Vav Tharad News/ થરાદમાં કરુણ ઘટના: તળાવમાં ડૂબતાં બે બહેન-ભાઈનાં મોત, બચાવવા ગયેલી યુવતી પણ જાન ગુમાવી

બનાસકાંઠા જિલ્લાના વાવ-થરાદ (Vav-Tharad) તાલુકાના ડોડગામમાં એક જ પરિવારના ત્રણ બાળકોના તળાવમાં ડૂબી જવાથી કરુણ મોત નિપજ્યા છે.

Top Stories Gujarat
Vav-Tharad

Vav Tharad News:  બનાસકાંઠા જિલ્લાના વાવ-થરાદ (Vav-Tharad) તાલુકાના ડોડગામમાં એક હૃદયવિદારક ઘટના સામે આવી છે, જેમાં એક જ પરિવારના ત્રણ બાળકોના તળાવમાં ડૂબી જવાથી કરુણ મોત નિપજ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બે બહેનો અને તેમની ફોઈનો દીકરો તળાવમાં પાણી લેવા ગયા હતા, ત્યારે અચાનક પગ લપસી જતાં તેઓ ઊંડા પાણીમાં તણાઈ ગયા હતા.

આ દુર્ઘટનાના પગલે સમગ્ર ડોડગામ તેમજ આસપાસના વિસ્તારમાં ભારે શોકની લાગણી છવાઈ ગઈ છે. ખાસ કરીને વાલ્મિકી સમાજમાં આ ઘટનાને લઈને ગાઢ દુઃખ અને શોક વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

મળતી માહિતી અનુસાર, મૂળ ગામડીના વતની અને હાલ ડોડગામમાં ભાગિયા તરીકે ખેતીકામ કરતા શિવા વાલ્મિકીની બે પુત્રીઓ હેતલ (ઉ.વ. 18) અને ગુડી (ઉ.વ. 13) તેમજ દિયોદરના વખવાડા ગામના વિપુલ વાલ્મિકી (ઉ.વ. 12) તળાવે પાણી ભરવા ગયા હતા.

આ દરમિયાન અચાનક વિપુલનો પગ લપસતા તે ઊંડા પાણીમાં ખાબક્યો હતો. પોતાના ભાઈને બચાવવા માટે ગુડી તરત જ પાણીમાં ઉતરી ગઈ, પરંતુ તે પણ પાણીના પ્રવાહ સામે સંઘર્ષ કરતી ડૂબવા લાગી હતી. તેમજ મોટી બહેન હેતલે બને બાઇ, બહેનને ડૂબતા જોઇ તે પણ બચાવ માટે પાણીમાં કૂદી પડી હતી.

પરંતુ કમનસીબે તળાવમાં પાણી વધુ ઊંડું હોવાને કારણે ત્રણેય એક પછી એક પાણીમાં ગરકાવ થઈ ગયા અને ઘટનાસ્થળે જ તેમનું કરુણ મૃત્યુ નિપજ્યું હતું. આ દુર્ઘટનાએ એક જ પરિવાર પર આફત તૂટી પડતા ગામમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.

માતાની આંખો સામે બની કરુણ ઘટના

તળાવ કિનારે હાજર માતાની નજર સામે જ સંતાનો ડૂબતા જોઈ તેમણે ચીસો પાડી દીધી હતી. માતાની ચીસો સાંભળતા આસપાસના ખેતરોમાં કામ કરતા લોકો તરત જ દોડી આવ્યા હતા. ગ્રામજનોએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી અને ભારે જહેમત બાદ તળાવમાંથી ત્રણેયના મૃતદેહોને બહાર કાઢ્યા હતા.

બે નાનકડા બાળકો થયા માતા વિના

જો કે, હેતલ ભાભરના બ્લોધન ગામે થયા હતા તેમને 2 વર્ષની પુત્રી અને 1.5 વર્ષનો પુત્ર છે, જેઓએ નાની ઉંમરે જ માતાની છત્રછાયા ગુમાવી છે.
તેમજ શિવા વાલ્મિકી માટે તો આ ઘટના અસહ્ય સાબિત થઈ છે, કારણ કે તેમણે પોતાની બે યુવાન દીકરીઓ અને એક ભાણેજને એકસાથે ગુમાવ્યા છે. પરિવારમાં અચાનક આવેલા આ શોકથી સૌ કોઈ સ્તબ્ધ બની ગયા છે.


આ પણ વાંચો : વડોદરા ગ્રામ્યમાં 2 લાખની લાંચ લેતા પીઆઈનો મળતીયો ઝડપાયો

આ પણ વાંચો : વડોદરામાં નાયબ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ‘વિકાસ સંકલ્પ સભા’ સંપન્ન

આ પણ વાંચો :પનીર અસલી છે કે ‘એનાલોગ’? ગુજરાતની હોટલ-રેસ્ટોરન્ટમાં હવે ફરજિયાત બોર્ડ મારવા પડશે