Surat News/ સુરતમાં ‘ઓન ડ્યુટી SMC’ લખેલી બાઈક પર નશામાં હપ્તા વસૂલતા કથિત કર્મચારીને સામે લોકોનો આક્રોશ

સુરતના ન્યૂ VIP રોડ પર ‘ઓન ડ્યુટી SMC’ લખેલી ટુ-વ્હીલર પર નશામાં ફેરિયાઓ પાસે હપ્તા માગતા શખ્સને સ્થાનિકોએ માર માર્યો, પોલીસે તપાસ શરૂ કરી

Breaking News Gujarat Surat
SMC

Surat News: સુરત મહાનગરપાલિકાના નામે ગરીબ અને મધ્યમવર્ગીય ફેરિયાઓ પાસેથી હપ્તા વસૂલવાનો આરોપ ધરાવતી એક ઘટનાએ શહેરભરમાં ચકચાર જગાવી છે. ન્યૂ VIP રોડ પર ‘ઓન ડ્યુટી SMC’ લખેલી ટુ-વ્હીલર પર આવેલો એક શખ્સ દારૂના નશાની હાલતમાં ફેરિયાઓ પાસે રૂપિયા માગતો હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ તેને ઘેરીને માર માર્યો હતો. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પાલિકાની કામગીરી અને છબી સામે સવાલો ઊભા થયા છે.

સ્થાનિકોએ જાહેરમાં તમાચા ઝીંકી આક્રોશ ઠાલવ્યો

વાયરલ વીડિયોમાં નશામાં ધૂત પાલિકાનો કથિત કર્મચારી લોકોને રંજાડતો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. વીડિયોમાં એક મહિલાએ આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું કે, આ શખ્સ દરરોજ નશાની હાલતમાં અહીં આવીને રૂપિયાની માગણી કરે છે અને ગરીબ ફેરિયા(Poor Hawkers)ઓને બિનજરૂરી હેરાન કરે છે. મહિલાએ રોષભેર કહ્યું કે નશો કરીને આવવાનો આ કોઈ સમય નથી, પછી ભલે તે ગમે તેવો મોટો સાહેબ કેમ ન હોય. રોજ મહેનત-મજૂરી કરીને પેટિયું રળતા ફેરિયાઓને ધમકાવીને પૈસા પડાવાતા હોવાથી સ્થાનિકોમાં પણ ભારે રોષ ફાટી નીકળ્યો હતો અને મહિલાએ જાહેરમાં જ શખ્સને તમાચા ઝીંકી દીધા હતા.

ઓળખપત્ર માગતા શખ્સ ભરાયો, નાસવાનો પ્રયાસ નિષ્ફળ

સ્થળ પર હાજર અન્ય એક વ્યક્તિએ આક્ષેપ કર્યો કે, આ શખ્સ પાલિકાનો ગણવેશ પહેરીને ગરીબ ફેરિયાઓ પાસેથી ગેરકાયદે રૂપિયા પડાવે છે. વિવાદ વધતાં એકત્ર થયેલા લોકોએ તેની પાસે સાચી ઓળખ અને પાલિકાના ઓળખપત્ર (I-Card) અંગે ખુલાસો માગ્યો હતો. વીડિયોમાં દાવો કરાયો છે કે તે કોઈ યોગ્ય ઓળખ આપી શક્યો નહોતો. તેની ટુ-વ્હીલર પર ‘ઓન ડ્યુટી SMC’ લખેલું હોવાથી તે પાલિકાના આરોગ્ય વિભાગ(Health Department) સાથે સંકળાયેલો હોવાની ચર્ચા ચાલી રહી છે. ભાંડો ફૂટતો જણાતાં તેણે ટુ-વ્હીલર લઈને નીકળી જવાનો પ્રયાસ કર્યો, પરંતુ રોષે ભરાયેલા ટોળાએ તેને ઘેરી લઈને મેથીપાક ચખાડ્યો હતો.

પોલીસ હદના વિવાદ વચ્ચે તપાસ શરૂ

વીડિયો વાયરલ થયા બાદ સુરત પોલીસ હરકતમાં આવી છે અને મામલે તપાસ શરૂ કરી છે. જોકે, આ બનાવ અલથાણ પોલીસ મથક (Althan Police Station)ની હદમાં આવે છે કે અન્ય પોલીસ સ્ટેશનની હદમાં તે અંગે તપાસ ચાલી રહી છે. હદ સ્પષ્ટ થયા બાદ જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.

SMCનું અકળાવનારું મૌન

પાલિકાની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડતો વીડિયો વાયરલ થયા બાદ પણ સુરત મહાનગરપાલિકા તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરાઈ નથી. આ શખ્સ ખરેખર પાલિકાનો કર્મચારી છે કે કોઈ ઠગ ટોળકી પાલિકાની ઓળખનો દુરુપયોગ કરીને ફેરિયાઓને લૂંટી રહી છે, તે તપાસનો વિષય છે. જો તે પાલિકાનો કર્મચારી હોય તો તેની સામે દાખલારૂપ કાર્યવાહી થશે કે કેમ અને નકલી કર્મચારીઓનો ત્રાસ રોકવા તંત્ર શું નક્કર પગલાં લેશે, તેવા સવાલો શહેરીજનોમાં ચર્ચાઈ રહ્યા છે.


આ પણ વાંચો: વડોદરા-સુરત મહાનગરપાલિકાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ અને બોમ્બ સ્કવોડ એલર્ટ

આ પણ વાંચો: Bribe Case : સુરત મહાનગરપાલિકાના ડીવીઝનલ ફાયર ઓફિસર લાંચ લેતા ઝડપાયા

આ પણ વાંચો: સુરત મહાનગરપાલિકાના સફાઈ કર્મચારી પર હુમલો