Ahmedabad News/ ચામડીની નીચે મૂકતા જ ડાયાબિટીસના દર્દીનું સુગર કંટ્રોલ કરતું ડિવાઇસ, ઉંદરો પર સંશોધન સફળ; માનવ પરીક્ષણ બાકી

ECHO Diabetes Device: ચામડીની નીચે મૂકતા જ ECHO ઇમ્પ્લાન્ટ શરીરમાં ગ્લુકોઝને ગ્લાયકોનેટમાં રૂપાંતરિત કરીને સુગર નિયંત્રણમાં મદદ કરી શકે છે. હાલ ઉંદરો પર સંશોધન થયું છે, જ્યારે માનવ પરીક્ષણ હજુ બાકી છે.

Top Stories Ahmedabad Gujarat
ECHO Diabetes Device: 6 અઠવાડિયાંના સંશોધનમાં ઉંદરો પર સફળ પ્રયોગ, ડાયાબિટીસની સારવારમાં BIG BREAKTHROUGH

Diabetes Treatment: 14 નવેમ્બરના રોજ વિશ્વભરમાં વર્લ્ડ ડાયાબિટીસ (ECHO Diabetes Device) ડે ઉજવવામાં આવે છે. આ વર્ષની થીમ ‘અર્લી એક્શન ઓન ડાયાબિટીસ’ રાખવામાં આવી છે. આ થીમ દ્વારા ડાયાબિટીસનું વહેલું સ્ક્રીનિંગ, સમયસર નિદાન અને યોગ્ય સારવાર પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. જીવનશૈલીમાં આવેલા ફેરફારોને કારણે ગુજરાત સહિત ભારતમાં ડાયાબિટીસના કેસમાં વધારો થઈ રહ્યો છે.

હાલ ડાયાબિટીસની સારવાર માટે ઇન્સ્યુલિન અને વિવિધ દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે. જોકે, સ્વિટ્ઝર્લેન્ડમાં ECHO (ઇલેક્ટ્રોકેટાલિટિક ક્લોઝ લૂપ હેલ્થ ઓપ્ટિમાઇઝેશન) ટેક્નોલોજી પર સંશોધન ચાલી રહ્યું છે. આ ટેક્નોલોજીમાં ચામડીની નીચે નાની ચિપ જેવું ઇમ્પ્લાન્ટ મૂકીને બ્લડ સુગર નિયંત્રિત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. જો આ ટેક્નોલોજી માનવીઓમાં પણ સફળ સાબિત થાય તો ભવિષ્યમાં ડાયાબિટીસની દવાઓ અને ઇન્સ્યુલિનની જરૂરિયાત ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે.

ECHO Diabetes Device: ચામડી નીચે ઇમ્પ્લાન્ટ મૂકીને સુગર કંટ્રોલ કરવાની ટેક્નોલોજી

સ્ટર્લિંગ હોસ્પિટલ, અમદાવાદના ઇન્ટરનલ મેડિસિન અને જિરિયાટ્રિક્સ વિભાગના ડિરેક્ટર ડૉ. યોગેશ ગુપ્તાના જણાવ્યા અનુસાર, સ્વિટ્ઝર્લેન્ડના ઝ્યુરિચમાં સંશોધન હેઠળ રહેલી આ ટેક્નોલોજીમાં ચામડીની નીચે નાનું ઇમ્પ્લાન્ટ મૂકવામાં આવે (Blood Sugar Control) છે. તેમાં સોના અને પ્લેટિનમ જેવી ધાતુઓની ઇલેક્ટ્રિકલી ચાર્જ્ડ સપાટીનો ઉપયોગ થાય છે.

ઇમ્પ્લાન્ટ સક્રિય થતાં શરીરમાં રહેલા ગ્લુકોઝને ગ્લાયકોનેટમાં રૂપાંતરિત કરવાની પ્રક્રિયા થાય છે. ગ્લાયકોનેટનો અમુક હિસ્સો શરીર ઊર્જા માટે ઉપયોગમાં લઈ શકે છે, જ્યારે બાકીનો હિસ્સો કિડની દ્વારા બહાર નીકળી શકે છે.

