National News : ભારતીય ઉડ્ડયન ક્ષેત્રમાં ફરી એક એરલાઈન્સની સ્થિતિ ચિંતાજનક બની રહી છે. સ્પાઇસજેટ (SpiceJet Crisis) સામે નાણાકીય સંકટ, ફ્લાઇટ્સ રદ થવી, વિમાનોની અછત, કર્મચારીઓના પગાર બાકી અને કાનૂની વિવાદો જેવા અનેક પડકારો ઊભા થયા છે. મુસાફરોને એરપોર્ટ પર કલાકો સુધી રાહ જોવી પડી રહી છે, તો બીજી તરફ કંપનીના દેવા અને બાકી લેણાં તેની કામગીરી પર અસર કરી રહ્યા છે. હવે સવાલ ઊભો થયો છે કે શું સ્પાઇસજેટ પણ ભૂતકાળમાં બંધ થયેલી એરલાઈન્સની યાદીમાં સામેલ થશે?
SpiceJet Crisis: મુસાફરોની મુશ્કેલીઓ વધી
છેલ્લા કેટલાક સમયથી સ્પાઇસજેટની ફ્લાઇટ્સમાં વિલંબ અને રદ થવાની ઘટનાઓ (SpiceJet Crisis)સામે આવી રહી છે. મુંબઈ એરપોર્ટ પર અનેક ફ્લાઇટ્સ મોડી પડતાં મુસાફરોને કલાકો સુધી રાહ જોવી પડી હતી. ફ્લાઇટના સમય અંગે સ્પષ્ટ માહિતી ન મળતા મુસાફરોએ એરલાઈન્સના કાઉન્ટર પર નારાજગી વ્યક્ત કરી હતી.
બાગડોગરાથી અમદાવાદ આવતી ફ્લાઇટ પણ પહેલાં બે વખત રી-શેડ્યૂલ થયા બાદ આખરે રદ થઈ હતી. તેના કારણે 50થી 70 જેટલા મુસાફરો એરપોર્ટ પર અટવાયા હતા. મુસાફરોએ હોટલ અને વૈકલ્પિક ફ્લાઇટની વ્યવસ્થા પોતાના ખર્ચે કરવી પડી હોવાની ફરિયાદ કરી હતી.
દેવું અને બાકી લેણાંનો બોજ
સ્પાઇસજેટની આર્થિક સ્થિતિ (SpiceJet Financial Crisis) પાછળ બાકી ચૂકવણી અને રોકડની અછત મુખ્ય કારણો હોવાનું કહેવાય છે. એરપોર્ટ ઓપરેટર્સ, ઓઇલ કંપનીઓ અને ગ્રાઉન્ડ હેન્ડલિંગ એજન્સીઓના લેણાં બાકી હોવાથી કેટલાક એરપોર્ટ પર કંપનીને Cash and Carry વ્યવસ્થા હેઠળ કામ કરવું પડી રહ્યું છે. એટલે કે, સેવાઓ મેળવવા માટે અગાઉથી ચુકવણી કરવી પડે છે.
દુબઈમાં પણ ગ્રાઉન્ડ હેન્ડલિંગ કંપની Dnata સાથે બાકી ચુકવણીનો વિવાદ સામે આવ્યો હતો. અંદાજે 14 મિલિયન UAE દિરહામ ચૂકવવાના બાકી હોવાના કારણે ચેક-ઇન સેવાઓ પ્રભાવિત થઈ હતી. આ પરિસ્થિતિ કંપનીની નાણાકીય મુશ્કેલીઓ કેટલી ગંભીર છે તે દર્શાવે છે.
SpiceJet Flights Cancelled: વિમાનો અને સ્ટાફની અછત
કંપની પાસે આશરે 60 વિમાનોનો કાફલો હોવા છતાં, તેમાંથી માત્ર 12 વિમાનો કાર્યરત હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. કંપનીના શેડ્યૂલ મુજબ રોજ લગભગ 65 ફ્લાઇટ્સનું સંચાલન થતું હોવા છતાં, 15થી 20 ફ્લાઇટ્સ રદ (SpiceJet Flights Cancelled)થતી હોવાના અને બાકીની ફ્લાઇટ્સ કલાકો મોડી પડતી હોવાના અહેવાલ છે.
કર્મચારીઓને ચાર મહિનાથી પગાર મળ્યો ન હોવાના દાવા પણ કંપનીની મુશ્કેલીમાં વધારો કરી રહ્યા છે. પગારની અનિયમિતતાથી ક્રૂની ઉપલબ્ધતા પર અસર પડી રહી છે અને કેટલીક ફ્લાઇટ્સ સ્ટાફની ગેરહાજરીના કારણે પણ રદ થઈ હોવાનું સામે આવ્યું છે.
