Vadodara News : નાયબ મુખ્યમંત્રી(Deputy CM) હર્ષ સંઘવીએ આજે વડોદરાના પરિવાર ચાર રસ્તા પાસે આયોજિત ‘વિકાસ સંકલ્પ સભા’ને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે વડોદરા(Vadodara) મહાનગરના પદાધિકારીઓ અને નાગરિકો દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
નાયબ મુખ્યમંત્રી(Deputy CM) એ જણાવ્યું હતું કે, આપણો દેશ ગંગા, ગીતા, મા દુર્ગા અને મા અંબાની આરાધનાનો દેશ છે

સંબોધનની શરૂઆતમાં નાયબ મુખ્યમંત્રી(Deputy CM) એ જણાવ્યું હતું કે, આપણો દેશ ગંગા, ગીતા, મા દુર્ગા અને મા અંબાની આરાધનાનો દેશ છે, જ્યાં નારીનું સ્થાન હંમેશા સર્વોચ્ચ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ લાવીને દેશના નેતૃત્વમાં નવો સૂર્યોદય ઉગાડ્યો છે. અત્યાર સુધી માત્ર રાજકીય પરિવારોના સભ્યો જ સંસદમાં પહોંચતા હતા, પરંતુ હવે આ 33 ટકા અનામતને કારણે એક સામાન્ય મધ્યમવર્ગીય પરિવારની દીકરી અને બહેન પણ પાર્લામેન્ટમાં જઈ દેશનું નેતૃત્વ કરશે.

વડોદરાના સર્વાંગી વિકાસની કટિબદ્ધતા દોહરાવતા હર્ષ સંઘવીએ મહત્વપૂર્ણ જાહેરાતો કરી હતી. તેમણે જણાવ્યું કે, વડોદરાના ટ્રાફિકના ભારણને હળવો કરવા 75 મીટરનો ભવ્ય રિંગ રોડ બનાવવામાં આવશે. આ ઉપરાંત, સૂરસાગર તળાવ ખાતે આકર્ષક લાઈટિંગ અને લેઝર શો, દરેક ઝોનમાં અધ્યતન સ્વિમિંગ પૂલ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તેમજ મેગા ફૂટપાથ અને પીવાના પાણીના પ્રોજેક્ટ્સ દ્વારા વડોદરાને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ સરકારની પ્રાથમિકતાઓની વાત કરતા તેમણે કહ્યું કે, રાજ્યના નાગરિકોના હિતમાં અશાંત ધારાના કાયદાને વધુ મજબૂત બનાવવામાં આવ્યો છે. હવે આ કાયદા હેઠળ વધુ કડકાઈથી કાર્યવાહી કરવામાં આવશે જેથી કોઈ પણ નાગરિકના હક પર તરાપ ન વાગે.

ચૂંટણીના માહોલ અંગે વિપક્ષો પર પ્રહાર કરતા તેમણે ઉમેર્યું કે, ભાજપ અને ગુજરાતની જનતા એ વિશ્વનું સૌથી મોટું સંયુક્ત કુટુંબ છે. દર વખતે ચૂંટણીમાં હાર જોઈને વિરોધીઓ EVM પર દોષ મઢતા હતા, પણ હવે EVM પણ થાકી ગયા છે. કોંગ્રેસ આ વખતે તેના ઇતિહાસની સૌથી કારમી હાર તરફ આગળ વધી રહી છે.

આ સભામાં પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ રસિકભાઈ, આદિજાતિ મોરચાના પ્રમુખ ગણપત વસાવા, મનીષાબેન વકીલ, કેયુર રોકડિયા, વડોદરા મહાનગર અધ્યક્ષ જયપ્રકાશ સોની સહિતના ધારાસભ્યો, કાઉન્સિલરો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