ઉંદરો પર છ અઠવાડિયાં સુધી સંશોધન કરાયું

ડૉ. યોગેશ ગુપ્તાના જણાવ્યા અનુસાર, આ ટેક્નોલોજીનું હાલ ઉંદરો પર સંશોધન કરવામાં આવ્યું છે. છ અઠવાડિયાના અભ્યાસ દરમિયાન બ્લડ સુગર વધે ત્યારે ઇમ્પ્લાન્ટને સક્રિય કરીને ગ્લુકોઝને ગ્લાયકોનેટમાં રૂપાંતરિત કરવામાં આવ્યું હતું. સંશોધનમાં જાણવા મળ્યું હતું કે ગ્લાયકોનેટનો આશરે પાંચમો ભાગ ઊર્જા તરીકે ઉપયોગમાં લેવાયો હતો, જ્યારે બાકીનો ભાગ કિડની મારફતે બહાર નીકળી ગયો હતો.

પ્રાથમિક સંશોધનમાં ટ્રાયગ્લિસરાઇડ અને શરીરના વજનમાં ઘટાડા જેવા સંભવિત ફાયદા પણ સામે આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે, આ ટેક્નોલોજીનું હજુ સુધી માનવીઓ પર પરીક્ષણ થયું નથી. તેથી માનવ શરીરમાં તે કેટલી અસરકારક અને સુરક્ષિત રહેશે તે અંગે અત્યારે કોઈ નિશ્ચિત તારણ કાઢી શકાય તેમ નથી.

ડાયાબિટીસનાં લક્ષણો ઓળખવાં જરૂરી

ડાયાબિટીસમાં વારંવાર તરસ લાગવી, વધુ ભૂખ લાગવી, વારંવાર પેશાબ થવો અને સતત થાક કે નબળાઈ અનુભવવી જેવા લક્ષણો જોવા મળી શકે છે. આ ઉપરાંત ધૂંધળું દેખાવું, ત્વચા પર ફોલ્લીઓ થવી અને અચાનક વજન ઘટવું પણ ડાયાબિટીસના સંભવિત સંકેતો છે. આવા લક્ષણો જણાય તો તબીબી સલાહ લેવી જરૂરી છે.

ડાયાબિટીસ થવાનાં કારણો અને જોખમી પરિબળો

અનિયમિત જીવનશૈલી, અયોગ્ય આહાર, બેઠાડુ જીવન અને મોટાપો ડાયાબિટીસના જોખમ સાથે સંકળાયેલા છે. માનસિક તણાવ, હાઈ બ્લડપ્રેશર, ઊંઘની અનિયમિતતા, હોર્મોન્સમાં ફેરફાર અને વિટામિન-Dની ઉણપ પણ આરોગ્ય પર અસર કરી શકે છે. જોકે, દરેક વ્યક્તિમાં ડાયાબિટીસ થવાનું કારણ અલગ હોઈ શકે છે.

ડાયાબિટીસથી બચવા આહારનું ધ્યાન રાખવું જરૂરી

ડાયાબિટીસ ધરાવતા લોકોએ ફુલ ક્રીમ દૂધ, ચીઝ, બટર, કૂકીઝ, આઈસ્ક્રીમ અને મીઠાઈઓનું સેવન મર્યાદિત રાખવું જોઈએ. પેકેજ્ડ જ્યુસ, સોડા, એનર્જી ડ્રિંક્સ, સફેદ બ્રેડ, ખાંડ, મધ, ચિપ્સ, પ્રોસેસ્ડ ફૂડ અને દારૂથી પણ સાવચેતી રાખવી જરૂરી છે. વ્યક્તિની સ્થિતિ પ્રમાણે યોગ્ય આહાર માટે ડૉક્ટર અથવા ડાયટિશિયનની સલાહ લેવી જોઈએ.

ટાઈપ-1 અને ટાઈપ-2 ડાયાબિટીસની સારવાર અલગ

અમદાવાદની રિલાયન્સ હોસ્પિટલના ડાયાબિટોલોજિસ્ટ ડૉ. વિપુલ ચાવડાના જણાવ્યા અનુસાર, ટાઈપ-1 ડાયાબિટીસ (Type 1 Diabetes)માં શરીરમાં ઇન્સ્યુલિનની અછત હોવાથી ઇન્સ્યુલિન આપવું જરૂરી બને છે. જ્યારે ટાઈપ-2 ડાયાબિટીસ મોટાપા અને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ સાથે સંકળાયેલો છે.