: 9000 કરોડના નુકસાનનો દાવો
સ્પાઇસજેટ પર અંદાજે 9,000 કરોડ રૂપિયાનું નુકસાન અને 6,000 કરોડથી વધુની જવાબદારીઓ (SpiceJet Debt) હોવાનો દાવો કરવામાં આવે છે. તેમાં TDS, EPF અને GST જેવી કાનૂની ચૂકવણીની જવાબદારીઓ પણ સામેલ છે.
સપ્ટેમ્બર 2025માં પૂરા થયેલા ક્વાર્ટરમાં કંપનીની નેટવર્થ માઇનસ 2,800 કરોડ રૂપિયા નોંધાઈ હતી. છેલ્લા કેટલાક વર્ષોમાં 5,500 કરોડ રૂપિયાથી વધુનું ભંડોળ એકત્ર કરવા છતાં કંપનીની સ્થિતિમાં અપેક્ષિત સુધારો થયો નથી. રોકાણકારો અને ઉડ્ડયન ક્ષેત્રના નિષ્ણાતો માટે આ એક મોટો સવાલ છે કે આટલું ભંડોળ ક્યાં અને કેવી રીતે વપરાયું?
શેરબજારમાં ચેતવણી
બોમ્બે સ્ટોક એક્સચેન્જે નાણાકીય પરિણામો જાહેર કરવામાં વિલંબ અંગે સ્પાઇસજેટને ચેતવણી આપી છે. સમયમર્યાદામાં પરિણામો જાહેર ન કરવામાં આવે તો શેર ટ્રેડિંગ પર પ્રતિબંધની કાર્યવાહી થઈ શકે છે. કંપનીએ નક્કી કરેલી તારીખ સુધી પરિણામો જાહેર કરવાનો વિશ્વાસ આપ્યો છે.
આ દરમિયાન કંપનીના શેરમાં ઉછાળો પણ જોવા મળ્યો છે. 18 નવેમ્બરના રોજ શેરમાં 5 ટકાની અપર સર્કિટ લાગી અને ભાવ 9.97 રૂપિયા સુધી પહોંચ્યો હતો. છેલ્લા છ દિવસમાં શેરમાં લગભગ 30 ટકાનો ઉછાળો (SpiceJet Share Price)નોંધાયો હોવાનો અહેવાલ છે.
કાનૂની વિવાદ પણ પડકાર
સ્પાઇસજેટના પ્રમોટર અજય સિંહ (Ajay Singh)અને કલાનિધિ મારન વચ્ચે વર્ષોથી ચાલી રહેલો નાણાકીય અને શેર ટ્રાન્સફર સંબંધિત વિવાદ કંપની માટે વધુ એક મુશ્કેલી છે. દિલ્હી હાઈકોર્ટના આદેશ અનુસાર, કંપનીએ કલાનિધિ મારનને વ્યાજ અને બાકી લેણાં સહિત 144.51 કરોડ રૂપિયા ચૂકવવાના હતા.
કંપનીએ હપ્તામાં રકમ ચૂકવવાની રજૂઆત કરી હતી, પરંતુ ચુકવણીમાં વિલંબ થતાં કોર્ટની કાર્યવાહીનું દબાણ વધી ગયું છે. જો ચુકવણી નહીં થાય તો સંપત્તિ જપ્તી અથવા અન્ય કડક પગલાંની શક્યતા પણ ઊભી થઈ શકે છે.
શું સ્પાઇસજેટ ફરી બેઠી થશે?
ભારતમાં અગાઉ કિંગફિશર, જેટ એરવેઝ, GoFirst સહિત અનેક એરલાઈન્સ બંધ થઈ ચૂકી છે. સ્પાઇસજેટની હાલની સ્થિતિને જોતા લોકોમાં પણ ચિંતા વધી રહી છે. જોકે કંપની માટે હજુ આશાનું એક કિરણ છે.
બોર્ડ દ્વારા 5,500 કરોડ રૂપિયા સુધીનું નવું ભંડોળ એકત્ર કરવાની યોજનાને મંજૂરી આપવામાં આવી હોવાના અહેવાલ છે. કંપનીની શેર કેપિટલ વધારવા અને સરકારી યોજનાઓ હેઠળ સહાય મેળવવાના પ્રયાસો પણ ચાલી રહ્યા છે.
હવે સૌથી મોટો પડકાર આ ભંડોળને વાસ્તવિક કામગીરીમાં ફેરવવાનો છે. જો કંપની સમયસર દેવું ચૂકવી શકે, વિમાનો ફરી કાર્યરત કરી શકે અને મુસાફરોનો વિશ્વાસ પાછો મેળવી શકે તો પુનઃપ્રાપ્તિ શક્ય છે. પરંતુ જો નાણાકીય સંકટ વધુ ઘેરું બનશે, તો સ્પાઇસજેટનું ભવિષ્ય વધુ મુશ્કેલ બની શકે છે.
