Ahmedabad News/ અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં હવે AI કરશે કર્મચારીઓનું સંચાલન, ₹7 કરોડના ખર્ચે બનશે નવી સિસ્ટમ

AMC AI System: અમદાવાદ મ્યુનિસિપાલિટી ₹7 કરોડના ખર્ચે AI આધારિત એમ્પ્લોયી મેનેજમેન્ટ સિસ્ટમ વિકસાવવાની તૈયારીમાં છે. આ સિસ્ટમથી કર્મચારીઓને કામ સોંપવા અને તેમની કામગીરીનું મૂલ્યાંકન કરવામાં મદદ મળશે.

Top Stories Ahmedabad Gujarat
AMC AI System: અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં AIનો મોટો પ્રયોગ, ₹7 કરોડમાં 50 હજાર કર્મચારીઓનું સંચાલન

Ahmedabad News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) હવે કર્મચારીઓના સંચાલન માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત નવી સિસ્ટમ (AMC AI System) વિકસાવવાની તૈયારી કરી રહ્યું છે. આશરે ₹7 કરોડના ખર્ચે તૈયાર થનારી આ એમ્પ્લોયી મેનેજમેન્ટ સિસ્ટમ દ્વારા કર્મચારીઓને કામ સોંપવાથી લઈને તેમની કામગીરીનું મૂલ્યાંકન કરવા સુધીની પ્રક્રિયામાં AIની મદદ લેવામાં આવશે.

હાલ AMCમાં કાયમી અને કોન્ટ્રાક્ટ પર અંદાજે 18થી 20 હજાર કર્મચારીઓ કાર્યરત છે. તેમની હાજરી, કામગીરી, નિયમિતતા અને સિનિયોરિટી જેવા મુદ્દાઓનું સંચાલન કરવા માટે હાલમાં ઓનલાઈન સિસ્ટમનો ઉપયોગ થાય છે. નવી વ્યવસ્થાનો હેતુ કર્મચારીઓની કામગીરીનું વધુ વ્યવસ્થિત અને ડિજિટલ સંચાલન કરવાનો છે.

AMC AI System: AIની મદદથી કર્મચારીઓને સોંપાશે કામ

નવી સિસ્ટમમાં કયા કર્મચારીને કઈ કામગીરી સોંપવી તે નક્કી કરવામાં AI સૂચનો આપશે. કર્મચારીઓની ક્ષમતા અને કામના ભારણને ધ્યાનમાં રાખીને પ્રોજેક્ટ કે નવી જવાબદારી સોંપવામાં મદદ મળશે. આ ઉપરાંત, કામગીરીના મૂલ્યાંકનના આધારે બઢતી અને તાલીમ અંગે પણ AI સૂચનો આપશે.

ભવિષ્યમાં આ સિસ્ટમ 50 હજાર કર્મચારીઓનું સંચાલન કરી શકે તેવી ક્ષમતા સાથે વિકસાવવાનું આયોજન છે. તેમાં 30 હજાર કાયમી અને 20 હજાર આઉટસોર્સ કર્મચારીઓનો સમાવેશ થઈ શકે છે.

નવી સિસ્ટમમાં ચાર મુખ્ય વ્યવસ્થા

કર્મચારી પ્રોફાઇલિંગ: કર્મચારીઓના હોદ્દા, નિમણૂક, કામગીરી, બઢતી અને નિવૃત્તિ સુધીની વિગતો એક જ જગ્યાએ ઉપલબ્ધ રહેશે.

ઈ-સર્વિસ બુક: કર્મચારીઓના અત્યાર સુધીના દસ્તાવેજોનું ડિજિટાઇઝેશન કરીને ઈ-સર્વિસ બુક તૈયાર કરાશે.

ટાસ્ક મેનેજમેન્ટ: કર્મચારીઓની ક્ષમતા અને કામના ભારણ પ્રમાણે કામગીરી સોંપવામાં AIની મદદ લેવાશે.

કામગીરીનું મૂલ્યાંકન: કી પર્ફોર્મન્સ ઇન્ડિકેટર (KPI)ના આધારે કર્મચારીઓની કામગીરીનું મૂલ્યાંકન કરીને બઢતી અને તાલીમ અંગે સૂચનો અપાશે.

અગાઉની AI સિસ્ટમોની અમલવારી સામે પણ સવાલ

AMC દ્વારા અગાઉ માર્ચ મહિનામાં ફરિયાદ નિવારણ પોર્ટલ (CCRS)ને AI સાથે જોડવાની યોજના જાહેર કરવામાં આવી હતી. આ વ્યવસ્થા દ્વારા નાગરિકોની ફરિયાદો અને અધિકારીઓની કામગીરી પર નજર રાખવાનો દાવો કરાયો હતો.

આ ઉપરાંત, AI આધારિત રોડ મેનેજમેન્ટ સિસ્ટમની પણ વાત કરવામાં આવી હતી. જેમાં રસ્તાના ખાડા, ભૂવા કે તૂટેલી ફૂટપાથના ફોટા અપલોડ થતાં AI વિસ્તાર, વોર્ડ અને ઝોન ઓળખીને સંબંધિત અધિકારી સુધી ફરિયાદ પહોંચાડશે તેવી યોજના હતી.

જોકે, આ બંને વ્યવસ્થાની અત્યાર સુધી કેટલી અમલવારી થઈ છે અને તેના કેવા પરિણામો મળ્યા છે તે અંગે સ્પષ્ટ મૂલ્યાંકન સામે આવ્યું નથી. હવે ₹7 કરોડની નવી કર્મચારી વ્યવસ્થાપન સિસ્ટમ ખરેખર કેટલી અસરકારક સાબિત થાય છે તેના પર પણ નજર રહેશે.


આ પણ વાંચો: ગાંધીનગરમાં પોલીસ વગર AI કરશે ટ્રાફિકનું સંચાલન, જાણો કેવી રીતે કામ કરશે આ સિસ્ટમ?

આ પણ વાંચો: મચ્છરોના અડ્ડા શોધશે AI ડ્રોન, મહેસાણાના યુવાનોની ટેકનોલોજીથી 2 મહિનામાં મળ્યાં 3,500 બ્રિડિંગ સ્પોટ

આ પણ વાંચો: માત્ર 9 વર્ષની ઉંમરે કમાલ! હિંમતનગરનો મંત્ર પટેલ બનાવે છે રોબોટ અને એપ, AI-કોડિંગમાં બતાવી રહ્યો છે દમ