ટાઈપ-2 ડાયાબિટીસ (Type 2 Diabetes)ના કિસ્સામાં યોગ્ય સારવાર, વજન નિયંત્રણ અને જીવનશૈલીમાં ફેરફાર દ્વારા બ્લડ સુગરને નિયંત્રણમાં લાવી શકાય છે. કેટલાક કિસ્સામાં ડાયાબિટીસ રિમિશન સુધી પણ પહોંચી શકાય છે. ખાસ કરીને બાળકોમાં મોટાપાને વહેલી તકે ઓળખીને સારવાર શરૂ કરવી જરૂરી છે.

દવાઓ જેટલું જ જીવનશૈલીમાં પરિવર્તન જરૂરી

ડાયાબિટોલોજિસ્ટ ડૉ. ધ્રુવી હસનાનીએ જણાવ્યું હતું કે પ્રી-ડાયાબિટીસ અને મોટાપો ધરાવતા લોકોમાં સમયસર હસ્તક્ષેપ કરવામાં આવે તો ટાઈપ-2 ડાયાબિટીસનું જોખમ ઘટાડી શકાય છે. તેમના જણાવ્યા અનુસાર, મેટફોર્મિન અને GLP-1 રિસેપ્ટર એગોનિસ્ટ જેવી દવાઓનો ઉપયોગ યોગ્ય દર્દીઓમાં તબીબી માર્ગદર્શન હેઠળ કરવામાં આવે તો ડાયાબિટીસ તરફ વધતી સ્થિતિને અટકાવવામાં મદદ મળી શકે છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે દવાઓની સાથે નિયમિત કસરત, યોગ્ય આહાર અને વજન નિયંત્રણ પણ એટલાં જ મહત્ત્વપૂર્ણ છે. ડાયાબિટીસની સારવારમાં હવે પ્રિસિઝન મેડિસિન અને ડિજિટલ ટેક્નોલોજીનું મહત્ત્વ વધી રહ્યું છે. દર્દીની શારીરિક સ્થિતિ, ડાયાબિટીસનો પ્રકાર અને જોખમી પરિબળોના આધારે વ્યક્તિગત સારવાર શક્ય બની રહી છે.

નિયમિત તપાસથી ડાયાબિટીસનું વહેલું નિદાન શક્ય

પરિવારમાં માતા-પિતાને ટાઈપ-2 ડાયાબિટીસ હોવો, મોટાપો, બેઠાડુ જીવન અને કમરનો વધુ ઘેરાવો ડાયાબિટીસનું જોખમ વધારી શકે છે. તેથી સમયાંતરે RBS અને HbA1c જેવી તપાસ કરાવી વહેલું નિદાન કરાવવું જરૂરી છે.

તબીબી નિષ્ણાતોના મતે, ડાયાબિટીસનું જોખમ માત્ર પુખ્ત વયના લોકો પૂરતું મર્યાદિત નથી. બાળકો અને ટીનએજર્સમાં પણ મોટાપો તથા અન્ય જોખમી પરિબળોને સમયસર ઓળખીને યોગ્ય પગલાં લેવા જરૂરી છે. ECHO જેવી નવી ટેક્નોલોજી ભવિષ્યમાં ડાયાબિટીસની સારવારમાં નવી શક્યતાઓ ઊભી કરી શકે છે, પરંતુ માનવ પરીક્ષણ અને વધુ સંશોધન બાદ જ તેની અસરકારકતા સ્પષ્ટ થશે.


આ પણ વાંચો: ડાયાબિટીસના દર્દીમાં હાર્ટ એટૅકનું જોખમ…બ્લડ શુગર વધે તો મળશે સંકેત…થઇ જવું સાવધાન!

આ પણ વાંચો: વારસાગત ડાયાબિટીસથી કેવી રીતે બચવું? જાણો કયા કારણોથી વધે છે જોખમ અને બચવાના ઉપાયો?

આ પણ વાંચો: ચોમાસામાં જાંબુનું સેવન ડાયાબિટીસમાં આપે છે સંજીવની સમાન રાહત: જાણો નિષ્ણાતોનો અભિપ્રાય