Gandhinagar News: ગાંધીનગરના બાલવા-માણસા રોડ પર આવેલી એક આશ્રમની અનાથ કિશોરીઓ સાથે છેડતી અને બિભત્સ હરકતો કરવાના કેસમાં (Girls Harassment Case) ગાંધીનગરની કોર્ટે બે આરોપીઓને ત્રણ વર્ષની કેદની સજા ફટકારી છે. આશ્રમની બાજુમાં આવેલી ટહુકો હોટલના બે કર્મચારીઓએ કિશોરીઓ સામે અશોભનીય ઈશારા કરી જાતિસૂચક અપશબ્દો બોલ્યા હોવાનો આરોપ હતો. ગાંધીનગરના બીજા એડિશનલ સેશન્સ જજ એસ.વી. શર્માની કોર્ટે બંને આરોપીઓને દોષિત (Hotel Staff Sentenced) ઠેરવી રૂ.3 હજારનો દંડ પણ ફટકાર્યો છે.
Girls Harassment Case: ઘાસ નાખવા કહ્યું ત્યારે હોટલના કર્મચારીઓએ મશ્કરી કરી
આ ઘટના 2 ઓગસ્ટ, 2024ની સાંજે બની હતી. આશ્રમની દીકરીઓ ગ્રાઉન્ડમાં રમી રહી હતી. તે સમયે બાજુમાં આવેલી ટહુકો હોટલના મેનેજર સહિત ત્રણ કર્મચારીઓ હોટલમાં ઘાસ કાપી રહ્યા હતા. આ ઘાસ ગાયો ખાઈ શકે તે માટે દીકરીઓએ તેમને નાળિયામાં ઘાસ નાખવા જણાવ્યું હતું.
આ બાબતને લઈને હોટલના કર્મચારીઓ દીકરીઓ સામે જોઈને જોરજોરથી હસવા અને ઠઠ્ઠા-મશ્કરી કરવા લાગ્યા હતા. ફરિયાદ મુજબ, તેમાંથી બે કર્મચારીઓએ દીકરીઓ સામે અશોભનીય ચેનચાળા કર્યા હતા. બંનેએ પેન્ટની ચેઈન ખોલીને બિભત્સ હરકતો કરી હતી તેમજ જાતિસૂચક શબ્દો બોલી અપમાનિત કરી ગાળાગાળી અને ગંદા ઈશારા કર્યા હતા.
અપમાન થતાં એક દીકરીએ કાચના દરવાજા પર હાથ પછાડ્યો
આ ઘટનાથી નારાજ દીકરીઓ ટહુકો હોટલમાં ગઈ હતી અને માલિક અંગે પૂછપરછ કરી હતી. ત્યારબાદ મેનેજરના ફોન પરથી હોટલના માલિક સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ યોગ્ય જવાબ આપ્યા વિના ફોન કાપી નાખવામાં આવ્યો હતો. ત્યારબાદ ત્યાં હાજર સ્ટાફે પણ અપમાનજનક શબ્દો કહ્યા હતા.
આ દરમિયાન એક દીકરીએ ગુસ્સામાં આવીને હોટલના કાચના દરવાજા પર જોરથી હાથ પછાડ્યો હતો. જેના કારણે તેના જમણા હાથની બે આંગળીઓમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, જ્યાં આંગળીમાં આઠ ટાંકા લેવા પડ્યા હતા.
POCSO એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ
આ મામલે આશ્રમના સંચાલક જીતેન્દ્રભાઈ મહેતાએ પેથાપુર પોલીસ મથકમાં POCSO (POCSO Case Gujarat) એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. કેસ કોર્ટમાં પહોંચ્યા બાદ એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર પ્રિતેશ ડી. વ્યાસે દલીલો કરી હતી કે આરોપીઓએ સગીર વયની, અનાથ અને અનુસૂચિત જનજાતિની દીકરીઓ સામે બિભત્સ ચેનચાળા અને અપશબ્દોનો ઉપયોગ કરી ગંભીર ગુનો આચર્યો છે. આવા ગુનાઓ અટકાવવા અને સમાજમાં દાખલો બેસે તે માટે આરોપીઓને કડક સજા કરવાની માગ કરવામાં આવી હતી.
બંને આરોપીઓને ત્રણ વર્ષની કેદની સજા
કોર્ટે બંને પક્ષોની દલીલો અને રજૂ કરાયેલા પુરાવાઓને ધ્યાનમાં રાખીને ટહુકો હોટલમાં રહેતા બે આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. જેમાં ચીમન પાટડિયા (મૂળ વતન વાડાસડા, જૂનાગઢ) અને કરણસિંહ ઉર્ફે ફતેસિંહ ઉમેદસિંહ રાઠોડ (મૂળ વતન અનોડિયા પુંધરા ગામ)નો સમાવેશ થાય છે.
ગાંધીનગરના બીજા એડિશનલ સેશન્સ જજ એસ.વી. શર્માની કોર્ટે બંને આરોપીઓને ત્રણ વર્ષની કેદની સજા અને રૂ.3 હજારનો દંડ ફટકારવાનો (Gandhinagar Court Verdict) હુકમ કર્યો છે.
આ પણ વાંચો: કલોલમાં 16 વર્ષની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાના કેસમાં આરોપી સંજય દોડીયારને 20 વર્ષની સખત કેદ
આ પણ વાંચો: જૂનાગઢમાં M.Sc.ના વિદ્યાર્થીએ 15 વર્ષની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું, આરોપી કેવલ રાઠોડની ધરપકડ
આ પણ વાંચો: ઉત્તરાખંડમાં સગીરા સાથે સામૂહિક દુષ્કર્મનો આરોપ, ABVPના નેતા સહિત ચારની ધરપકડ
