જણાવ્યા મુજબ, તપાસ દરમિયાન યુવતી પોતાનાં કપડાં, જરૂરી દસ્તાવેજો અને કાકીનો મોબાઇલ ફોન પણ સાથે લઈ ગઈ હોવાનું જાણવા મળ્યું હતું. પરિવાર દ્વારા સતત ચાર દિવસ સુધી આસપાસના વિસ્તારો અને સગાં-સંબંધીઓમાં શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ યુવતીનો કોઈ પત્તો લાગ્યો નહોતો.
આખરે પરિવારે કોઈ અજાણ્યા શખસ વિરુદ્ધ અપહરણની આશંકા સાથે અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બંને ઘટનાઓમાં તપાસ હાથ ધરી છે અને ગુમ થયેલા લોકોની ભાળ મેળવવા પ્રયાસો (Police Investigation) શરૂ કર્યા છે.
આ પણ વાંચો: છોટાઉદેપુરમાં બાળકીના અપહરણ અને બળાત્કારના કેસનો આરોપી અમદાવાદમાંથી ઝડપાયો
આ પણ વાંચો: અમદાવાદમાં ₹34.15 લાખની લૂંટ અને અપહરણ કેસમાં મુખ્ય સૂત્રધાર ઝડપાયો
આ પણ વાંચો: ફ્રી ફાયર ગેમના સંપર્કથી સગીરાનું અપહરણ, આસામમાંથી આરોપી ઝડપાયો
