International News: બાંગ્લાદેશનાં ભૂતપૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાના સ્વદેશ પરત ફરવાના (Sheikh Hasina Return) મુદ્દે ભારતે બે શરતો મૂકી હોવાનો અહેવાલ સામે આવ્યો છે. અહેવાલ મુજબ, ભારત ઇચ્છે છે કે બાંગ્લાદેશની સેના તેમને સુરક્ષિત રીતે પોતાના દેશમાં પરત લઈ જાય. સાથે જ તેમને મૃત્યુદંડના ચુકાદા સામે અપીલ કરવાની અને કોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કરવાની ન્યાયી તક આપવામાં આવે. જોકે, ભારત સરકારે આ શરતો અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.
અહેવાલ મુજબ, ભારત છેલ્લા કેટલાક મહિનાઓથી બાંગ્લાદેશ સરકાર (India Bangladesh Relations) સાથે હસીનાના પરત ફરવા અંગે વાતચીત કરી રહ્યું છે. હસીનાએ ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. જોકે, તેમના સ્વદેશવાપસીનો માર્ગ રાજકીય અને કાનૂની પડકારોથી ભરેલો હોવાનું માનવામાં આવે છે.
Sheikh Hasina Return: પહેલી શરત: બાંગ્લાદેશની સેના તેમને સુરક્ષિત રીતે લઈ જાય
શેખ હસીના 5 ઓગસ્ટ, 2024ના રોજ લશ્કરી વિમાન દ્વારા ભારત પહોંચ્યાં હતાં. હવે ભારત ઇચ્છે છે કે તેમની વાપસીની પ્રક્રિયામાં પણ બાંગ્લાદેશની સેના સીધી જવાબદારી સંભાળે. આ માટે બાંગ્લાદેશ દિલ્હી ખાતે લશ્કરી વિમાન મોકલી શકે છે અથવા સરહદ સુધી તેમને પહોંચાડવા માટે પોતાની સેનાની મદદ લઈ શકે છે. અહેવાલ મુજબ, ભારત આ પ્રક્રિયા માટે જરૂરી વ્યવસ્થા કરવા તૈયાર છે.
નિષ્ણાતોના મતે, આ શરત પાછળ સુરક્ષા અને જવાબદારીનાં બે કારણો હોઈ શકે છે. ભારત ઇચ્છે છે કે હસીનાને સુરક્ષિત રીતે બાંગ્લાદેશ પહોંચાડવામાં આવે અને વાપસી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને. સાથે જ, સામાન્ય સરકારી કે પોલીસ પ્રક્રિયાને બદલે સેનાને તેમની સુરક્ષિત વાપસીની સીધી જવાબદારી સોંપવામાં આવે.
બીજી શરત: મૃત્યુદંડ સામે અપીલ કરવાની તક મળે
બાંગ્લાદેશની એક અદાલતે શેખ હસીનાને મૃત્યુદંડની સજા ફટકારી છે. ભારતની બીજી શરત હોવાનું કહેવાય છે કે તેમને આ ચુકાદા સામે અપીલ કરવાની અને જુલાઈ 2024ની હિંસા સંબંધિત આરોપો અંગે નવી સુનાવણી દરમિયાન પોતાનો પક્ષ રજૂ કરવાની તક મળવી જોઈએ. ભારતના વિદેશ મંત્રાલયના એક અધિકારીને ટાંકીને જણાવ્યું છે કે ભારત હસીનાને ન્યાયી સુનાવણીની તક આપ્યા વિના ફાંસી આપવામાં આવે તેવું ઇચ્છતું (Death Penalty Appeal) નથી. અહેવાલ મુજબ, ભારત સમગ્ર કાનૂની પ્રક્રિયાનું આંતરરાષ્ટ્રીય સમુદાય અને વિશ્વ મીડિયાની હાજરીમાં નિરીક્ષણ થાય તેવું પણ ઇચ્છે છે.
હસીનાએ નવા પાસપોર્ટ અને મુસાફરી દસ્તાવેજો માટે અરજી કરી
શેખ હસીનાએ 9 નવેમ્બરે નવા પાસપોર્ટ અને મુસાફરી દસ્તાવેજો માટે અરજી કરી હતી. ભારત આવ્યા બાદ બાંગ્લાદેશ સરકાર સાથેનો આ તેમનો પ્રથમ સત્તાવાર સંપર્ક હોવાનું જણાવાયું છે. જોકે, ઢાકાનું કહેવું છે કે જો હસીના ખરેખર પોતાના દેશમાં પાછા ફરવા ઇચ્છે છે, તો તેમણે ભારત સરકારનો સંપર્ક કરવો જોઈએ. બંને દેશો વચ્ચેની પ્રત્યાર્પણ સંધિ હેઠળ તેમની વાપસીની પ્રક્રિયા શરૂ થઈ શકે છે.
