Vadodara News: વડોદરાના બાપોદ વિસ્તારમાં લગ્ન કરવાની લાલચ આપીને યુવતી પાસેથી ત્રણ વર્ષ સુધી રોકડ રકમ અને સોનાના દાગીના લેવાનો કિસ્સો (Marriage Fraud) સામે આવ્યો છે. યુવતી સાથે પ્રેમસંબંધ ધરાવતા યુવકે પરિવારજનો લગ્ન માટે સંમત નહીં થાય તો ભાગીને લગ્ન કરવાની વાત કહી હતી. આ માટે પૈસાની જરૂર હોવાનું જણાવી તેણે યુવતી પાસેથી વારંવાર રોકડ અને દાગીના લીધા હતા. જોકે, દિવાળીની સફાઈ દરમિયાન દાગીના ગુમ હોવાનું સામે આવતાં પરિવારજનોએ તપાસ કરી હતી. ત્યારે યુવક પહેલેથી જ પરિણીત અને એક સંતાનનો પિતા હોવાનું જાણવા મળ્યું હતું.
Marriage Fraud: ભાગીને લગ્ન કરવાના નામે પૈસા અને દાગીના લીધા
મળતી માહિતી મુજબ, યુવતી અને યુવક એક જ કંપનીમાં નોકરી કરતાં હતાં. સાથે કામ કરતી વખતે બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો અને તેમણે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. યુવકે પરિવારજનો વિરોધ કરશે તો પણ ભાગીને લગ્ન કરવાની તૈયારી બતાવી યુવતીનો વિશ્વાસ જીત્યો હતો.
આ દરમિયાન યુવકે નોકરી છોડીને પોતાનો વ્યવસાય શરૂ કર્યો હતો. જોકે, તેણે યુવતી સાથેનો સંબંધ ચાલુ રાખ્યો હતો અને લગ્નના વાયદા કરીને પૈસાની માગણી કરતો રહ્યો હતો. ભાગીને લગ્ન કરવા માટે રૂપિયા ભેગા કરવા પડશે તેમ કહી તેણે યુવતી પાસેથી વારંવાર રોકડ રકમ અને આશરે ચારથી પાંચ તોલા સોનાના દાગીના લીધા (Love Relationship Fraud) હતા.
દિવાળીની સફાઈમાં દાગીના ન મળતાં ભાંડો ફૂટ્યો
દિવાળીના તહેવાર દરમિયાન ઘરની સફાઈ કરતી વખતે યુવતીના પરિવારજનોને કેટલાક દાગીના મળ્યા નહોતા. આ અંગે યુવતીને પૂછતાં તેણે સમગ્ર હકીકત જણાવી હતી. ત્યારબાદ પરિવારજનોએ યુવક વિશે તપાસ કરાવી હતી. તેમાં યુવક પહેલેથી પરિણીત અને એક સંતાનનો પિતા હોવાનું સામે આવ્યું હતું. આ જાણીને યુવતી અને તેના પરિવારજનોને મોટો આઘાત લાગ્યો હતો.
અભયમની મદદ લીધી, પોલીસ ફરિયાદની તૈયારી
યુવતીએ આ મામલે અભયમ (Abhayam Helpline)ની મદદ લેતાં યુવકનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. અભયમની ટીમે રોકડ અને દાગીના અંગે હિસાબ માગ્યો ત્યારે યુવકે તે વાપરી નાખ્યા હોવાનું જણાવ્યું હતું.
મળતી વિગતો મુજબ, યુવકે યુવતી પાસેથી સોનાનાં બે લોકેટ, ચાંદીના છડા સહિત અન્ય દાગીના લીધા હતા અને તેને ગીરવે મૂકીને રૂપિયા મેળવ્યા હતા. જોકે, હવે આ રકમ અને દાગીના પોતાની પાસે ન હોવાનું કહી યુવકે જવાબદારીમાંથી હાથ ઊંચા કર્યા હોવાનું જણાવાયું છે. આથી યુવતીએ હવે યુવક સામે પોલીસ ફરિયાદ (Gujarat Crime News) કરવાની તૈયારી કરી છે.
આ પણ વાંચો: નવસારીની યુવતી સાથે ₹28.43 લાખની ઠગાઈનો આક્ષેપ, લગ્નની લાલચ આપી 29 ખાતાંમાં ટ્રાન્સફર કરાવ્યા રૂપિયા
આ પણ વાંચો: શાહઆલમમાં સગીરા સાથે દુષ્કર્મના આક્ષેપ, લગ્નની લાલચ આપનાર ઈમ્તિયાઝ શેખની ધરપકડ
આ પણ વાંચો: લગ્નની લાલચ આપી સગીરા સાથે દુષ્કર્મનો આરોપ, વીડિયો પરિવારને મોકલતા ભાંડો ફૂટ્યો
