Ahmedabad News : અમદાવાદમાં નશાના કારોબાર (Ahmedabad Drugs)સામે પોલીસ એક્શન મોડમાં આવી છે. શાહીબાગ પોલીસ હેડક્વાર્ટરમાં 950થી વધુ NDPS આરોપીઓને (NDPS Accused)એકત્ર કરીને કડક ચેતવણી આપવામાં આવી હતી. ફરી ડ્રગ્સના વેપારમાં પકડાશે તો ગેરકાયદે મિલકતો પર બુલડોઝર ફેરવવાની ચીમકી (Bulldozer Action)અપાઈ છે.
શાહીબાગ હેડક્વાર્ટરમાં 950થી વધુ NDPS આરોપીઓની પરેડ
અમદાવાદમાં ડ્રગ્સના નેટવર્કને નાબૂદ કરવા શહેર પોલીસ દ્વારા મોટું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. તાજેતરમાં શહેરમાં ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી ઝડપાયા બાદ પોલીસ વધુ આક્રમક બની છે. આ અભિયાનના ભાગરૂપે શાહીબાગ સ્થિત પોલીસ હેડક્વાર્ટરના સ્ટેડિયમમાં 950થી વધુ NDPS આરોપીઓને (NDPS Accused)એકત્ર કરવામાં આવ્યા હતા.
આ કાર્યવાહીમાં શહેરના વિવિધ પોલીસ સ્ટેશનના આશરે 500 આરોપીઓ અને ક્રાઈમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) તથા એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF)ના ચોપડે નોંધાયેલા આશરે 450 આરોપીઓનો સમાવેશ થાય છે. તમામને સ્ટેડિયમના મેદાનમાં કતારબંધ બેસાડવામાં આવ્યા હતા. પોલીસનો હેતુ નશાના કારોબાર સાથે સંકળાયેલા લોકોને કડક સંદેશ આપવાનો હતો.
Ahmedabad Drugs : રીઢા ગુનેગારોને અલગ મંડપમાં લઈ જવાયા
આ મેગા કાર્યવાહીમાં અનેક વખત ગુનામાં સંડોવાયેલા રીઢા આરોપીઓને ખાસ અલગ તારવવામાં આવ્યા હતા. તેમને મેદાનમાં ઊભા કરાયેલા બંધ મંડપમાં લઈ જવામાં આવ્યા હતા. પોલીસની આ કાર્યવાહી દરમિયાન કેટલાક આરોપીઓ મંડપમાં જતા અને બહાર આવતા અલગ સ્થિતિમાં જોવા મળ્યા હતા.
આ દ્રશ્યોએ પોલીસના કડક વલણની ચર્ચા જગાવી હતી. જોકે, આ મંડપમાં આરોપીઓ સામે કઈ કાર્યવાહી કરવામાં આવી તે અંગે વધુ સત્તાવાર વિગતો સામે આવે તે જરૂરી છે.
ફરી ડ્રગ્સના વેપારમાં પકડાશે તો બુલડોઝર એક્શન
JCP દ્વારા તમામ આરોપીઓને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપવામાં આવી હતી કે અમદાવાદમાં હવે ડ્રગ્સની હેરાફેરી અને વેચાણ ચલાવી લેવામાં આવશે નહીં. જો કોઈ આરોપી ફરીથી નશાના કારોબારમાં સંડોવાયેલો ઝડપાશે તો તેની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
આ ઉપરાંત ગુનામાંથી ઊભી કરેલી ગેરકાયદે મિલકતો સામે બુલડોઝર કાર્યવાહી (Bulldozer Action)કરવાની પણ ચીમકી આપવામાં આવી હતી. આરોપીઓને એવી કડક કાયદાકીય જોગવાઈઓ હેઠળ કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે, જેમાં લાંબા સમય સુધી જામીન મેળવવા મુશ્કેલ બની શકે છે.
2028 સુધી ડ્રગ્સ મુક્ત ગુજરાતનું લક્ષ્ય, PIની પણ જવાબદારી નક્કી
પોલીસે માત્ર ડ્રગ્સ પેડલરો (Drug Peddlers)અને સપ્લાયરો સામે જ નહીં, પરંતુ પોતાના તંત્રની જવાબદારી પણ નક્કી કરી છે. પોલીસ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે કે જે પોલીસ ઇન્સ્પેક્ટરના વિસ્તારમાં ડ્રગ્સનું વેચાણ કે નેટવર્ક ચાલતું ઝડપાશે, તેની સામે પણ ખાતાકીય કાર્યવાહી કરવામાં આવશે.
વર્ષ 2028 સુધીમાં ગુજરાતને ડ્રગ્સ મુક્ત બનાવવાના લક્ષ્ય સાથે આ ઝુંબેશ વધુ તેજ કરવામાં આવી રહી છે. પોલીસની આ કાર્યવાહીથી નશાના કારોબાર સાથે સંકળાયેલા લોકોમાં ફફડાટ ફેલાયો છે. હવે આગામી દિવસોમાં ડ્રગ્સના નેટવર્ક સામે પોલીસ કેવાં પગલાં ભરે છે તેના પર સૌની નજર રહેશે.
આ પણ વાંચો: અમદાવાદમાં ‘નો ડ્રગ્સ’ અભિયાન હેઠળ એક જ રાતમાં 4 NDPS કેસ, લાખોની કિંમતનો નશીલો પદાર્થ જપ્ત
આ પણ વાંચો: અમદાવાદની હોસ્ટેલમાં 9માંથી 6 યુવતીઓને ડ્રગ્સની લત, પિતાની સતર્કતાથી થયો ખુલાસો