અહેવાલ મુજબ, હસીનાએ ડિસેમ્બરમાં ભારત સાથે તેમની વાપસી અંગે કોઈ કરાર થયા બાદ જ સ્વદેશ પરત ફરવાની જાહેરાત કરી હતી.
ભારતીય હાઈ કમિશનર અને બાંગ્લાદેશના આર્મી ચીફ વચ્ચે બેઠક
અહેવાલો અનુસાર, બાંગ્લાદેશમાં ભારતના હાઈ કમિશનર દિનેશ ત્રિવેદીએ 6 ઓક્ટોબરે દિલ્હીમાં આર્મી ચીફ જનરલ ધીરજ સેઠ સાથે મુલાકાત કરી હતી. ભારતીય સેનાએ આ બેઠક અંગે જણાવ્યું હતું કે બંને વચ્ચે ભારત-બાંગ્લાદેશ સહયોગ અને સંરક્ષણ સંબંધોને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા થઈ હતી. એક ભારતીય લશ્કરી અધિકારીને ટાંકીને દાવો કર્યો હતો કે આ બેઠકમાં હસીનાની વાપસીમાં (Sheikh Hasina Extradition) બાંગ્લાદેશની સેનાની ભૂમિકા અંગે પણ ચર્ચા થઈ હતી. ભારતે આ અહેવાલ પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.
13 નવેમ્બરે ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલને હસીનાની વાપસી અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો. તેમને પૂછાયું હતું કે શું ભારતે બાંગ્લાદેશને લશ્કરી વિમાન મોકલવા અને હસીનાને ન્યાયી સુનાવણીની ખાતરી આપવા જણાવ્યું છે? તેના જવાબમાં જયસ્વાલે કહ્યું હતું કે, “મારે આ અંગે કંઈ કહેવાનું નથી.”
ડિસેમ્બરમાં હસીનાની વાપસી મુશ્કેલ હોવાની શક્યતા
દરમિયાન, બાંગ્લાદેશના વડાપ્રધાનના સહાયક પ્રેસ સચિવ કેએમ નઝમુલ હકે ફેસબુક પોસ્ટમાં દાવો કર્યો હતો કે કોઈ દેશ શેખ હસીનાને આશ્રય આપવા તૈયાર નથી. તેમણે બ્રિટન, UAE, સાઉદી અરેબિયા, ફિનલેન્ડ અને અમેરિકાનો ઉલ્લેખ કર્યો હતો.
અહેવાલ મુજબ, ભારતીય અધિકારીઓ પણ ડિસેમ્બરમાં હસીનાની વાપસી સરળ નહીં હોવાનું માને છે. તેમના મતે, બાંગ્લાદેશ સરકાર જાહેરમાં હસીનાના પ્રત્યાર્પણની માગ કરી રહી છે, પરંતુ તેમની વાપસીથી દેશની રાજકીય અને વહીવટી મુશ્કેલીઓ વધી શકે છે.
અહેવાલમાં એક ભારતીય અધિકારીને ટાંકીને જણાવાયું છે કે જો હસીના સમયસર પરત ફરવામાં નિષ્ફળ જાય, તો ભારત કહી શકે છે કે તેમણે પોતે સ્વદેશ પરત ફરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ બાંગ્લાદેશને આ પ્રક્રિયામાં અનેક અવરોધોનો સામનો કરવો પડ્યો હતો. હાલમાં શેખ હસીનાની વાપસી માટે ભારતે ખરેખર આ બે શરતો મૂકી છે કે નહીં અને બંને દેશો વચ્ચે આ મુદ્દે શું વાતચીત ચાલી રહી છે તેની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
આ પણ વાંચો: શેખ હસીનાની ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરવાની જાહેરાત; તારિક રહેમાનના કેમ્પે ફેંક્યો પડકાર
આ પણ વાંચો: શેખ હસીનાનું ભાવુક સંબોધન: ‘આ એ બાંગ્લાદેશ નથી જેના માટે 30 લાખ લોકોએ બલિદાન આપ્યું’
આ પણ વાંચો: ‘આ વર્ષના અંત સુધી બાંગ્લાદેશ પરત ફરીશ : શેખ હસીના
