Business News: માઇક્રોસોફ્ટની આઉટલુક, ટીમ્સ સહિતની સેવાઓમાં સર્જાયેલી ટેકનિકલ ખામીએ વિશ્વભરમાં સરકારી કચેરીઓથી લઈને એરલાઇન્સ, બેન્કો, હેલ્થકેર અને વિવિધ કારોબારોની કામગીરીને અસર પહોંચાડી હતી. આ આઉટેજ (Microsoft Outage)ને કારણે વૈશ્વિક સ્તરે ઉત્પાદકતામાં અંદાજે 7 અબજ ડોલરનું નુકસાન થયું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જોકે, વાસ્તવિક આર્થિક નુકસાનનો આંકડો આગામી સમયમાં સ્પષ્ટ થઈ શકે છે.
બીજી તરફ, આ ઘટનાને પગલે વીમા કંપનીઓ પાસે 30થી 50 કરોડ ડોલર સુધીના વીમા દાવા આવી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી (Insurance Claims) છે. આ દરમિયાન માઇક્રોસોફ્ટે શનિવારે જણાવ્યું હતું કે 24 કલાકથી વધુ સમય બાદ તેની સેવાઓ ફરી સામાન્ય થઈ ગઈ છે.
Microsoft Outage: 74 દેશોમાંથી 74 લાખથી વધુ ફરિયાદો
આઉટેજની અસર વિશ્વના અનેક દેશોમાં જોવા મળી (Outlook Down) હતી. ડાઉનડિટેક્ટરને 74થી વધુ દેશોમાંથી 74 લાખથી વધુ ફરિયાદો મળી (Downdetector Reports) હતી. એક સમયે પ્રતિ મિનિટ લગભગ 20 હજાર ફરિયાદો નોંધાઈ રહી હતી, જે સામાન્ય દિવસોની સરખામણીએ આશરે 1,500 ગણી વધુ હતી.
માઇક્રોસોફ્ટ 365 હેઠળ આવતી આઉટલુક, ટીમ્સ અને એઆઈ સહાયક કોપાયલોટ જેવી સેવાઓ ખોરવાઈ હતી. માઇક્રોસોફ્ટના જણાવ્યા મુજબ, આ સમસ્યા સર્વરમાં આવેલી ટેકનિકલ ખામીને કારણે સર્જાઈ હતી. કંપનીએ સ્પષ્ટતા કરી હતી કે આ સાઇબર હુમલો નહોતો. સમસ્યા દૂર કરવા માટે જરૂરી સોફ્ટવેર ફેરફારો કરવામાં આવ્યા હતા.
સરકારી અને આરોગ્ય સેવાઓને અસર
અમેરિકા, બ્રિટન, જાપાન, સિંગાપોર, ઓસ્ટ્રેલિયા અને ભારત સહિતના દેશોમાં વિવિધ સેવાઓ ખોરવાઈ હતી. બ્રિટનમાં સરકારી આરોગ્ય સેવા એનએચએસ અને લંડન મેટ્રોપોલિટન પોલીસની કામગીરી પર અસર પડી હતી. ઓનલાઇન ફરિયાદ નોંધાવવાની વ્યવસ્થા ખોરવાતાં પોલીસને મુશ્કેલી પડી હતી. જ્યારે આરોગ્ય સેવાઓએ કામગીરી ચાલુ રાખવા વૈકલ્પિક કમ્પ્યુટર વ્યવસ્થા અને કાગળોનો ઉપયોગ કરવો પડ્યો હતો.
ઓસ્ટ્રેલિયામાં પણ જાસૂસી વ્યવસ્થા અને ફેડરલ પોલીસની કામગીરી પ્રભાવિત થઈ હતી. વિવિધ દેશોની સરકારી કચેરીઓને સેવાઓ ફરી શરૂ કરવામાં કેટલાય કલાકો સુધી રાહ જોવી પડી હતી.
ભારતમાં એરલાઇન્સના મુસાફરોને મુશ્કેલી
ભારતમાં પણ આ ટેકનિકલ ખામીની અસર જોવા મળી હતી. ઇન્ડિગો, અકાસા અને એર ઇન્ડિયાના કેટલાક મુસાફરોએ ઇમેઇલ દ્વારા મળતી સહાય સેવાઓમાં મુશ્કેલીની ફરિયાદ કરી હતી. તેના કારણે મુસાફરોના સવાલોના જવાબ અને ફરિયાદોના નિરાકરણમાં વિલંબ થવાની શક્યતા ઊભી થઈ હતી.
શેરબજાર અને નાણાકીય વ્યવહારો પણ પ્રભાવિત
યુરોપમાં શેરબજાર સંચાલિત કરતી કંપની યુરોનેક્સ્ટની ઇમેઇલ સેવા ખોરવાઈ હતી. ડેન્માર્કની શિપિંગ કંપની મર્સ્કે પણ ગ્રાહકો માટે ચેતવણી જાહેર કરી હતી. તાઇવાનમાં શેરબજાર અને નાણાકીય કામગીરી પર અસર પડી હતી.
કેટલીક નાણાકીય કંપનીઓને વ્યવહારોની ચકાસણી માટે ફેક્સનો સહારો લેવો પડ્યો હતો. વીમા, રોકાણ અને શેરબજાર સાથે જોડાયેલી કંપનીઓને પણ કામગીરીમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
આ પણ વાંચો: માઇક્રોસોફ્ટની ઇમેઇલ સર્વિસ 10 કલાકથી ઠપ, ભારત સહિત દુનિયાભરના યુઝર્સ પરેશાન
આ પણ વાંચો: માઇક્રોસોફ્ટની ફ્લેગશિપ ક્લાઉડ સર્વિસ Azure માં મોટી ટેકનિકલ ખામી
