Ahmedabad Flower Show 2026 : અમદાવાદ શહેરના સાબરમતી રિવરફ્રન્ટ પર રજાયેલી ફૂલોની દુનિયા એટલે કે ‘અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો’ને મળી રહેલા અભૂતપૂર્વ પ્રતિસાદને જોતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરીજનોના ઉત્સાહને ધ્યાનમાં રાખીને ફ્લાવર શોની મુદત હવે 7 દિવસ વધારી દેવામાં આવી છે.

હવે 29 જાન્યુઆરી સુધી ખુલ્લો રહેશે ફ્લાવર શો
પહેલા આ ફ્લાવર શો (Flower Show) ટૂંક સમયમાં પૂર્ણ થવાનો હતો, પરંતુ હવે નવી જાહેરાત મુજબ લોકો 29 જાન્યુઆરી, 2026 સુધી આ ભવ્ય શોની મુલાકાત લઈ શકશે. એટલું જ નહીં, નોકરી-ધંધા કે અભ્યાસમાં વ્યસ્ત રહેતા લોકો માટે મુલાકાતનો સમય પણ વધારી દેવામાં આવ્યો છે.

Flower Showના સમયમાં ફેરફાર
16 જાન્યુઆરીથી અમલમાં આવેલા નવા નિયમ મુજબ, મુલાકાતીઓ હવે રાત્રે 10:00 વાગ્યા સુધી ફ્લાવર શો નિહાળી શકશે. જોકે, ટિકિટ વિન્ડો રાત્રે 9:00 વાગ્યા સુધી જ ખુલ્લી રહેશે. અગાઉ આ સમય રાત્રે 9:00 વાગ્યા સુધીનો જ હતો, જે હવે 1 કલાક વધારવામાં આવ્યો છે.
VIP ટિકિટ અને પ્રાઇમ સ્લોટના નિયમો બદલાયા
વધારે ભીડને મેનેજ કરવા માટે AMC એ VIP ટિકિટના નિયમોમાં ફેરફાર કર્યો છે. વધુમાં વધુ સામાન્ય નાગરિકો આ શોનો આનંદ માણી શકે તે માટે રાત્રિના સમયે VIP ટિકિટ વ્યવસ્થા બંધ કરી દેવામાં આવી છે. VIP ટિકિટ સવારે 7:00 થી 8:00 વાગ્યા સુધી જ મળશે અને મુલાકાતનો સમય સવારે 8:00 થી 9:00 સુધીનો રહેશે. શાંતિથી ફૂલોને નિહાળવા માંગતા લોકો માટે 500 રૂપિયાની ટિકિટ સાથેનો ‘પ્રાઇમ સ્લોટ’ હવે માત્ર સવારના સમય પૂરતો જ મર્યાદિત રહેશે.

AMC દ્વારા નક્કી કરાયેલ ટિકિટ દર પર એક નજર
AMC દ્વારા મુલાકાતીઓની સુવિધા અને ક્રાઉડ મેનેજમેન્ટ માટે આધુનિક વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે. નવા નિયમો અનુસાર, સોમવારથી શુક્રવાર દરમિયાન પ્રવેશ ટિકિટનો દર 80રૂપિયા અને શનિ-રવિ કે જાહેર રજાના દિવસોમાં 100 રૂપિયા નિર્ધારિત કરવામાં આવ્યો છે. જોકે, 12 વર્ષથી નીચેના બાળકો, એએમસી સ્કૂલના વિદ્યાર્થીઓ, દિવ્યાંગો, સૈનિકો અને પત્રકારો માટે પ્રવેશ તદ્દન નિશુલ્ક રાખવામાં આવ્યો છે, જ્યારે અન્ય શાળાના વિદ્યાર્થીઓ સવારના સમયે માત્ર 10 રૂપિયાની ફી ભરીને પ્રવેશ મેળવી શકશે. આ ઉપરાંત, ભીડ વગર શાંતિથી મુલાકાત લેવા ઈચ્છતા લોકો માટે 500 રૂપિયાના દરે ‘પ્રાઇમ સ્લોટ’ની વ્યવસ્થા કરવામાં આવી છે, જે હવેથી માત્ર સવારના સમય પૂરતી જ ઉપલબ્ધ રહેશે.
