Technology News: દુનિયાની અગ્રણી ટેકનોલોજી કંપની માઇક્રોસોફ્ટની ઇમેઇલ સર્વિસમાં ટેકનિકલ ખામી સર્જાતાં ભારત સહિત અનેક દેશોના યુઝર્સ મુશ્કેલીમાં મુકાયા (Microsoft Server Down) છે. ગુરુવારે મોડી રાતથી Outlook અને Microsoft 365ની સેવાઓ ખોરવાઈ છે. જેના કારણે યુઝર્સ પોતાનું ઇનબોક્સ ખોલી શકતા નથી તેમજ નવા ઇમેઇલ મોકલવા અને મેળવવામાં પણ મુશ્કેલી પડી રહી છે. સર્વિસ ખોરવાયાને 10 કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં સમસ્યાનો સંપૂર્ણ ઉકેલ આવ્યો નથી. આની અસર અનેક કંપનીઓ અને ઓફિસોના કામકાજ પર પણ પડી છે.
Microsoft Server Down: Outlook અને Microsoft 365માં શું સમસ્યા?
માઇક્રોસોફ્ટની ઇમેઇલ સર્વિસમાં ખામી સર્જાતાં કેટલાક યુઝર્સને એકાઉન્ટમાં લોગિન કરવામાં મુશ્કેલી (Outlook Login Problem) પડી રહી છે. ઘણા લોકો પોતાનું મેઇલબોક્સ ખોલી શકતા નથી, જ્યારે અન્ય યુઝર્સ ઇમેઇલ મોકલી કે મેળવી શકતા નથી. પરિણામે જરૂરી ઇમેઇલની આપ-લે અટકી ગઈ છે.
ખાસ કરીને રોજિંદા કામકાજ માટે ઇમેઇલ પર આધાર રાખતી કંપનીઓ અને ઓફિસો માટે આ સમસ્યા મુશ્કેલીરૂપ બની છે.
ડાઉનડિટેક્ટર પર એક લાખથી વધુ ફરિયાદો
માઇક્રોસોફ્ટે પોતાના એક્સ હેન્ડલ પર આ ટેકનિકલ ખામી અંગે નિવેદન આપ્યું છે. કંપનીના જણાવ્યા અનુસાર, કનેક્ટિવિટીની સમસ્યાને કારણે વિવિધ વિસ્તારોમાં તેની સેવાઓ પ્રભાવિત થઈ રહી છે.
ડાઉનડિટેક્ટરના અહેવાલ મુજબ, અમેરિકાના સ્થાનિક સમય અનુસાર બપોરે આશરે 1 વાગ્યાથી Outlookમાં સમસ્યાની ફરિયાદો નોંધાવા લાગી હતી. ત્યારબાદ ફરિયાદોની સંખ્યામાં ઝડપથી વધારો થયો હતો. Outlook અંગે એક લાખથી વધુ ફરિયાદો નોંધાઈ હોવાનું જણાવાયું છે. જ્યારે Microsoft 365 (Microsoft 365 Outage)ના હજારો યુઝર્સે પણ સર્વિસ ખોરવવાની ફરિયાદ કરી છે.
શરૂઆતમાં અમેરિકાની સમસ્યા માની, પછી વૈશ્વિક અસર સામે આવી
શરૂઆતમાં માઇક્રોસોફ્ટને લાગ્યું હતું કે આ સમસ્યા માત્ર અમેરિકામાં જ છે. જોકે, બાદમાં તેની અસર અન્ય દેશોમાં પણ થઈ રહી હોવાનું સામે આવ્યું હતું. ભારત સહિત અનેક દેશોના યુઝર્સને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
કંપનીની ટેકનિકલ ટીમ ખામીનું કારણ શોધવા અને સેવાઓ ફરી શરૂ કરવા માટે કામ કરી રહી છે. જોકે, સમસ્યાનો સંપૂર્ણ ઉકેલ ક્યારે આવશે તે અંગે કંપનીએ કોઈ ચોક્કસ સમયમર્યાદા જાહેર કરી નથી.
2024માં પણ સર્જાઈ હતી વૈશ્વિક ટેકનિકલ ખામી
માઇક્રોસોફ્ટની સેવાઓમાં ખામી સર્જાવાની આ પહેલી ઘટના નથી. વર્ષ 2024માં પણ દુનિયાભરના Windows યુઝર્સને મોટી ટેકનિકલ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. તે સમયે અનેક કમ્પ્યુટર સિસ્ટમમાં એરર આવવા લાગ્યા હતા અને કેટલીક સિસ્ટમ અચાનક બંધ થઈ જતી હતી અથવા રિસ્ટાર્ટ થતી હતી.
તે સમયે આ વૈશ્વિક સમસ્યા પાછળ સાયબર સિક્યોરિટી કંપની CrowdStrikeના અપડેટને જવાબદાર ગણાવવામાં આવ્યું (CrowdStrike Outage 2024) હતું. હવે ફરી એકવાર Outlook અને Microsoft 365ની સેવાઓ ખોરવાતાં દુનિયાભરના યુઝર્સની મુશ્કેલી વધી છે.
આ પણ વાંચો: માઇક્રોસોફ્ટની ફ્લેગશિપ ક્લાઉડ સર્વિસ Azure માં મોટી ટેકનિકલ ખામી
આ પણ વાંચો: ગાઝા નરસંહારમાં માઇક્રોસોફ્ટ, ગૂગલ જેવી 48 કંપનીઓ ભાગીદાર? UNમાં રજૂ રિપોર્ટથી ખળભળાટ
