Gandhinagar News/ પાટનગરના રસ્તાઓ પર ટ્રાફિક પોલીસનું નવું નેટવર્ક: DySPની જગ્યા મંજૂર

ગાંધીનગરમાં ટ્રાફિક વ્યવસ્થા (Gandhinagar Traffic Police) મજબૂત બનાવવા DySPની નવી જગ્યા મંજૂર કરાઈ છે. સેક્ટર-22 બાદ શહેરમાં બીજું અદ્યતન ટ્રાફિક પોલીસ સ્ટેશન પણ શરૂ થશે.

Top Stories Gandhinagar Gujarat Breaking News
Gandhinagar Traffic Police: GIFT સિટીથી ઇન્ફોસિટી સુધી ટ્રાફિક પર નજર

Gandhinagar News: રાજ્યના પાટનગર ગાંધીનગરમાં વધતા શહેરીકરણ અને વાહનોની સંખ્યાને ધ્યાનમાં રાખીને ટ્રાફિક (Gandhinagar Traffic Police) વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના ગૃહ વિભાગે ગાંધીનગર ટ્રાફિક વિભાગ માટે DySPની નવી જગ્યા મંજૂર કરી છે. આ ઉપરાંત શહેરમાં વધુ એક સ્વતંત્ર અને અદ્યતન ટ્રાફિક પોલીસ સ્ટેશન શરૂ કરવાની પણ મંજૂરી આપવામાં આવી છે. આગામી સમયમાં અમલી બનનારી પોલીસ કમિશનરેટ વ્યવસ્થાના ભાગરૂપે પણ આ નિર્ણય મહત્ત્વનો માનવામાં આવી રહ્યો છે.

Gandhinagar Traffic Police: ગિફ્ટ સિટી, ઇન્ફોસિટી અને હાઇવે પર વધ્યું વાહનોનું ભારણ

ગાંધીનગરમાં નવા વિકસતા સેક્ટરો, ગિફ્ટ સિટી, ઇન્ફોસિટી અને આસપાસના હાઇવે પર વાહનોની અવરજવર સતત વધી રહી છે. અત્યાર સુધી શહેરની ટ્રાફિક વ્યવસ્થાનું સંચાલન મુખ્યત્વે સેક્ટર-22 સ્થિત એકમાત્ર ટ્રાફિક પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવતું હતું. જોકે, શહેરનો વિસ્તાર અને વાહનોની સંખ્યા વધતાં ટ્રાફિક પોલીસ તંત્રને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત ઊભી થઈ હતી.

સેક્ટર-22ની તર્જ પર બીજું અદ્યતન ટ્રાફિક પોલીસ સ્ટેશન બનશે

ટ્રાફિક DySPની નવી જગ્યા મંજૂર થતાં હવે શહેરની ટ્રાફિક વ્યવસ્થાના સંચાલન અને નિયમન માટે DySP કક્ષાના અધિકારીનું સીધું સુપરવિઝન મળી શકશે. વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા અનુસાર, હાલમાં આ અંગેની વહીવટી પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આગામી દિવસોમાં ટ્રાફિક DySPની સત્તાવાર નિમણૂક કરવામાં આવશે.

હાલમાં સેક્ટર-22 ખાતે સંપૂર્ણ સુવિધાઓ સાથે ટ્રાફિક પોલીસ સ્ટેશન કાર્યરત છે. તેના જ માળખા પર બીજું અદ્યતન ટ્રાફિક પોલીસ સ્ટેશન શરૂ કરવામાં આવશે. પ્રારંભિક તબક્કે અહીં PSI સહિત જરૂરી પોલીસ સ્ટાફની નિમણૂક કરવામાં આવશે.

મુખ્ય માર્ગો અને ચાર રસ્તાઓ પર ટ્રાફિકજામથી રાહતની આશા

નવા ટ્રાફિક પોલીસ સ્ટેશન અને DySP કક્ષાના અધિકારીની નિમણૂકથી ગાંધીનગરના મુખ્ય માર્ગો, ચાર રસ્તાઓ અને ભીડભાડવાળા વિસ્તારોમાં ટ્રાફિક વ્યવસ્થાનું સંચાલન વધુ અસરકારક બનવાની અપેક્ષા છે. આ ઉપરાંત ટ્રાફિક નિયમોના પાલન અંગેની કામગીરી પણ વધુ કડક અને સુચારૂ બની શકે છે. શહેરમાં વધતા વાહનવ્યવહારને ધ્યાનમાં રાખીને ગૃહ વિભાગના આ નિર્ણયથી ટ્રાફિક પોલીસ તંત્રની કામગીરીને નવી દિશા મળવાની શક્યતા છે.


આ પણ વાંચો: સ્પોટ મેમો બંધ થતાં ટ્રાફિક વ્યવસ્થા પણ ઠપ? અમદાવાદમાં ટ્રાફિક પોલીસની કામગીરી સામે સવાલ

આ પણ વાંચો: ગાંધીનગરમાં ટ્રાફિક વ્યવસ્થાપન માટે ઉચ્ચસ્તરીય બેઠક, હર્ષ સંઘવીએ અધિકારીઓને આપી તાકીદ

આ પણ વાંચો: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને ટ્રાફિક વ્યવસ્થાપન અંગે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